સુરત: (Surat) ફુલ જેવી ગ્રીષ્માની કરપીણ હત્યાની ઘટનાએ આખા દેશને હચમચાવી મુક્યો હતો. હત્યારા ફેનીલ ગોયાણી સામે લોકોનો રોષ હજી પણ શાંત પડ્યો નથી. સોશિયલ મિડીયા ઉપર ગ્રીષ્માને લઇ ઘણા કેમ્પેઇનિંગ ચાલી રહ્યા છે ત્યારે ગ્રીષ્માની હત્યા (Grishma Murder) થઇ તે પુર્વે તેણી કોલેજમાં પ્રેઝન્ટ (હાજરી) પુરાવી રહી હતી તેની તસ્વીર ‘ગુજરાતમિત્ર’ પાસે આવી છે. ગ્રીષ્માની(Grishma) આ અંતિમ તસ્વીર એ બતાવી રહી છે કે ગ્રીષ્મા કેટલી શિસ્તમાં રહીને અભ્યાસ સાથે જોડાયેલી હતી. તસવીરમાં ગ્રીષ્મા ક્લાસરૂમના સીસીટીવી ફુટેજમાં હાથ ઉંચો કરી હાજરી પુરાવતી નજરે પડે છે.
હજુ સાત દિવસ પહેલા જ કોલેજો ઓફલાઈન શરૂ થઈ હતી અને ગ્રીષ્મા નિયમિતપણે કોલેજમાં ભણવા જવા લાગી હતી. તા.12-2-2022 શનિવારે ગ્રીષ્મા સમયસર પોતાના ક્લાસરૂમમાં પહોંચી ગઈ હતી. ‘ગુજરાતમિત્ર’ને મળેલા સીસીટીવી ફુટેજમાં જોઇ શકાય છે કે, તે હાજરી માટે પોતાનો હાથ ઊંચો કરે છે.
છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે કોલેજ ઓનલાઈન ચાલતી હોય શિક્ષકો તેના વિશે કોઈ માહિતી આપી શકતા નથી. પરંતુ શિક્ષક અને તેના મિત્ર વર્તુળમાં વાત કરતાં એ વાત સપાટી પર આવી છે કે, ગ્રીષ્મા એક સંસ્કારી હતી તેમજ તે નિયમિત કોલેજ જતી હતી. અને ફરી ઘરે જતી રહેતી હતી તેની કોઈ ફરિયાદ ક્યારે સાંભળવા મળી હોય એવું કોઈના ધ્યાન પર નથી.
બીજી તરફ ફેનીલ ગોયાણી કોલેજના પહેલા વર્ષ સુધી ભણ્યો છે. એવું કહેવાય છે કે, તેની લફંગા વૃત્તિના લીધે તેને કોલેજમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. આ દર્શાવે છે કે, હત્યારો પહેલેથી જ અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હતો. એક તરફી પ્રેમ હોય કે બીજું કંઈ ફેનીલ એ એક સંસ્કારી અને જીવનમાં ભણીગણીને પરિવારનું નામ રોશન કરવાની ઈચ્છા ધરાવતી યુવતીની હત્યા કરી છે તે નક્કી છે.