સુરત-અમદાવાદ : સુરત જિલ્લાના વડોદમાં સુગર ફેક્ટરી સ્થાપવાના નામે બેંકોને 55.39 કરોડનો ચુનો ચોપડનાર માંડવી સુગરના એમડી રવિન્દ્ર પટેલ, અજાણ્યા ખાનગી વ્યક્તિઓ અને તપાસમાં નીકળી આવે એવા જવાબદાર સરકારી અધિકારીઓ સામે CBI એ ગુનો દાખલ કર્યો છે.
- સુરત જિલ્લાના વડોદમાં સુગર ફેક્ટરી સ્થાપવાના નામે બેંકોને ચુનો ચોપડ્યો હતો
- સુગર ફેક્ટરી સ્થાપવાને બદલે લોનનું ફંડ અન્ય ધંધામાં ડાયવર્ડ કરી બેંકો સાથે છેતરપિંડી કરી હતી
સુગર ફેક્ટરી સ્થાપવાને બદલે લોનનું ફંડ અન્ય ધંધામાં ડાયવર્ડ કરી આ ટોળકીએ બેંકો સાથે છેતરપિંડી કરી હતી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ બુધવારે જણાવ્યું હતું કે તેણે સુરતની એક ખાનગી પેઢી, તેના ટોચના અધિકારી અને અન્ય લોકો સામે બેંકોના કન્સોર્ટિયમ સાથે રૂ.55.39 કરોડની છેતરપિંડી કરવા બદલ કેસ નોંધ્યો છે.
તપાસ એજન્સીએ એક રિલીઝમાં જણાવ્યું હતું કે, ‘શ્રી માંડવી વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડલી લિમિટેડ’, તેના મેનેજિંગ ડિરેક્ટર રવિન્દ્ર પટેલ અને અન્ય ખાનગી વ્યક્તિઓ તેમજ અજાણ્યા જાહેર સેવકો સામે પ્રથમ માહિતી અહેવાલ (એફઆઈઆર) દાખલ કરવામાં આવ્યો હતો.
સીબીઆઇએ ગુજરાતના સુરત શહેરમાં આવેલા આરોપીઓના સત્તાવાર અને રહેણાંક પરિસર સહિત ત્રણ સ્થળોએ તપાસ કરી ઝડતી લીધી હતી, જેના પગલે ગુનાહિત દસ્તાવેજો અને ચીજવસ્તુઓ મળી આવી હતી.
યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની અમદાવાદ શાખામાંથી ફરિયાદ મળ્યા બાદ સીબીઆઈએ આ પેઢી સામે કેસ નોંધ્યો હતો. સુરત જિલ્લાના વડોદ ગામમાં સુગર ફેક્ટરી સ્થાપવા માટે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળ ત્રણ બેંકોના કન્સોર્ટિયમે આરોપીઓને રૂ.50.25 કરોડની લોન મંજૂર કરી હતી અને તેનું વિતરણ કર્યું હતું.
સુગર ફેક્ટરી સ્થાપવા માટે લોનનો ઉપયોગ કરવાને બદલે, આરોપી પેઢી અને તેના એમડીએ ગેરરીતિ અને લોન ફંડ્સના ડાયવર્ઝન દ્વારા બેંકો સાથે છેતરપિંડી કરી હતી, જેના કારણે ઉપરોક્ત કન્સોર્ટિયમ બેંકોને રૂ. 55.39 કરોડનું નુકસાન થયું હતું, એમ સીબીઆઈએ પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું.