બિહારની નીતિશ કુમાર સરકારે જેની ઘણી પ્રતિક્ષા થઇ રહી હતી તેવા જ્ઞાતિ આધારિત સર્વેના આંકડાઓ બહાર પાડી દીધા છે અને આ જ્ઞાતિ આધારિત સર્વેક્ષણ દેશના રાજકારણમાં વમળો પેદા કરવાની ક્ષમતા ધરાવે જ છે. ખાસ કરીને દેશના મુખ્ય શાસક પક્ષ ભાજપને તે ચિંતા કરાવી શકે છે. જ્ઞાતિ આધારિત સર્વેક્ષણની માગ ઘણા સમયથી થઇ રહી હતી. આમ તો દેશની દર દસ વર્ષે કરવામાં આવતી વસ્તી ગણતરીનો સમય ૨૦૨૧માં આવી ગયો હતો. આ વસ્તી ગણતરી જો કે તે સમયે કોવિડનો રોગચાળો ઉગ્ર હોવાથી થઇ શકી ન હતી. અને તે પછી પણ તે પાછી ઠેલાતી રહી છે અને આજદિન સુધી તે શરૂ થઇ શકી નથી.
આ વસ્તી ગણતરી જ્ઞાતિ આધારિત કરાવવાની માગ ઉઠી હતી પણ કેન્દ્રની મોદી સરકારે આ માગ નકારી કાઢી હતી. જો કે નીતિશ કુમાર સરકારે પોતાના રાજ્યમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી ધરાર કરીને બતાવી છે. જો કે રાજ્યો સ્વતંત્ર રીતે વસ્તી ગણતરીની કવાયત કરી શકતા નથી તેથી આ કવાયતને જ્ઞાતિ આધારિત સર્વેક્ષણ નામ આપવામાં આવ્યું છે. આ સર્વેમાં બિહારની વસ્તી અંગેના કેટલાક રસપ્રદ તો કેટલાક ચોંકાવનારા આંકડા પણ બહાર આવ્યા છે. આ સર્વે પરથી જાણવા મળ્યું છે કે આ રાજ્યની કુલ વસ્તીમાં અન્ય પછાત વર્ગો(ઓબીસી) અને અત્યંત પછાત વર્ગો(ઇબીસી)નું કુલ પ્રમાણ જંગી ૬૩ ટકા જેટલું છે. અને આ બંને વર્ગોને આ રાજ્યમાં મળતી અનામત તેના પ્રમાણમાં નોંધપાત્ર ઓછી છે. અને આવી બાબતો મોટી હલચલ મચાવી શકે છે.
જ્ઞાતિ સર્વેના આંકડાઓ મુજબ બિહારમાં અત્યંત પછાત વર્ગોનું પ્રમાણ ૩૬ ટકા જેટલું છે જે આ રાજ્યનો સૌથી મોટો સામાજીક વર્ગ છે જેના પછી અન્ય પછાત વર્ગોનું સ્થાન આવે છે જેની વસ્તી ૨૭.૧૩ ટકા છે. આ સર્વે પરથી એ પણ જાણવા મળ્યું છે કે બિહારમાં હિન્દુઓની મોટી બહુમતિ છે જેમની ટકાવારી રાજ્યની વસ્તીમાં ૮૧.૯૯ ટકા થાય છે જેના પછી મુસ્લિમોનો ક્રમ આવે છે જેમની વસ્તી બિહારમાં ૧૭.૭૦ ટકા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ રાજ્યમાં મુસ્લિમોની વસ્તી થોડી વધી છે પરંતુ અમુક વર્ગ તરફથી જેટલો ઉહાપોહ મચાવવામાં આવતો હતો તેટલી વધી નથી.
અને એક ડાબેરી નેતાએ તો આ વાત પકડી લઇને કહ્યું છે કે બાંગ્લાદેશમાંથી મોટા પ્રમાણમાં મુસ્લિમો ઠલવાતા હોવાનો સંઘનો પ્રચાર ખોટો સાબિત થયો છે. આ બાબત પણ ભાજપને કદાચ થોડી નડી શકે પરંતુ કુલ એકંદર તો જ્ઞાતિ આધારિત સર્વેક્ષણ હવે ચોક્કસ કેટલીક હલચલ ઉભી કરી શકે છે. આ કવાયત બિહારમાં નીતિશ કુમારને અને રાષ્ટ્રિય સ્તરે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનને લાભ કરે તેવી શક્યતા છે. જયાં જ્ઞાતિનું રાજકારણ ખૂબ મહત્વ ધરાવે છે તે હિન્દીભાષી રાજ્યોમાં આ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની માગ ઉઠી શકે છે જે ઇન્ડિયા ગઠબંધનનો અગત્યનો એજન્ડા છે.
આવતા વર્ષની લોકસભા ચૂંટણીના પહેલા યોજવામાં આવેલ આ જ્ઞાતિ આધારિત સર્વે રાજકીય રીતે ખાસ કરીને હિંદી ભાષી રાજ્યોમાં ઘણુ મહત્વ ધરાવે છે. આ સર્વે એવા સમયે શરૂ કરવામાં આવ્યો હતો જ્યારે કેન્દ્રની મોદી સરકારે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કેન્દ્ર સરકાર કરાવી શકે તેમ નથી એમ જણાવી દીધું હતું. બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિતના હિન્દીભાષી પટામાં અને ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં જ્ઞાતિઓનું રાજકારણ ઘણુ મહત્વનું છે. આમ તો દેશના અન્ય રાજ્યોમાં પણ જ્ઞાતિઓનું મહત્વ છે જ અને આ બાબત સાથે હવે અનામતનું તત્વ જોડાયું છે અને તે લોકસભા ચૂંટણી પહેલા ભાજપ માટે મુશ્કેલી ઉભી કરી શકે.
દેશની વસ્તી ગણતરીમાં ધર્મ આધારિત જાતિઓની સંખ્યા જાણવા મળે છે પરંતુ તમામ જ્ઞાતિઓ, વર્ગોને ધ્યાનમાં લઇને ગણતરી કરવાની કવાયત દેશને આઝાદી મળી તે પછી કરવામાં આવી નથી. છેલ્લે આવી તમામ જ્ઞાતિઓની વસ્તી ગણતરી છેક ૧૯૩૧માં થઇ હોવાનું નોંધાયું છે જે સમયે દેશમાં અંગ્રેજોનું શાસન હતું. હવે આ જ્ઞાતિ આધારિત સર્વેના નામે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી એક રાજ્યમાં થઇ ચુકી છે.
જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીના હિમાયતીઓનો તર્ક જ એ હતો કે જો જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કે સર્વે કરાવવામાં આવે તો જ્ઞાતિઓને તેમની વસ્તીના પ્રમાણમાં લાભો આપી શકાય. બિહારના હાલના સર્વેમાં જણાઇ આવ્યું છે કે ત્યાં જ્ઞાતિઓને વસ્તીના પ્રમાણમાં અનામતના લાભ મળતા નથી. આ રાજ્યમાં અત્યંત પછાત વર્ગની ટકાવારી ૩૬ છે જેમને નોકરીઓમાં હાલમાં ૧૮ ટકા અનામત મળે છે. ૨૭ ટકા ઓબીસીને ૧૨ ટકા અનામત મળે છે. આ જોઇને હવે અન્ય રાજ્યોમાં પણ આવા જ્ઞાતિ આધારિત સર્વે કરવાની માગ ઉઠી શકે છે. હવે સ્થિતિ કેવો વળાંક લે છે તે જોવાનું રહે છે.