નવી દિલ્હી(NewDelhi): નોટ ફોર વોટ (NoteForVote) કેસમાં સુપ્રીમ કોર્ટે (SupremeCourte) મોટો નિર્ણય સંભળાવ્યો છે. હવે જો સાંસદો ગૃહમાં ભાષણ આપવા કે વોટ આપવા માટે પૈસા લે છે તો તેમની સામે કેસ ચાલી શકે છે. એટલે કે હવે તેમને આ મામલામાં કાનૂની રક્ષણ નહીં મળે.
સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે આજે તા. 4 માર્ચના દિવસે મોટો નિર્ણય સંભળાવ્યો છે. આ સાથે અગાઉના નિર્ણયને પલટી નાંખ્યો છે. સુપ્રીમ કોર્ટે નરસિમ્હા રાવના 1998ના નિર્ણયને રદ કર્યો છે. 1998માં 5 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે 3:2 ની બહુમતી સાથે નિર્ણય લીધો હતો કે નોટ ફોર વોટ કેસમાં જનપ્રતિનિધિઓ સામે કાર્યવાહી કરી શકાતી નથી. પરંતુ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને પલટી દીધો છે.
હવે ગૃહમાં મતદાન માટે લાંચ લેનારા સાંસદો કે ધારાસભ્યો કાનૂની કાર્યવાહીથી બચી શકશે નહીં. સર્વસંમતિથી આપવામાં આવેલા મહત્વના નિર્ણયમાં CJIની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું છે કે વિધાનસભાના સભ્ય દ્વારા કરવામાં આવતો ભ્રષ્ટાચાર અથવા લાંચ જાહેર જીવનમાં અખંડિતતાને નષ્ટ કરે છે.
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે અમે વિવાદના તમામ પાસાઓ પર સ્વતંત્ર નિર્ણય લીધો છે. શું સાંસદોને મુક્તિ આપવી જોઈએ? અમે આ બાબત સાથે અસંમત છીએ અને બહુમતી સાથે તેને નકારીએ છીએ. નરસિમ્હા રાવ કેસમાં લાંચ લેવા માટે કાર્યવાહી નહીં કરવાનો ચૂકાદો જાહેર જીવન પર મોટી અસર પહોંચાડે છે.
CJIએ કહ્યું, લાંચને કલમ 105 હેઠળ મુક્તિ આપવામાં આવી નથી. કારણ કે અપરાધ કરનારા સભ્યો મતદાન સાથે સંબંધિત નથી. નરસિમ્હા રાવના કેસનું અર્થઘટન ભારતીય બંધારણની કલમ 105(2) અને 194ની વિરુદ્ધ છે. તેથી અમે પી નરસિમ્હા રાવ કેસમાં ચુકાદાને ફગાવી દીધો છે.
તમને જણાવી દઈએ કે 5 સભ્યોની બેન્ચે આ કેસ સાથે સંબંધિત મુદ્દાને વ્યાપક અને જનહિત સાથે સંબંધિત માનીને 7 સભ્યોની બેંચને સોંપ્યો હતો. ત્યારે કહેવામાં આવ્યું હતું કે આ મુદ્દો રાજકીય નૈતિકતા સાથે જોડાયેલો છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે સંસદ અને વિધાનસભાના સભ્યોને મુક્તિ વાતાવરણમાં અને કોઈપણ પરિણામની ચિંતા કર્યા વિના તેમની જવાબદારીઓ નિભાવી શકે તે માટે મુક્તિની જોગવાઈ આપવામાં આવી છે.