સુરતના લસકાણા વાલક અબ્રામા રીંગરોડ ઉપર શુક્રવારે મોડીરાત્રે હીટ એન્ડ રનની ઘટના બની હતી. અંદાજે 130 કિ.મી પ્રતિ કલાકની ઝડપે દોડતી કાર ડિવાઈડર કુદાવીને સામેના રોડ પર પહોંચ્યા બાદ ચાલકે એક પછી એક વાહનોને ઉડાવી પાંચ વ્યક્તિને અડફટે લીધા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા અને તે પૈકી બે ના મોત થયા હતા.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના લસકાણા વાલક અબ્રામા રીંગરોડ ઉપર શુક્રવારે મોડીરાત્રે અંદાજે 130 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડતી નં. જીજે-05 કાર આરએફ-0317) ના ચાલકે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને રોડની સામેની સાઈડ પહોંચી હતી. કાર ચાલકે સામેથી આવતા એક પછી એક કુલ ચાર વાહનોને ઉડાવી પાંચ વ્યક્તિને અડફટે લીધા હતા.
આ અકસ્માતમાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.તે પૈકી બે ની હાલત ગંભીર હોય તેમના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા.
અકસ્માતમાં કારનો આગળના ભાગનો ખુરદો વળી ગયો હતો. બનાવની જાણ થતા લસકાણા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. બનાવને પગલે લોકો પણ એકત્ર થઈ ગયા હતા. અકસ્માત સમયે કારમાં એક યુવતી અને ત્રણ યુવાનો હતા. તે પૈકી પાછળ બેસેલા એક યુવાનને લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો હતો. જયારે ચાલક અને અન્યો ફરાર થઈ ગયા હતા.
કારમાં સવાર યુવતી સહિત તમામે નશા કર્યો હતો
અકસ્માત સર્જનાર કારની માલિકી મનોજ કાળુભાઈ ડાંખરાની છે. તેમનો પુત્ર કિર્તન ડાંખરા કાર ચલાવતો હતો. અકસ્માત થયો ત્યારે કારમાં એક યુવતી અને ત્રણ યુવકો બેઠેલાં હતાં. કારની સ્પીડ 130થી વધુ હતી. કારમાં સવાર તમામ નશામાં હોવાનું પ્રત્યદર્શીઓ પાસેથી જાણવા મળ્યું છે. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ છોડી ભાગી છૂટ્યો હતો. પાછળ બેઠેલા એક યુવકને લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો હતો.
બાળક સહિત ત્રણ ગંભીર
કાર ડિવાઈડર કુદી સામે 5 વાહનને અડફેટે લીધા હતા. તેમાં 6 લોકોને ઈજા થઈ હતી. 2 સગા ભાઈના મોત થયા છે. જ્યારે 1 બાળક સહિત ત્રણ અતિ ગંભીર છે. બે ઈજાગ્રસ્તોને આઈસીયુમાં દાખલ કરાયા છે. ઈજાગ્રસ્તો મૂળ ભાવનગરના શિહોરના આંબળા ગામના વતની છે. સુરતમાં ઉત્રાણના રાધે રો હાઉસમાં રહે છે. દોરાની દુકાનમાં નોકરી કરતા ધર્મેશ બાલાભાઈ જાસોલીયા (37), ધર્મિષ્ઠા ધર્મેશ જાસોલીયા (28) અને પુત્ર યજ્ઞ (5)ને ગંભીર ઈજા પહોંચી છે.

બે સગા ભાઈનું મોત
આ અકસ્માતમાં બે સગા ભાઈ કમલેશ બાલુભાઈ સાપોલિયા (42) અને અશ્વિનભાઈ બાલુભાઈ સાપોલિયા (48)નું અવસાન થયું છે. આ બંને ભાઈઓ મૂળ ગીર સોમનાથના છે. તેઓ સુરતમાં પાસોદરા વિસ્તારમાં આવેલા શાશ્વત લક્ઝરીયામાં રહેતા હતા. અશ્વિનભાઈ રત્નકલાકાર તરીકે કામ કરતા હતા જ્યારે નાનો ભાઈ કમલેશ નોવેલ્ટીની દુકાન ચલાવતો હતો. પહેલાં તેઓ ધરમનગર રોડ પર રહેતા હતા.
12 દિવસ પહેલાં જ શાશ્વત લક્ઝરીયામાં રહેવા આવ્યા હતા. બંને ભાઈઓ સંબંધીને ત્યાં મોટા વરાછામાં લગ્નપ્રસંગમાં હાજરી આપી પરત ઘરે જઈ રહ્યાં હતાં. ત્યારે કાળનો કોળિયો બન્યા હતા. કારે ટક્કર મારતા બાઈક દૂર ફેંકાઈ હતી. અશ્વિનભાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે કમલેશભાઈએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.
