વડોદરા: છાણી જકાતનાકા પાસે ભરબપોરે ૧૧.૩૦ વાગે બે કરોડથી વધુની રકમના સોનાના દાગીના ભરેલા બે થેલાની ચીલઝડપ થતા શહેર પોલીસ તંત્રની આબરૂના લીરેલીરા ઉડી ગયા હતા. રાજકોટ સ્થિત વી.રસિકલાલ જવેલર્સના વિપુલ સોની અને સેલ્સમેન જલ્પેશભાઈ બે દિવસ પૂર્વે ડ્રાયવર પ્રફુલભાઈ સાથે અમેઝ કાર લઈને વડોદરા આવ્યા હતા. શહેરની પંચશીલ હોટલમાં તેમણે બે દિવસ રોકાણ કર્યું હતું. તે અરસામાં દાગીના વેચવા જવેલર્સો સાથે સંપર્ક થયા હતા. આજે ત્રીજા દિવસે સવારે ૧૧.૩૦ વાગે નાસ્તો કરવા છાણી સર્કલ આવ્યા હતા. દરમિયાન બાઈક સવાર લૂંટારૂં ત્રિપૂટી પૂર્વ આયોજીત કાવતરા મુજબ ધસી આવ્યા હતા.
બાઈક ચાલક દૂર ઉભો રહયો જયારે તેના બે સાગરીતો ઍ કાર પાસે આવીને ડ્રાયવર તરફનો કાર તોડી નાખ્યો હતો અને ડેકી ખોલીને આંખના પલકારામાં બે કરોડથી વધુની રકમના દાગીના ભરેલ બે થેલા તફડાવીને બાઈક પર ત્રિપૂટી નાસી છૂટી હતી. થેલા સાથે નાસતા લૂંટારૂઓને વિપુલભાઈઍ જોતા જ શોરબકોર મચાવી મુકયો હતો. જો કે લૂંટારૂઓ નાસી છૂટવમાં સફળ રહયા હતા. જવેલર્સની નજર સામે જ પાંચ કિલો દાગીના લૂંટાતા ત્રણેય જણા હેબતાઈ ગયા હતા. ત્રણથી ચાર કલાક સુધી રાજકોટ ખાતે ટેલિફોનિક વાતચીત કર્યા બાદ પોલીસ સંપર્ક કરીને વિગતવાર ઘટનાની જાણ કરી હતી. ફતેગંજ પોલીસ, ડીસીબી, પીસીબી, ઍસઓજીની ટીમો સાથે અધિકારીઓનો કાફલો તપાસમાં જોડાયો.મુખ્યમાર્ગો પર નાકાબંધી કરીને શંકાસ્પદ વાહનચાલકોની તલાસી લેવાઈ હતી.