આણંદ : બાલાસિનોરના ફેલસાણી ગામ નજીક પુરપાટ ઝડપે જતી ઇકો કારે સામેથી આવતી બાઇકને હડફેટે લેતા તેમાં સવાર ત્રણ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં એકનું મોત નિપજ્યું હતું. આ અંગે બાલાસિનોર પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો. બાલાસિનોરના ઓથવાડ ખાતે રહેતા વિક્રમભાઈ ઠાકોરના પિતરાઇ રૂપેશભાઈને ભાથલા ગામ તરફ જવાના રસ્તે ફેલસાણી ગામ નજીક આવેલા પેટ્રોલ પંપથી થોડે દુર એક્સીડન્ટ થયો છે. આથી, વિક્રમભાઈ તાત્કાલિક ઘટના સ્થલે પહોંચ્યાં હતાં. જ્યાં ઇક્કો કાર નં.જીજે 1 આરસી 3143 પડી હતી અને તેની નજીક બાઇક પડ્યું હતું.
આસપાસમાં પુછતાં અકસ્માતમાં ઘવાયેલાને બાલાસિનોરની હોસ્પિટલ ખાતે લઇ ગયાં હોવાનું જાણવા મળ્યું હતું. આથી, રૂપેશ ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં જોવા મળ્યાં હતાં, જેને ફરજ પરના ડોક્ટરે મૃત્યુ પામેલા જાહેર કર્યાં હતાં. આ ઉપરાંત સુરેશ કાનાભાઈ ઠાકોર, ધર્મેન્દ્ર અશ્વીનભાઈ ઠાકોર, સંદીપ વિનુભાઈ ઠાકોરને ગંભીર ઇજા પહોંચી હતી. તેઓ બાઇક લઇ જુજેરા માતાના મંદિરે દર્શન કરવા ગયાં હતાં. જ્યાંથી ઘરે પરત ફરતા સમયે ઇકો કારે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અંગે વિક્રમ ઠાકોરની ફરિયાદ આધારે બાલાસિનોર પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.