ભારત અને ચીનના કથળેલા સંબંધોને કારણે દેશમાં ચીની માલના બહિષ્કારની હાકલો વચ્ચે એવા અહેવાલ આવ્યા છે કે ચીન સાથેનો ભારતનો વેપાર અત્યાર સુધીની સૌથી ઉંચી સપાટીએ પહોંચ્યો છે અને તેમાં વળી ચીનથી ભારતમાં કરવામાં આવતી આયાતમાં મોટો વધારો થયો છે જ્યારે ભારતથી ચીનમાં કરવામાં આવતી નિકાસમાં મોટો ઘટાડો થયો છે! અને આને પરિણામે ચીન સાથેના વેપારમાં ભારતની વેપાર ખાધ વધી છે અને તે એકસો અબજ ડોલરની સપાટીને વટાવી ગઇ છે. ગયા વર્ષના વેપાર અંગેના ચીની કસ્ટમ વિભાગે હાલમાં બહાર પાડેલા આંકડાઓ પરથી આ વિગતો જાણવા મળી છે.
ભારત અને ચીન વચ્ચેનો વેપાર વર્ષ ૨૦૨૨માં ૧૩૫.૯૮ અબજ ડોલરની ઓલ-ટાઇમ હાઇ સપાટીને સ્પર્શ્યો હતો જ્યારે કે ચીન સાથેના વેપારમાં ભારતની ખાધ પ્રથમ વખત ૧૦૦ અબજ ડોલરની સપાટીને વટાવી ગઇ છે એ મુજબ ચીની કસ્ટમ્સ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ પરથી જાણવા મળે છે. ભારત-ચીનનો ૨૦૨૨નો કુલ વેપાર ૧૩પ.૯૮ અબજ ડોલર થયો છે, જે એક વર્ષ અગાઉ નોંધાયેલ ૧૨પ અબજ ડોલરની સપાટીને વટાવી ગયો છે જે સાથે તેમાં ૮.૪ ટકાનો વધારો નોંધાયો છે એમ ચીનના કસ્ટમ્સના વાર્ષિક આંકડાઓ જણાવે છે.
ભારત ખાતેની ચીનની નિકાસ ગયા વર્ષે વધીને ૧૧૮.પ અબજ ડોલર થઇ છે, જે વર્ષો વર્ષના ધોરણે ૨૧.૭ ટકાનો વધારો દર્શાવે છે. બીજી બાજુ, ૨૦૨૨માં ભારતથી ચીનની આયાત ઘટીને ૧૭.૪૮ અબજ ડોલર થઇ છે, જે વર્ષો વર્ષના ધોરણે ૩૭.૯ ટકાનો ઘટાડો દર્શાવે છે. આ સાથે ચીન સાથેના વેપારમાં ભારતની ખાધ ૧૦૧.૦૨ અબજ ડોલર પર ઉભી છે, જે ૨૦૨૧ના ૬૯.૩૮ અબજ ડોલરના આંકડા કરતા ઘણી વધારે છે. ૨૦૨૧ના વર્ષમાં ચીનથી ભારતની આયાત ૯૭.પ૯ અબજ ડોલર હતી. જોઇ શકાય છે કે છેલ્લા એક વર્ષમાં ચીનથી ભારતની આયાત ઘણી વધી છે અને ચીનને કરવામાં આવતી નિકાસ ઘટી છે.
અધિકારીઓ જણાવે છે કે ચીન સાથેના ભારતના વેપારમાં વૃદ્ધિનું કારણ ભારતમાં ચીનના સસ્તા માલની મોટી માગ છે, અને આને કારણે ભારતની અન્ય કોઇ પણ દેશ સાથેની વેપાર ખાધ કરતા ચીન સાથેની વેપાર ખાધ ઝડપથી વધી છે. આ વાત ખાસ નોંધપાત્ર છે. ચીનની સસ્તી ચીજવસ્તુઓની ફક્ત ભારતમાં જ નહીં પણ વિશ્વના અનેક દેશોમાં બોલબાલા છે. અરે! અમેરિકાના બજારોમાં પણ ચીનનો સસ્તો માલ મોટા પ્રમાણમાં ઠલવાય છે. અને ફક્ત સસ્તા માલનો સવાલ નથી. ચીનના કેટલાક ઉત્પાદનો કિંમતમાં સસ્તા હોવા છતાં અદભૂત હોય છે. પ્લાસ્ટિકની કેટલીક રોજીંદા વપરાશની વસ્તુઓ, રંગબેરંગી લાઇટો, રમકડાઓ વગેરે આના ઉદાહરણો છે.
ચીનની કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જે યુનિક પ્રકારની હોય છે. ખૂબ સસ્તા ભાવે મળતી નાનકડી ટોર્ચ, કે જે બેટરી સેલ પુરો થયા બાદ ફેંકી દેવાની હોય છે તે આવી એક વસ્તુ છે. આવી વસ્તુઓ ચીનને વિશ્વબજારમાં આગળ રાખે છે. જો કે ચીની માલની ગુણવત્તા નબળી હોય છે તેવી એક છાપ છે અને તે અમુક હદે સાચી પણ છે પરંતુ બધા કિસ્સામાં એવું હોતું નથી. કેટલીક ચીની બ્રાન્ડેડ વસ્તુઓ સસ્તી હોવા છતાં તેની ગુણવત્તા સારી હોય છે. અનેક ચીની મોબાઇલ બ્રાન્ડો જેમ કે ઓપ્પો, વીવો, રેડમી વગેરે આના ઉદાહરણો છે. આ મોબાઇલ ફોન્સ સેમસંગ અને નોકીયા જેવી કંપનીઓના ફોન્સ સાથે સ્પર્ધામાં ઉભા રહી શકે તેવા હોય છે અને કિંમતમાં તેમના કરતા એકંદરે સસ્તા હોય છે.
ભારતની કેટલીક બ્રાન્ડો પણ હવે સારી ગુણવત્તાના મોબાઇલ ફોન બનાવવા માંડી છે. લાવા આનું ઉદાહરણ છે પરંતુ ભારતીયોને ચીની મોબાઇલોનું જ ઘેલું વધારે છે તે કઠોર વાસ્તવિકતા છે. દેશમાં ચીની માલના બહિષ્કારની બહુ અસર થતી નથી તેનું એક કારણ લોકોની માનસિકતા પણ છે. ઘણા લોકોનો રાષ્ટ્રવાદ ફક્ત હાકોટા પાડવા પુરતો જ મર્યાદિત હોય છે. આ બધા પરિબળોને કારણે ચીની માલની બોલબાલા વધુ હોય અને શત્રુતા વચ્ચે પણ ચીનથી આયાત વધે તેમાં નવાઇ જેવી વાત નથી.
ચીનની વિદેશ વેપારની સ્થિતિ પણ જાણવા જેવી છે. ચીનની વેપાર પુરાંત ગયા વર્ષે વધીને વિક્રમી ૮૭૭.૬ અબજ ડોલર પર પહોંચી હતી જયારે અમેરિકા અને યુરોપમાં માગ નબળી પડવા છતાં અને શાંઘાઇ તથા અન્ય ઔદ્યોગિક કેન્દ્રોને કામચલાઉ બંધ કરનાર વાયરસ વિરોધી પગલાઓ છતાં ચીનની નિકાસો વધી હતી. ચીનની નિકાસમાં એક વર્ષ અગાઉ કરતા ૭ ટકાનો વધારો નોંધાયો હતો જે વધીને ૩.૯પ ટ્રિલિયન ડોલર થઇ હતી, જો કે આ વધારો ૨૦૨૧ના વિક્રમી ૨૯.૯ ટકાના વધારા કરતા ઘણો ઓછો છે એ મુજબ કસ્ટમ્સના આંકડાઓ જણાવે છે.
ગયા વર્ષની ચીનની અમેરિકા ખાતેની નિકાસમાં ૨૦૨૧ કરતા એક ટકાનો વધારો અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલ જકાત વધારાના કેટલાક હજી પણ અમલી હોવા છતાં નોંધાયો હતો. જયારે કે અમેરિકાથી ચીનમાં કરવામાં આવતી આયાતમાં ૧ ટકાનો ઘટાડો નોંધાયો છે. આ બાબત ચીની માલનો અમેરિકામાં પણ પ્રભાવ દર્શાવે છે. મેક ઇન ઇન્ડિયા સહિતની અનેક યોજનાઓ અને પ્રોજેક્ટો છતાં ભારતમાં હજી ચીની માલની ઘણી બોલબાલા છે તે એક કઠોર વાસ્તવિકતા છે.