કપરાડા તાલુકાના મોટાપોંઢા ગામમાં નહેર (Canal) નજીકથી પસાર થતા માર્ગ ઉપરથી બાઈક (Bike) ઉપર જઈ રહેલા દંપતીની બાઈક નહેરમાં ખાબકતા દંપતી પૈકી પતિનું (Husband) મોત નીપજ્યું હતું, જ્યારે પત્નીને સામાન્ય ઇજા પહોંચી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મોટાપોંઢા ખાતે રહેતા શૈલેશ ડી.પટેલ બાઈક ઉપર તેની પત્ની સાથે ગત 31 માર્ચે રાત્રે સેલવાસ તરફથી આવી રહ્યો હતો, તે સમયે મોટાપોઢા નહેર નજીક કોઈક કારણવશ તેની બાઈક નહેરમાં ખાબકી હતી. જોકે જોરદાર અવાજ થતાં સ્થાનિકોએ દોડી આવી પત્નીને પાણીમાં થી સહી સલામત બહાર કાઢી હતી. જ્યારે ભારે શોધખોળ બાદ થોડે દૂરથી પતિ શૈલેષનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં નાનાપોંઢા પોલીસે પહોંચી મૃતદેહનો કબજો મેળવી ઇજાગ્રસ્ત પત્નીને નાનાપોંઢાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. ઘટના અંગે મૃતકના ભાઇએ નાનાપોંઢા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ડાંગના વઘઇની પૂર્ણા નદીનાં ચેકડેમમાં ન્હાતી વેળા યુવાન ડૂબી ગયો
સાપુતારા: ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના એન્જિનપાડા ગામનો યુવાન પૂર્ણા નદીનાં ચેકડેમમાં ન્હાતી વેળાએ ઊંડા પાણીમાં ડૂબી જતાં મોતને ભેટ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, રવિન્દ્રભાઈ જમસ્યાભાઇ દેશમુખ (ઉ.વ.32) પત્ની સવિતાબેન જોડે એન્જિનપાડા ગામે સાવરીયાનાં દહાડ નામે ઓળખાતા ઢોરનાં ઉતારા પાસે પુર્ણા નદી પર આવેલા ચેકડેમમાં કપડા ધોવા તથા ન્હાવા માટે ગયો હતો. તે વેળાએ સવિતાબેન ચેકડેમનાં કિનારા ઉપર કપડા ધોતા હતા અને રવિન્દ્રભાઈ ચેકડેમનાં ઊંડા પાણીમાં ન્હાવા ઉતર્યા હતા. અહીં ચેકડેમનાં ઊંડા પાણીમાં તેઓ ગરક થઈ ડૂબી જતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવની જાણ મૃત્યુ પામનારના પત્નીએ ગ્રામજનો સહિત વઘઇ પોલીસ મથકે કરતાં વઘઇ પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. હાલમાં વઘઇ પોલીસની ટીમે લાશનો કબ્જો મેળવી પી.એમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.