જસ્ટીસ ડિલેડ ઇઝ જસ્ટીસ ડિનાઇડ’ – ભારતીય ન્યાયપ્રણાલી માટે આ બંધબેસતું છે. ન્યાય માટે આમ આદમી કોર્ટમાં જતા ડરે છે. તેને ભય છે કે જે ન્યાય ઝંખી રહ્યો છે તે આવતાં વર્ષોનાં વર્ષો નીકળી જશે. ભારતીય ન્યાયાલયોની આ તાસીર સતત બનતાં આવા દાખલાથી ઘડાઈ છે એટલે જ ‘દામિની’ ફિલ્મમાં સની દેઓલનો તારીખ પે તારીખ, તારીખ પે તારીખ…વાળા ડાયલોગ પર તાળીઓ પડતી આવી છે. જડવત્ ન્યાયસિસ્ટમ પર અનેક ટીકા થઈ છે તેમ છતાં સ્થિતિ જસનીતસ છે. કેન્દ્રમાં કેબિનેટ મિનિસ્ટ્રીમાં ફેરબદલ થયો અને કિરન રિજુજુ નવા કાયદામંત્રી થયા ત્યારે તેમણે પણ ‘જસ્ટીસ ડિલેડ ઇઝ જસ્ટીસ ડિનાઇડ’ની વાત દોહરાવી હતી. કાયદામંત્રીએ આ અંગે એમેય કહ્યું હતું કે : “કોર્ટમાં કેસના ભરાવા અંગેનો મુદ્દો હંમેશાંથી ઉઠાવાતો રહ્યો છે. નીચલી કોર્ટમાં તો તે કામ ઝડપથી થવું જોઈએ. કોઈ સામાન્ય કે ગામડાંની વ્યક્તિ ન્યાય ઝંખે છે ત્યારે તે બધું દાવ પર લગાવે છે. ઘણી વાર તો જમીન અને સંપત્તિ પણ. આવું થાય ત્યારે આપણા પર પ્રશ્ન ઊઠે છે. છેવાડાની વ્યક્તિ ઇચ્છે છે કે તેને પ્રાથમિકતા મળે.”
કાયદામંત્રીએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રમન્નાની હાજરીમાં આ વાત ઉચ્ચારી હતી. આ વાસ્તવિકતાને જાણે સ્વીકારતા હોય તેમ જસ્ટીસ રમન્નાએ કહ્યું : “કાયદો અમીર લોકોનો વ્યવસાય છે. ધીરે ધીરે તેમાં બદલાવ આવી રહ્યો છે. તકો ઉઘડી રહી છે. જો કે હજુ પણ લાખો લોકો કોર્ટ સુધી પહોંચી શકતાં નથી. પૈસાનો અભાવ અને મોડો મળતો ન્યાય સૌથી મોટા પડકાર છે.” છેક નીચલી કોર્ટથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધીનું ન્યાય ઝંખવા પ્રત્યેનું વલણ આવું છે. કાયદાક્ષેત્રના સર્વોપરી પણ તેને સ્વીકારે છે પણ હવે છેલ્લા કેટલાક વખતથી કાયદા સંબંધિત નિષ્ણાતો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દ્વારા કેસના ભરાવોનો ઉકેલ શોધી રહ્યા છે.
તેની ચર્ચા પણ થઈ રહી છે. આવો એક નાનો પ્રયાસ ચંદીગઢ સ્થિત ‘જ્યુપીટાઇસ’ નામની ડિજિટલ કોર્ટ દ્વારા થયો છે. આ સિસ્ટમને ‘અલ્ટરનેટિવ ડિસ્પ્યૂટ રિઝોલ્યૂશન’ એવું નામ આપવામાં આવ્યું છે. અને ધીરે ધીરે આ ડિજિટલ કોર્ટ જાણીતી પણ બની રહી છે. છેલ્લાં ચાર વર્ષમાં આઠ હજાર કેસ ‘જ્યુપીટાઇસ’ પર ફાઈલ થઈ ચૂક્યા છે. આ કંપનીના CEO રમન અગ્રવાલ આ પ્લેટફોર્મ શરૂ કરવાનું કારણ કેસ ભરાવાનું આપે છે. તેમનું કહેવું છે કે દેશની કોર્ટમાં સાડા ચાર કરોડ કેસ પેન્ડિંગ છે. આ રીતે ઓનલાઈન સિસ્ટમથી કેસ ભારણના 85 % ખર્ચ અને સમયને બચાવી શકાય.
‘અોલ્ટરનેટિવ ડિસ્પ્યૂટ રિઝોલ્યૂશન’ અંતર્ગત મધ્યસ્થી, સમાધાની, વાટાઘાટો અને દરમિયાનગીરી કરીને કેસોનો નિર્ણય ઝડપથી લાવી શકાય છે. ‘જ્યુપીટાઇસ’ના સ્થાપક રમન અગ્રવાલ દાવા સાથે કહે છે કે, આ પ્લેટફોર્મ પર આવીને વ્યક્તિ તેની પસંદગીના એડવોકેટ અને ન્યાયાધીશને પસંદ કરી શકે છે અને આ પૂરી પ્રક્રિયાને ઓનલાઈન જોઈ શકાય છે. આ રીતે પક્ષપાતની બાદબાકી થઈ જાય છે અને તટસ્થ નિર્ણય આવે છે. ‘જ્યુપીટાઇસ’ની પેનલમાં અત્યારે પૂર્વ જજો જોડાયેલાં છે.
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ(AI) કાયદાક્ષેત્રમાં આવવું જોઈએ તેનો ઉલ્લેખ 2019ના બંધારણ દિને યોજાયેલા એક કાર્યક્રમમાં તત્કાલીન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શરદ અરવિંદ બોબડેએ પણ કર્યો હતો. તેમણે કોર્ટની સંલગ્ન બાબતમાં ‘AI’ની ઉપયોગિતાની વાત કરી હતી. આ વિશે તેમણે સુપ્રીમ કોર્ટની જ પહેલથી આરંભાયેલા અનુવાદ સોફ્ટવેર ‘સુવાસ’ની વાત કરી હતી. આ સોફ્ટવેર ‘AI’ની મદદથી નિર્માણ કરવામાં આવ્યું છે અને તે વિશેષ કરીને કાયદાની ભાષાને અનુવાદિત કરવાનું કાર્ય કરે છે. સામાન્ય રીતે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ડોક્યુમેન્ટ્સ અંગ્રેજી ભાષામાં હોય છે, જેને ‘સુવાસ’ દ્વારા નવ પ્રાંતીય ભાષામાં અનુવાદિત કરી શકાય છે. તેમણે એ વાત પણ ટાંકી હતી કે ન્યાયની બાબત છે એટલે બધું જ ‘AI’ પર ના મૂકી શકાય. તે કામ યોગ્ય રીતે થયું કે નહીં તે જોવાનું કામ તો આખરે માણસનું જ છે પરંતુ કોર્ટનું ભારણ ઘટે તે માટે તેમણે ‘સુવાસ’ને ઉપયોગી ગણાવ્યું છે.
આ વક્તવ્યમાં ચીફ જસ્ટીસ બોબડેએ ‘AI’ પર ખાસ્સો ભાર મૂક્યો હતો. ચીફ જસ્ટીસ બોબડેનું આ વિશે કેન્દ્રિય બિંદુ હતું કે કાયદાક્ષેત્રે નોન-જ્યુડિશ્યલ કાર્ય કોઈક રીતે ઘટે, જેથી કરીને ન્યાયાધીશોને વધુ સમય મળે અને તેઓ જટિલ કેસોને ઉકેલી શકે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસે ‘AI’ને વક્તવ્યમાં સ્થાન આપ્યું તેનું એક કારણ ‘વિધિ’નામનું પ્લેટફોર્મ છે, જે કાયદાક્ષેત્રમાં ‘AI’ લાવવા અર્થે પ્રયાસ કરી રહ્યું છે. ‘વિધિ’ કાયદાની સ્વતંત્ર બોડી છે અને તેના ઉદ્દેશ્યમાં જ ‘AI’ને સ્થાન આપવામાં આવ્યું છે. ‘વિધિ’ના કન્સેપ્ટ મુજબ કાયદામાં એડમિનિસ્ટ્રેટિવ એફિશ્યન્સી લાવવા માટે ‘AI’ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. આર્ગ્યુમેન્ટ અને ડિસિઝન મેકિંગમાં તેની ભૂમિકા છે. વિશ્વમાં મેક્સિકો, ઓસ્ટ્રિયા, મલેશિયા, કોલમ્બિયા, રશિયા, આર્જેન્ટિના જરૂરિયાત મુજબ ‘AI’ની ઉપયોગિતા વધારી રહ્યા છે.
‘AI’ની ઉપયોગિતાને લઈને માત્ર પૂર્વ ચીફ જસ્ટીસ બોબડે જ નહીં પણ અનેક ન્યાયાધીશોએ તે વિશે આશા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટીસ બી. એન શ્રીક્રિષ્નાએ તેમના પુસ્તક ‘ઇન્ડિયા – 2030 : રાઇઝ ઑફ રાજસિક નેશન’ના એક પ્રકરણમાં લખ્યું છે કે, “‘AI’ દ્વારા ન માત્ર કેસોને ઓર્ગેનાઇઝ કરવામાં મદદ મળશે, બલકે જજમેન્ટ લેવા માટે રેફરન્સનું કામ પણ ઘટશે. અંતરના કારણે જેઓને ન્યાય મળતો નહોતો તેઓ ટેક્નોલોજી દ્વારા ન્યાય મેળવી શકશે.” ક્રિમિનલ જસ્ટીસ સિસ્ટમમાં તો ‘AI’નો ઉપયોગ મોટા પ્રમાણમાં થવા લાગ્યો છે. ક્રિમિનલની તમામ ઓળખ ‘AI’ દ્વારા સ્ટોર કરવામાં આવે છે, જેથી ફરી તે કોઈ ગુનો કરે ત્યારે તેને તુરંત શોધી શકાય. દિલ્હીમાં ક્રિમિનલની ઓળખ માટે ‘INNFFU’ નામનું સોફ્ટવેર કાર્યરત છે, જ્યારે ઓડિશામાં ક્રિમિનલનો બધો જ ડેટાબેઝ એક સ્થાને મળી રહે તે માટેનું પ્લેટફોર્મ શરૂ કર્યું છે. ગુજરાત પોલીસમાં પણ વિવિધ શહેરોમાં ક્રિમિનલ પ્રોસિજર માટે ‘AI’ હવે ભૂમિકા ભજવી રહ્યું છે.
કાયદા ક્ષેત્રમાં ‘AI’ની ખૂબ ચર્ચા જેમ તેની તરફેણમાં થઈ રહી છે તેમ તેની મર્યાદા પણ છે. જેમ કે, અમેરિકાના કેટલાંક સ્ટેટમાં ‘કમ્પાસ’ નામનું સોફ્ટવેર કાયદામાં હાલમાં ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. આ પ્લેટફોર્મ પ્રાઇવેટ છે અને તેથી તેના પર કોઈ જાહેર તપાસ થઈ શકતી નથી પરંતુ જ્યારે તેની એક સંસ્થા દ્વારા તપાસ થઈ ત્યારે તેમાં ખામી જણાઈ આવી. ‘કમ્પાસ’માં જ્યારે કેસ આવે છે ત્યારે તેમાં શ્વેત-અશ્વેત આમનેસામને હોય ત્યારે તે શક્યતા વધારે હોય છે કે તેમાં અશ્વેત વિરુદ્ધમાં ચુકાદો આવે. ‘કમ્પાસ’ના આ રિવ્યુ અમેરિકામાં ટીકાપાત્ર બન્યા છે. ભારત જેવા દેશમાં તો સમાજનાં સ્તર અમેરિકા કરતાં વધુ છે.
ધર્મ, જાતિ, આર્થિક સ્ટેટ્સ ઉપરાંત અન્ય પણ એટલી બધી ઓળખનાં આવરણો વ્યક્તિ પર ચઢ્યાં હોય છે કે ‘AI’ પર બધી જ જવાબદારી નાંખી દેવી મોંઘી સાબિત થાય. આ રીતે કેટલાંક પડકાર વ્યવસ્થાના છે. જેમ કે, ભારતમાં ન્યાય આપવાની વ્યવસ્થા ચીન જેવી નથી, જ્યાં ‘AI’નો ઉપયોગ સારા પ્રમાણમાં થાય છે. ચીનમાં કેસનો ક્રમ નિશ્ચિત છે. ત્યાં સૌપ્રથમ કેસની વિસ્તૃત પ્રક્રિયા, પક્ષકારોની તર્કદલીલ અને પુરાવા, કોર્ટ દ્વારા પુરાવાનું નિરીક્ષણ, કોર્ટનું તારણ અને અંતે જજમેન્ટ. ભારતમાં દરેક કોર્ટ પોતાની રીતે અલાયદી છે અને તેનું જજમેન્ટ સ્વતંત્ર રીતે જજીસ પર આધારીત છે. તે સિવાય એક અન્ય મોટું ફેક્ટર છે અત્યાર સુધી સુપ્રિમ કોર્ટના જે પણ જજીસ આવ્યા છે તેમાં બ્રાહ્મણ જજની સંખ્યા 32 ટકા અંદાજવામાં આવી છે. એ જ રીતે દેશના ઇતિહાસમાં સુપ્રિમમાં મહિલા જજોની સંખ્યા ખૂબ ઓછી રહી છે. આ બધા પ્રશ્નો છે પણ તેમ છતાં કેસનો ભરાવો જોતાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદ વિના તે પ્રશ્નનો ઉકેલ આવે તેમ નથી.