તમારા જન્માક્ષરમાં જ્યાં યુરેનસ લખેલું છે તે જ હર્ષલ છે. ‘’હર્ષલ’’ નામના ખગોળશાસ્ત્રીએ તેની શોધ કરી હોવાથી તેનું નામ હર્ષલ વધુ પ્રચલિત થઇ ગયું. ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં એનું નામ પ્રજાપતિ રાખ્યું. પ્રજાપતિ એટલે બ્રહ્મા. જે સૃષ્ટિનું સર્જન કરે તે પ્રજાપતિ. હર્ષલમાં પણ બ્રહ્માના જ તમામ ગુણ છે. સર્જનહાર શબ્દ તેની સાચી ઓળખ છે. આપણી દુનિયાનાં તમામ રહસ્યો હર્ષલ પાસે અબાધિત છે. જૂના ઋષિ મુનિથી માંડી વર્તમાન યુગ સુધીના તમામ દ્રષ્ટાઓ, ગણિતશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો, સંશોધકો અને કેટલાક નેતાઓ એ હર્ષલનાં જ માનસ સંતાનો છે. આપણી તમામ ફિઝિકલ રીસર્ચ લેબોરેટરી હર્ષલના આધિપત્યમાં આવે છે. રસાયણ તથા પરમાણુ પ્રયોગશાળા, રીસર્ચ સેન્ટરો, વેધશાળા, અણુ કેન્દ્રો, સ્પેસ એપ્લીકેશન સેન્ટર અને જે બધું જ આધુનિક વિજ્ઞાનની શોધખોળ છે એ બધું હર્ષલને આભારી છે.
હર્ષલ વિશ્વના સર્જન સાથે જ સંકળાયેલો હોવાથી અદ્ભુત રહસ્યો ધરાવે છે. છતાં તમામ વ્યકિતઓ હર્ષલના વાઇબ્રેશન્સ પકડી શકતી નથી. અનેક જન્મો પછી આભાનું એક લેવલ બને છે અને તેથી આવી મર્યાદિત વ્યકિતઓ જ હર્ષલનાં આંદોલનો પકડી શકે છે. આવી વ્યકિતઓ ચુંબકીય વ્યકિતત્વ ધરાવે. નાનપણથી જ ધૂની બને. અગમ – નિગમ અને વિશ્વનાં રહસ્યો ઉકેલવાની નાનપણથી જ લગન હોય. જિજ્ઞાસાવૃત્તિથી ભરપૂર અને જિનીયસ બનતા હોય છે. જન્મ સમયે જે ગ્રહ સાથે હર્ષલનું ટયુનીંગ થાય તે ગ્રહના ક્ષેત્રમાં આ વ્યકિત મહાનતા પ્રાપ્ત કરે. આવાં લોકો ખૂબ જ ઉત્સાહી અને કલ્પનાશકિતથી ભરપૂર હોય છે. કોઇને પણ ન આવતા હોય એવા નવા નવા વિચારો મનમાં પ્રગટ થાય છે. હર્ષલ મૌલિકતાનો કારક છે અને જે – જે લેખક કે વકતામાં તમને મૌલિકતા, નાવીન્ય તથા અદ્ભૂતતાનો સ્પર્શ દેખાય તો તમામ હર્ષલના કૃપાવાન હોય છે.
હર્ષલ કુંભ રાશિનું સ્વામિત્વ ધરાવે છે, તેવું પશ્ચિમના જ્યોતિષીઓ માને છે. તેથી ઘૂંટણ – પગના નળા જેવા ભાગો પર તેનું આધિપત્ય આવે. સાયન કુંભ રાશિ તેના આધિપત્યમાં હોવાથી મકરના 7 અંશથી કુંભના 7 અંશ વચ્ચે જેમનું લગ્ન હોય કે સૂર્ય હોય તે હર્ષલના કૃપાપાત્ર બને છે. અમિતાભ બચ્ચન, C.V. રામન, અમિષ ત્રિપાઠી, ઇલોન મસ્ક, ચેતન ભગત, નરેન્દ્ર મોદી, રાજીવ ગાંધી, N.T. રામારાવ, માધવ સિંહ સોલંકી, ચિમનભાઇ પટેલ, સુરેશ મહેતા અને અસંખ્ય વૈશ્વિક પ્રતિભાઓ હર્ષલના કારણે આગળ વધી છે. જેમાં રાજનેતા, લેખક, ડોકટર, વૈજ્ઞાનિક, સંશોધક અને દરેક પ્રતિભા છે.
હર્ષલ વ્યકિતગત નસીબ કરતાં નિયતિ સાથે વધારે સંકળાયેલો છે. નિયતિનો સંબંધ સમષ્ટિ સાથે, સામુહિક ઘટનાઓ સાથે છે. તેથી વિનાશ અને સર્જન બંને ઘટના ગોચરમાં શનિ – રાહુ – કેતુ – બુધ – મંગળ સાથે જ્યારે હર્ષલ સંકળાય છે, ત્યારે એકાએક અંધાધૂંધી સર્જે છે. વર્તમાનમાં પણ રાહુ સાથે તેની યુતિ છે અને મંગળ પર થોડા વખતમાં મેષ રાશિમાં હર્ષલ રાહુ સાથે યુતિ કરશે. આવા સમયે એકાએક અંધાધૂંધી સર્જાય છે, જ્વાળામુખી ફાટવા, બોંબ બ્લાસ્ટ, રેલ્વે, પ્લેન, સ્ટીમર, દુર્ઘટના થવી, મોટી આગ લાગવી, ભૂકંપ, યુધ્ધ, તોફાનો (રાજકીય) આ બધું હર્ષલની ઉશ્કેરાયેલી હાલતથી બનતા હોય છે.
ગ્રામ પંચાયતથી માંડી સંસદ સુધીની તમામ રાજકીય સ્વાયત્ત સંસ્થાઓ હર્ષલના અધિકારમાં આવે છે. સૂર્ય પોતે પણ રાજ સિંહાસનનો કારક છે.
કોઇ પણ કુંડળીમાં સૂર્ય અને હર્ષલ સાથે ત્રિકોણ કે અર્ધત્રિકોણ (અંશાત્મક) અને બેમાંથી એક 10 મા સ્થાને હોય, તો તે વ્યકિત રાજકીય સફળતા મેળવે જ છે અને જોતજોતામાં દેશના સર્વોચ્ચ સ્થાન પર પહોંચે છે. ઘણા કિંગમેકરોના જન્માક્ષરમાં પણ આ યુતિ જોવા મળે છે. રાજકીય સીડીઓ ચડીને રાજસિંહાસન સુધી ઝડપથી પહોંચી જવામાં હર્ષલ ઘણી મદદ કરે છે. હર્ષલની ગણના પાપ ગ્રહમાં થાય છે. એટલે જયારે મહેરબાન થાય તો વરસી જાય અને રાતોરાત પરિણામ આપે. શુભ યોગમાં તે સારો છે, જ્યારે અશુભ યોગમાં એ ખૂંખાર છે. ગોળીબારમાં મૃત્યુ, અકસ્માતમાં સળગી જવું, રેલવે, બસ નીચે કપાઇ, છુંદાઇ જવું, બોંબ બ્લાસ્ટમાં મૃત્યુ, હુલ્લડમાં મૃત્યુ આ બધા અશુભ હર્ષલની દેન છે. તમામ વ્યકિતઓની કુંડળીમાં હર્ષલનો ખાસ રોલ નથી હોતો. નિયતિ જેમનો કયાંક નિમિત્ત બનવા માંગતી હોય, તેમની કુંડળીમાં જ હર્ષલનો શુભ કે અશુભ યોગ બને છે. વર્તમાનમાં જેમ ઘટનાઓના આપણે સાક્ષી બની રહ્યાં છે, ત્યાં કયાંક હર્ષલ જ કારણભૂત છે એ ચોક્કસ છે.