National

દેશમાં લાગુ થયું CAA, મોદી સરકારે જાહેર કર્યુ નોટીફિકેશન

નવી દિલ્હી: આગામી લોકસભા ચૂંટણીની (Lok Sabha Elections) તારીખો થોડા દિવસોમાં જાહેર થઈ શકે છે. તે પહેલા કેન્દ્ર સરકારે દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (Citizenship Amendment Act) લાગુ કરી દીધો છે. કેન્દ્ર સરકારે આજે સોમવારે CAAનું નોટિફિકેશન (Notification) જાહેર કર્યું છે. સંસદ દ્વારા CAA પસાર થયાને લગભગ પાંચ વર્ષ વીતી ગયા છે. હવે કેન્દ્ર સરકારે આગામી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત (Announcement) થાય તે પહેલા દેશમાં CAA લાગુ કર્યું છે.

ગૃહમંત્રી અમિત શાહે તેમના ચૂંટણી ભાષણોમાં ઘણી વખત નાગરિકતા સંશોધન કાયદો અથવા CAA લાગુ કરવાની વાત કરી છે. તેમણે જાહેરાત કરી હતી કે લોકસભા ચૂંટણી પહેલા તેનો અમલ કરવામાં આવશે. ગૃહ મંત્રાલય દ્વારા તેના અમલીકરણની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે તેમજ હવે તેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

નિયમો હેઠળ કોને મળશે નાગરિકતા?
નવા CAA કાયદા હેઠળ મોદી સરકાર 31 ડિસેમ્બર, 2014 સુધી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવેલા અને અત્યાચારનો ભોગ બનેલા હિંદુઓ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓ તેવા બિન-મુસ્લિમ સ્થળાંતરીઓને ભારતીય નાગરિકત્વ આપવાનું શરૂ કરશે. નોંધનીય છે કે CAA ડિસેમ્બર 2019 માં પસાર કરવામાં આવ્યો હતો અને તેને રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી.

ગૃહ મંત્રાલયે અરજદારોની સુવિધા માટે એક પોર્ટલ તૈયાર કર્યું છે અને સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હશે. સમગ્ર મામલે એક અધિકારીએ જણાવ્યું હતું કે અરજદારોએ ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ વિના ભારત ક્યા વર્ષમાં આવ્યા હતા તેની જાહેરાત કરવી પડશે. અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજો માંગવામાં આવશે નહીં. કાયદા અનુસાર ત્રણ પડોશી દેશોના બિનદસ્તાવેજીકૃત લઘુમતીઓને CAA હેઠળ લાભ મળશે. તેમજ આ કાયદો લાગુ પડતાની સાથે જ ભારતના પાડોશી ત્રણ રાજ્યોમાંથી ભારતમાં આવેલા શરણાર્થીઓને ભારતની નાગરીક્તા મળશે.

CAA દેશનો કાયદો છે, વિપક્ષ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યો છે – અમિત શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે 27 ડિસેમ્બરે કહ્યું હતું કે CAAના અમલને કોઈ રોકી શકે નહીં કારણ કે તે દેશનો કાયદો છે. તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આ મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. તેમજ કોલકાતામાં ભાજપની બેઠકને સંબોધિત કરતી વખતે શાહે કહ્યું હતું કે CAA લાગુ કરવું એ પાર્ટીની પ્રતિબદ્ધતા છે.

Most Popular

To Top