ગાંધીનગર: (Gandhinagar) અમદાવાદમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ (Amit Shah) સાથે મંગળવારે સરકીટ હાઉસમાં મહત્વની બેઠકના દોર બાદ ગઈ રાત્રે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ (C R Patil) નવી દિલ્હી (Delhi) પહોંચી ગયા છે. પાટીલ દિલ્હીમાં બે દિવસના રોકાણ દરમિયાન ભાજપના હાઈકમાન્ડ સાથે બેઠક કરશે. જણાવી દઈએ કે અમિત શાહે બે દિવસ ગાંધીનગરની મુલાકાત દરમ્યાન સીએમ વિજય રૂપાણી અને ડેપ્યૂટી સી એમ નીતિન પટેલ સાથે અલગ અલગ બેઠકો યોજી હતી. આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા શાહની આ બેઠકો અત્યંત સૂચક મનાય છે.
પાટીલની દિલ્હી મુલાકાતના પગલે ગાંધીનગરમાં ફરીથી મંત્રીમંડળના વિસ્તરણની અટકળોએ ફરી જોર પકડ્યું છે. જો કે, અમીત શાહની બે દિવસીય મુલાકાત દરમ્યાન સીએમ વિજય રૂપાણીએ મંત્રીમંડળના વિસ્તરણની કોઈ શકયતા નથી તેમ જણાવી તમામ અટકળોનો અંત લાવી દીધો હતો. જો કે આગામી ડિસે. 2022મા યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા જ્ઞાતિના સમીકરણો ધ્યાને લેતા પાટીલની દિલ્હી મુલાકાતના પગલે ફરીથી મંત્રીમંડળના વિસ્તરણની અટકળો શરૂ થવા પામી છે.
તાજેતરમાં જ ભાજપના ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતની મુલાકાતે આવ્યા હતાં, કોરોનાકાળમાં અને તાઉતે વાવાઝોડા દરમિયાન સરકાર તેમજ સંગઠનની કામગીરીનો રિપોર્ટ તેમણે મેળવ્યો હતો. તે પછી યાદવે ભાજપના ધારાસભ્યોની બેઠકમાં પણ હાજરી આપી હતી. યાદવ ગયા પછી કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ પણ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા હતાં. દિલ્હી જતાં પહેલા શાહે અમદાવાદમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે મહત્વની બેઠક યોજી હતી તે ઉપરાંત સરકારના સિનીયર અધિકારીઓ સાથે રસીકરણ માટે અને ભાજપના ગાંધીનગર લોકસભા મતક્ષેત્ર હેઠળ આવતા ધારાસભ્યો સાથે પણ બેઠક યોજી હતી. શાહે ગાંધીનગરની મુલાકાત દરમ્યાન સીએમ વિજય રૂપાણી અને ડે સીએમ નીતિન પટેલ સાથે પણ અલગ અલગ બેઠકો યોજી હતી. આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા શાહની આ બેઠકો અત્યંત સૂચક મનાય છે.