સુરત : BRTS અને સિટી બસ ચાલકોની આજે ત્રીજા દિવસે પણ હડતાળ (Strike) યથાવત રહી હતી. કેન્દ્ર સરકારે ડ્રાઈવરો વિરુદ્ધ બનાવવમાં આવેલા કાયદાના વિરુદ્ધમાં શરૂ થયેલી હડતાલને લઈ આજે ડ્રાઈવરો એ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું. અકસ્માતમાં મોત થશે તો ડ્રાઇવરને 10 વર્ષ ની સજા અને 7 લાખ નો દંડના કાળા કાયદાનો ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે.
સુરતમાં બસ અને ટ્રક તથા ટ્રેલર સહિતના મોટા વાહનોના ડ્રાઈવરો દ્વારા આજે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા કાયદામાં કરવામાં આવેલા ફેરફારને લઈને ડ્રાઈવરો વિરોધના માર્ગે ચાલવા મજબુર બન્યા છે. અકસ્માત બાદ ડ્રાઈવરને 10 વર્ષની સજા, લાયસન્સ રદ્દ કરવા સહિતની જોગવાઈનો હાલ ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે.
સિટી બસ અને બીઆરટીએસ (BRTS) બસના ડ્રાઈવર દ્વારા વિરોધ પ્રદર્શન સાથે આજે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજી તરફ હાઈ વે પર ટ્રક અને ટ્રેલરના ડ્રાઈવરોએ પણ ચક્કાજામ કરી કેન્દ્ર સરકારના નવા કાયદા સામે ચાલી રહેલી લડાયના વિરોધમાં જોડાયા હતા.
ડેપોમાં બસોનો ખડકલો થયો
ડ્રાઈવરોની હડતાળને લઈ શહેરમાં બસોનો ડેપોમાં ખડકલો થઈ ગયો હતો. તમામ BRTS અને સિટી બસ ડેપોમાં પાર્ક કરી ડ્રાઈવરો હડતાલમાં જોડાયા હતા. અંદાજે 1000થી વધુ બસ ઓફ રોડ થઇ ગઈ હતી લોકોએ આજે પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 3 દિવસથી ચાલી રહેલી હડતાલ ને લઈ પાલિકાને કરોડો રૂપિયાનું નુકશાન થયુ હોવાનો અંદાજ સેવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે બસના ડ્રાઈવરોએ રેલી યોજીને કહ્યું કે, અકસ્માત કોઈ એકની ભૂલના કારણે થતાં નથી ત્યારે આ અકસ્માતમાં માત્ર મોટા વાહનોના ડ્રાઈવરોને જ સજા કરવી એ યોગ્ય નથી જેથી અમે વિરોધ કરવા ઉતર્યા છીએ.
હજીરામાં ટ્રક-ટેલર્સના ડ્રાઈવર્સ પણ હડતાળ પર ઉતર્યા
હજીરા વિસ્તારમાં પણ નેશનલ હાઇવે ઉપર ટ્રક અને ટેલરના ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતર્યા હતાં. પાંચ કિલોમીટર સુધીનો હાઇવે ટ્રાફિક જામ અને ચક્કા જામ કરી દેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ઈચ્છાપોર પોલીસ સ્ટેશન અને હજીરા પોલીસેના સ્ટાફ ઘટના સ્થળે પહોંચી હતી. ડ્રાઇવરોએ વિરોધ પ્રદર્શન કરી નેશનલ હાઈવે ઉપર ચક્કા જામ કર્યો હતો.