સુરત: સુરત નજીક કોસંબા પાસે અમદાવાદ-મુંબઈ હાઈવે પર આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કારને બચાવવા જતા ડમ્પરે બ્રેક મારતા પાછળથી પૂરઝડપે આવતી બસ ડમ્પરની અંદર ઘુસી ગઈ હતી. ટકકર એટલી જોરદાર હતી કે અડધી બસના કૂરચે કૂરચા ઉડી ગયા હતા. બસમાં બેઠેલાં મુસાફરોની ચીચીયારીઓથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો. બસના પતરાં કાપી, જેસીબીની મદદથી લાશો બહાર કાઢવી પડી હતી.
- કોસંબા નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નં. 8 પર ગમખ્વાર અકસ્માત
- કાર ચાલકે બ્રેક મારતા ડમ્પરના ડ્રાઈવરે બ્રેક મારી અને પાછળ ફૂલસ્પીડમાં આવતી બસ ધડાકાભેર અથડાઈ
- ઘટનાસ્થળે જ બસના ડ્રાઈવર અને પુરુષ મુસાફરનું મોત, 4 મુસાફરને ગંભીર ઈજા
- ઈજાગ્રસ્તોને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા, કોસંબા પોલીસે તપાસ હાથ ધરી
સુરત જિલ્લાના કોસંબા નજીક નેશનલ હાઈવે નં. 8 પરથી પસાર થતાં ડમ્પરના પાછળના ભાગે લક્ઝરી બસ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ઘટના સ્થળે બે લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 4 જણાને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને 108માં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પરથી એક ડમ્પર પસાર થઈ રહ્યું હતું ત્યારે તેની આગળ ચાલતી કારના ચાલકે હાઈવે પર અચાનક જ બ્રેક મારી હતી. તેથી ડમ્પરના ચાલકે બ્રેક મારવી પડી હતી. ડમ્પરની પાછળ ફૂલસ્પીડમાં એક લક્ઝરી બસ દોડી રહી હતી. આ બસનો ડ્રાઈવર સમયસર બ્રેક મારી શક્યો નહોતો અને બસ સીધી ડમ્પરને જઈને અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સ્થળ પર જ બસના ડ્રાઈવર અને એક પુરુષ મુસાફરનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બસ ડ્રાઈવર તરફના ભાગથી આખી ચિરાઈ ગઈ હતી. બસમાંથી લાશો બહાર કાઢવા માટે ક્રેઈન બોલાવવી પડી હતી. બસના પતરાં કાપીને લાશો બહાર કાઢવામાં આવી હતી.
અકસ્માત થયો ત્યારે નજીકમાંથી ટ્રાફિક પોલીસની જીપ પસાર થઈ રહી હતી. પોલીસે તાત્કાલિક 108ને બોલાવી બચાવ કામગીરી શરૂ કરી હતી. ઈજાગ્રસ્તોને કામરેજની દિનબંધુ અને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કોસંબા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મૃતકો અને ઈજાગ્રસ્તોની ઓળખ થઈ શકી નથી.