Entertainment

અદ્ભભૂત અભિનેતા, શાનદાર શખ્સિયતના માલિક દિલીપ કુમાર રાજકીય સન્માન સાથે સુપુર્દ-એ-ખાક

મુંબઈ: (Mumbai) રાજકીય સમ્માન સાથે ભારતના પહેલા સુપરસ્ટાર અને ‘ટ્રેજેડી કિંગ’ દિલીપકુમારને સુપુર્દ-એ-ખાક (Burial ceremony) કરવામાં આવ્યા છે. તેઓનું બુધવારે 7 જુલાઈ 2021 ના ​​રોજ નિધન થયું. દિલીપકુમાર (Dilip Kumar) 98 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા. દિલીપ કુમારે સવારે સાડા સાત વાગ્યે મુંબઈના ખાર સ્થિત હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. મુંબઈના શાંતાક્રૂઝ સ્થિત કબ્રસ્તાનમાં તેમને દફન કરવામાં આવ્યા. બપોરે લગભગ સવા ચાર કલાકે તેમના નિવાસ સ્થાનેથી તેમનો જનાજો (અંતિમ યાત્રા) કાઢવામાં આવ્યો હતો. દિલીપ કુમારના પાર્થિવ દેહને તિરંગાથી લપેટવામાં આવ્યો હતો અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

દિલીપ સાહેબને શાંતાક્રૂઝ સ્થિત કબ્રસ્તાનમાં એ જગ્યાએ દફનાવવામાં આવ્યા છે જ્યાં લેજન્ડરી અભિનેત્રી મધુબાલાને દફનાવવામાં આવ્યા હતાં. દિલીપ સાહેબનાં પાર્થિવ દેહની દફનવિધિમાં તેમનાં પરિજનો અને ખૂબજ લિમિટેડ લોકોને શામેલ કરવામાં આવ્યા હતાં. જોકે સાયરબાનું તેઓને અંતિમ વિદાય આપવા કબ્રસ્તાન સુધી ગયા હતાં.

તેમનો મૃતદેહ ખાર સ્થિત તેના ઘરેથી એમ્બ્યુલન્સમાં સાન્તાક્રુઝ કબ્રસ્તાનમાં લઈ જવામાં આવ્યો હતો. દિલીપ સાહેબને રાજ્ય સન્માન સાથે રવાના કરવામાં આવ્યા. એમ્બ્યુલન્સમાં લઈ જતા પહેલા તેમના મૃતદેહને ત્રિરંગામાં પલેટવામાં આવ્યો હતો અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ સમયે ત્યાં હાજર દરેકની આંખો છલકાઈ ગઈ હતી.

દિલીપકુમારની પત્ની સાયરા બાનુ પણ બેભાન અવસ્થામાં દેખાયા હતા. બીજી તરફ દિલીપ કુમારની અંતિમ ઝલક પામવા માટે રસ્તા પર તેમના ફેન્સની ભારે ભીડ જામી હતી. લોકોને કાબૂમાં કરવા માટે પોલીસને રસ્તાની બન્ને તરફ બેરિકેડિંગ કરવું પડ્યું હતું. છતાં લોકો તેમની એક ઝલક પામવા માટે પડાપડી કરી રહ્યાં હતાં.

અદ્ભૂત અભિનેતા અને શાનદાર શખ્સિયતના માલિક દિલીપ કુમારના અવસાનને પગલે સમગ્ર બોલિવૂડમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. દિલીપકુમારના અંતિમ સંસ્કાર બુધવારે મુંબઇના સાંતાક્રુઝ કબ્રસ્તાનમાં કરવામાં આવ્યા. મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ દિલીપ કુમારના મોતના સમાચાર સાંભળતા જ જાહેર કર્યું હતું કે દિલીપકુમારના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.

શાહરૂખ ખાન તુરંત જ પહોંચ્યા હતાં દિલીપ કુમારના ઘરે

દિલીપકુમારે શાહરૂખ ખાનને તેમનો પુત્ર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે જો તેમનો પુત્ર હોત તો તે શાહરૂખ જેવો હોત. આવી સ્થિતિમાં જ્યારે શાહરૂખે પણ દિલીપ સાહેબના મૃત્યુના સમાચાર સાંભળ્યા હતા, ત્યારે તેઓ શ્રદ્ધાંજલિ આપવા તુરંત જ તેમના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન શાહરૂખે ઘરની બહાર કોઈની સાથે વાત કરી નહોતી. બસ ભીની આંખોથી તેઓ ઘરની અંદર ગયા હતા અને સીધા સાયરાબાનું ને મળ્યા હતાં.

કલાકારોનો કાફલો પહોંચ્યો દિલીપ સાહેબના દર્શન માટે

બોલીવુડની અનેક હસ્તીઓએ દિલીપ કુમારને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે. અનેક કલાકારો દિલીપ સાહેબના મોતના સમાચાર સાંભળતા જ તેમના અંતિમ દર્શન માટે તેમના ઘરે પહોંચ્યા હતા. અનિલ કપૂર, શાહરૂખ ખાન, રણબીર કપૂર, કરણ જોહર, જોની લીવર, વિદ્યા બાલન જેવી બોલિવૂડની અનેક હસ્તીઓ તેમના અંતિમ દર્શન માટે અભિનેતાના ઘરે પહોંચી છે. આવી પરિસ્થિતિમાં સાયરા બાનુ ખૂબ જ દુખી હતા બધા સ્ટાર્સ તેમને દિલાસો આપવાના પ્રયાસ કરી રહ્યા હતા. તેમના અંતિમ વિદાય માટે તેના સબંધીઓ અને મિત્રો પણ દિલીપ સાહેબના મુંબઇ સ્થિત ઘરે પહોંચ્યા હતા.

Most Popular

To Top