Top News

બપ્પી લહેરીનું નિધન, ડિસ્કો બીટ્સ સરતાજ સંગીતકારે 69 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

બોલિવૂડના પ્રખ્યાત ગાયક-સંગીતકાર બપ્પી લાહિરીનું  મંગળવારે રાત્રે મુંબઈની હોસ્પિટલમાં નિધન થયું હતું. સમાચાર એજન્સી પીટીઆઈએ આ જાણકારી આપી છે. બપ્પી દા તરીકે ઓળખાતા સંગીતકાર 69 વર્ષના હતા. તેમને જુહુની ક્રિટી કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ક્રિટી કેર હોસ્પિટલના ડૉક્ટર દીપક નામજોશીએ જણાવ્યું કે બપ્પી દા છેલ્લા એક મહિનાથી બીમાર હતા. તેમના ફેફસામાં તકલીફ હતી.

ડૉક્ટરે કહ્યું કે 18 દિવસ સુધી ICUમાં રહ્યા બાદ જ્યારે તમામ રિપોર્ટ સામાન્ય થઈ ગયા તો સોમવારે તેમને રજા આપવામાં આવી હતી. પરંતુ મંગળવારે ફરી તેમની તબિયત લથડી હતી. તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા પરંતુ રાત્રે 11 વાગ્યાની આસપાસ તેમનું નિધન થયું હતું. ડોક્ટરે જણાવ્યું કે બપ્પી દાને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી. મંગળવારે રાત્રે ઓએસએ (ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા)ના કારણે તેમનું અવસાન થયું હતું.

તેઓને ગયા વર્ષે પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. ત્યારબાદ તેને જુહુની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ થોડા દિવસોમાં જ કોરોનામાંથી સ્વસ્થ થઈ ગયા હતા. બપ્પી લાહિરીએ બોલિવૂડને ઘણા હિટ ગીતો આપ્યા છે. 

તેમને ભારતમાં ડિસ્કો બીટ્સ અને પોપ સંગીતના પ્રણેતા માનવામાં આવે છે. આઇ એમ એ ડિસ્કો ડાન્સર, યાર બિના ચૈન કહાં રે, તમ્મા- તમ્મા જેવા ગીતો તેમના પ્રખ્યાત ગીતો છે. જાડી સોનાની સાંકળો અને ચશ્મા પહેરવા માટે જાણીતા, ગાયક-સંગીતકારે 70-80ના દાયકામાં ઘણી ફિલ્મોમાં ગીતો ગાયા જે ભારે હિટ રહી. આ ફિલ્મોમાં ‘ચલતે ચલતે’, ‘ડિસ્કો ડાન્સર’ અને ‘શરાબી’નો સમાવેશ થાય છે. તેનું છેલ્લું બોલિવૂડ ગીત 2020ની ફિલ્મ ‘બાગી 3’ માટેનું ‘ભંકસ’ હતું.

બપ્પી લાહરી છેલ્લે રિયાલિટી શો  બિગ બોસ 15 માં સલમાન ખાન સાથે સ્ક્રીન પર જોવા મળ્યા હતા , જ્યાં તે તેના પૌત્ર સ્વસ્તિકના નવા ગીત ‘બચ્ચા પાર્ટી’ના પ્રચાર માટે આવ્યો હતો. ભાજપના નેતા બિપ્લબ દેબે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

 દેબે કુ પોસ્ટ દ્વારા કહ્યું કે ‘તેમણે ભારતને ડિસ્કો સાથે પરિચય કરાવ્યો અને ભારતીય સંગીતમાં ક્રાંતિ લાવી. તેમનું સંગીત હંમેશા આપણા હૃદયમાં રહેશે.બપ્પી લાહિરીનું સાચું નામ આલોકેશ લાહિરી છે. તેમનો જન્મ 27 નવેમ્બર 1952ના રોજ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં થયો હતો. તેમના પિતાનું નામ અપરેશ લહેરી અને માતાનું નામ બંસરી લાહિરી છે.

Most Popular

To Top