સુરત : પૂણા પોલીસની હદમાં ટ્રાવેલ્સ સંચાલકને હપ્તો નહીં આપે તો ચપ્પુના ઘા મારી મારી નાખવાની ધમકી આપી ત્રણ જણાએ ડ્રાઈવરના ખિસ્સામાંથી મેમો ના 17 હજાર રોકડા લૂંટી લીધા હતા. પૂણા પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
- પૂણા ખાતે રાધે પાર્કીંગમા ટ્રાવેલ્સના ડ્રાઈવરને ધમકી આપીને ત્રણ જણાએ 17 હજાર લૂંટી લીધા
- ટ્રાવેલ્સ માલિકને હપ્તો નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી
મોટા વરાછા ખાતે પાલીહિલ રેસીડેન્સીમાં રહેતા 36 વર્ષીય પારસભાઇ ઘુસાભાઇ ઉકાણી શ્રી રવિ ક્રિષ્ના ટ્રાવેલ્સમાં મેનેજર તરીકે નોકરી કરે છે. પારસભાઈએ પૂણા પોલીસ સ્ટેશનમાં મહેન્દ્રભાઇ જોરૂભાઇ બસીયા (રહે-ગામ-નેસડી તા-સાવર કુંડલા જિ-અમરેલી), નીરૂભાઇ ભાભલુભાઇ ધાકડા (રહે-ગામ-કેરીયા (ચાડ) તા-જી-અમરેલી) અને એક અજાણ્યા સહિત ત્રણની સામે ફરિયાદ નોંધાવી છે. તેઓ પોતાની બસ રેશ્મા રો હાઉસથી સીતાનગર ચોકડીની વચ્ચે રાધે પાર્કીંગમાં પાર્ક કરે છે.
તેમની બસનો રૂટ સુરતથી અમરેલી નાગધા અને ત્યાંથી સુરતનો છે. બસના ડ્રાઇવર યતીનભાઇ ધીરૂભાઇ દુધાત ગઈકાલે (જીજે-14-ઝેડ-8381) બસમા પેસેન્જર ભરી બહાર કાઢતા હતા. તે વખતે નીરૂભાઇ ભાભલુભાઇ ધાકડા, મહેન્દ્રભાઇ જોરૂભાઇ બસીયા અને એક અજાણ્યો ત્યાં આવ્યા હતા.
બસની આગળ ઉભા રહી જોરજોરથી ગાળો બોલી બસ ઉભી રખાવી હતી. નીરૂભાઇએ બસના ડ્રાઇવર યતિનભાઇને બસમાંથી કોલર પકડીને નીચે ઉતારી તેને ગાળો આપી હતી. અને યતિનભાઇના શર્ટના ખીસ્સામાંથી મેમોના 17 હજાર રોકડા બળજબરીથી કાઢી લીધા હતા. ત્રણે જણાએ પારસભાઈ અને ડ્રાઇવરને ગંદી ગાળો આપી હતી.
અને નીરૂભાઇ અને મહેન્દ્રભાઇએ પારસભાઈના શેઠ અમિતભાઇનો કોલર પકડી “તે મને હપ્તાના રૂપિયા આપ્યા નથી એટલે મારે સુરત ધક્કો થયો છે, જ્યાં સુધી મારી હારે હપ્તાનુ બંધાણ નઇ કરે ત્યાં સુધી આ બસ પાર્કીંગમાંથી બહાર નહીં જશે અને હપ્તો નહીં આપે તો અત્યારે જ તમને બધાને ચપ્પુના ઘા મારી લાશ પાડી દઇશ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.