ભારતનું ભાગ્યે જ કોઈ એવું શહેર હશે, જ્યાં ગેરકાયદે બાંધકામો કરવામાં ન આવ્યાં હોય. જે કોઈ ગેરકાયદે બાંધકામો થાય છે તેમાં ગરીબોની મજબૂરી ઉપરાંત માફિયાઓનું સંરક્ષણ હોય છે, પોલીસની સામેલગીરી હોય છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાનો ભ્રષ્ટાચાર હોય છે અને નેતાઓની ભાગીદારી હોય છે. જ્યાં સુધી બિલ્ડરો, માફિયા, પોલીસ, સરકારી અમલદારો અને રાજનેતાઓ સાથે મળીને કાયદો તોડતા નથી, ત્યાં સુધી કોઈ ગેરકાયદે બાંધકામ થઈ શકતું નથી. જ્યારે ગેરકાયદે બાંધકામ તોડવામાં આવે છે, ત્યારે ઉપરના કોઈને સજા નથી થતી, પણ તે ગેરકાયદે બાંધકામ ખરીદીને તેમાં રહેતા ગરીબનું સર્વસ્વ લૂંટાઈ જાય છે. કોઈ પણ ગેરકાયદે બાંધકામ તોડવું હોય તો પણ તેમાં રહેનારને નોટિસ આપવી જોઈએ અને તેને તેનો પક્ષ મૂકવાની તક આપવી જોઈએ. કોઈ પણ જાતની નોટિસ વિના તથાકથિત ગેરકાયદે બાંધકામ પર હથોડો ચલાવવો તે ન્યાયની પ્રક્રિયા પર હથોડો ચલાવવા બરાબર છે. જ્યારે સત્તામાં રહેલી સરકાર ખુદ નોટિસ આપ્યા વિના ગેરકાયદે બાંધકામ તોડવાની ઉતાવળ કરે ત્યારે પ્રજાનો ન્યાયતંત્રમાં વિશ્વાસ ડગમગી જતો હોય છે.
ઉત્તર પ્રદેશમાં અને મધ્ય પ્રદેશમાં થયેલાં કોમી રમખાણોને પગલે આપણા દેશમાં રમખાણોના આરોપીઓનાં ગેરકાયદે બાંધકામો બુલડોઝર વડે તાત્કાલિક તોડી પાડવાનો નવો ખતરનાક ટ્રેન્ડ શરૂ થયો છે, જેને ગુજરાતની ભાજપ સરકાર પણ અનુસરી રહી છે. બુધવારે દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં કથિત રમખાણોમાં સંડોવાયેલા મુસ્લિમોનાં કથિત ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યાં ત્યારે તે વિવાદે રાષ્ટ્રીય સ્વરૂપ ધારણ કરી લીધું છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનું શાસન હોવાથી આ આદેશ ભાજપની નેતાગીરી દ્વારા આપવામાં આવ્યો છે તે સ્પષ્ટ હતું. સુપ્રિમ કોર્ટે ગંભીર નોંધ લઈ તે તોડકામ અટકાવ્યું હતું.
જહાંગીરપુરીમાં જે કોમી તોફાનો થયાં તેમાં હિન્દુ ઉપરાંત મુસ્લિમ ગુંડાઓ પણ સંડોવાયેલા હતા, જેનો ખ્યાલ ધરપકડ કરવામાં આવેલા બંને કોમોના લોકોની યાદી તપાસતાં આવે છે. બુધવારે અચાનક દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રમખાણમાં સંડોવાયેલાં લોકોનાં બાંધકામો તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સવારના પહોરમાં સાત બુલડોઝરો જહાંગીરપુરીના મુખ્ય બજારમાં પહોંચી ગયા હતા. આજ તક ચેનલની મહિલા પત્રકાર અંજના ઓમ કશ્યપ લાઇવ રિપોર્ટિંગ કરવા બુલડોઝર પર ચડી ગઈ હતી અને તોડકામનું નાટ્યાત્મક વર્ણન કરવા લાગી હતી. બુલડોઝર દ્વારા મસ્જિદની આજુબાજુ કરવામાં આવેલાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યાં હતાં.
મુસ્લિમો દ્વારા કરવામાં આવેલા વિરોધને ગણકારવામાં આવ્યો નહોતો. બુલડોઝર પછી હિન્દુ વિસ્તાર તરફ વળ્યું હતું. ત્યાં તોડકામ શરૂ કરવામાં આવ્યું કે લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. તેમણે વિરોધ કરવાનો શરૂ કર્યો તો તોડકામ તરત જ અટકાવી દેવામાં આવ્યું હતું. સવારે દસ વાગતા સુધીમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે તોડકામ મુસ્લિમ કોમને લક્ષ બનાવીને કરવામાં આવી રહ્યું છે. રાજધાની દિલ્હીમાં કોઈ પણ ઘટના બને તો તેના સુપ્રિમ કોર્ટમાં તરત જ પ્રત્યાઘાતો પડતા હોય છે. જહાંગીરપુરીમાં મુસ્લિમ કોમને નિશાન બનાવીને તોડકામ ચાલી રહ્યું છે, તેવા સમાચાર પ્રસરતાં જ સેક્યુલર બ્રિગેડ કામે લાગી ગઈ હતી. સામ્યવાદી નેતા બ્રિંદા કરાત દ્વારા વકીલ દુષ્યંત દવેના માધ્યમથી સુપ્રિમ કોર્ટના દરવાજા ખટખટાવવામાં આવ્યા હતા. મામલો ચીફ જસ્ટિસ રામન્ના સમક્ષ આવ્યો હતો.
ચીફ જસ્ટિસને ખ્યાલ આવ્યો કે ક્યાંક કાચું કપાયું છે ત્યારે તેમણે તાત્કાલિક તોડકામ અટકાવી દેવાનો આદેશ આપ્યો હતો. બ્રિંદા કરાત દ્વારા મેયરને ફોન કરીને આદેશની જાણ પણ કરી દેવામાં આવી હતી, પણ તોડકામ બીજા બે કલાક ચાલુ રહ્યું હતું. બ્રિંદા કરાત તોડકામની જગ્યા પર પહોંચી ગયાં હતાં અને તેમણે સ્થળ પરના અધિકારીઓને સુપ્રિમ કોર્ટના આદેશની જાણ કરી હતી. તો પણ તોડકામ બંધ રાખવામાં આવ્યું નહોતું. બ્રિંદા કરાત ફરીથી સુપ્રિમ કોર્ટમાં ગયા હતા અને ચીફ જસ્ટિસને જાણ કરી હતી કે તેમના આદેશનો અનાદર કરવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસે બીજો કડક આદેશ બહાર પાડ્યો તે પછી તોડકામ અટક્યું હતું. આ પ્રકરણ પરથી ખ્યાલ આવ્યો હતો કે તોડકામનો આદેશ આપનારાઓ સુપ્રિમ કોર્ટના આદેશને પણ ઘોળીને પી જવા જેટલી તાકાત ધરાવે છે. સુપ્રિમ કોર્ટ દ્વારા બે સપ્તાહ સુધી સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે.
હવે સુનાવણી થશે ત્યારે પહેલાં સુપ્રિમ કોર્ટના તિરસ્કારની વાતની પણ સુનાવણી કરવામાં આવશે. ભાજપ સરકાર દ્વારા કોમી રમખાણોમાં સંડોવાયેલાં લોકોના તથાકથિત ગેરકાયદે બાંધકામ તોડી પાડવાનો જે સિલસિલો ચાલુ થયો છે, તેમાં ન્યાય ઉપરાંત નૈતિકતાના સવાલો પણ ખડા થયા છે. પહેલી વાત એ કે જ્યારે કોઈ પણ કોમી રમખાણો થાય છે ત્યારે એક હાથે તાળી પડતી નથી. તેમાં હિન્દુ ગુંડાઓ ઉપરાંત મુસ્લિમ ગુંડાઓ પણ સંડોવાયેલા હોય છે. વળી તે રમખાણો રાજકારણપ્રેરિત પણ હોય છે. રાજકીય નેતાઓના આદેશ અને દોરીસંચાર વિના કોઈ રમખાણો થતાં નથી. જો રમખાણોમાં બંને કોમના લોકો સંડોવાયેલા હોય તો કોઈ એક જ કોમનાં ગરીબ લોકોનાં બાંધકામો શા માટે તોડી પાડવામાં આવે છે? રમખાણોનો આદેશ આપતા નેતાઓનાં બાંધકામો કેમ તોડી પાડવામાં આવતાં નથી? ‘આપ’ના નેતા દ્વારા સૂચક ટકોર કરવામાં આવી હતી કે ભાજપનું કાર્યાલય અને ગૃહ પ્રધાન અમિત શાહનો બંગલો તોડી પાડો તો રમખાણોનો અંત આવી જશે.
જો કાનૂની રીતે વિચારીએ તો રમખાણોના આરોપીઓને સજા કરવા માટે તેમનાં ગેરકાનૂની બાંધકામો તોડી પાડવાની વાત પણ હજમ થતી નથી. રમખાણોના આરોપીઓને સજા કરવી હોય તો તેમની સામે કોર્ટમાં કેસ કરવો જોઈએ અને પુરાવા રજૂ કરવા જોઈએ. જો રમખાણનો આરોપ પુરવાર થઈ જાય તો પણ કોર્ટ જે સજા ફરમાવે તે સજા કરવી જોઈએ. આરોપ પુરવાર કરવાનો અને સજા નક્કી કરવાનો હક્ક સરકારને આપવામાં આવ્યો નથી. સરકાર તો પક્ષકાર છે. જો તે કામ સરકારે જ કરવાનું હોય તો કાયદાની કોર્ટોને તાળાં મારી દેવાં જોઈએ. દિલ્હીમાં તો જે લોકોનાં બાંધકામો તોડી પાડવામાં આવ્યાં તેમાંનાં કેટલાકે તો રમખાણોમાં ભાગ પણ નહોતો લીધો.
સરકાર કદાચ એવી દલીલ કરે કે જે બાંધકામો તોડી પાડવામાં આવ્યાં તે ગેરકાયદે હતાં; તો તેવી દલીલ પણ હજમ થતી નથી. જો તે બાંધકામો ગેરકાયદે હતાં તો તેને તોડવા માટે રમખાણોની કેમ રાહ જોવામાં આવી હતી? કેમ તે રમખાણો પહેલાં તોડી પાડવામાં નહોતા આવ્યાં? વળી કોઈ પણ ગેરકાયદે બાંધકામને તોડી પાડવું હોય તો પણ તેના માટે કાયદાની નિયત પ્રક્રિયાનો અમલ કરવાનો હોય છે, જેને કારણે કોઈ કાયદેસરનું બાંધકામ પણ તોડી ન પડાય. પહેલાં તો તેના માલિકને નોટિસ આપીને તેને બાંધકામ કાયદેસરનું છે, તેના પુરાવા આપવા માટે સમય આપવામાં આવે છે. નિયત સમયમાં તે પુરાવા ન આપી શકે તો બાંધકામ તોડવામાં આવે છે. જહાંગીરપુરીમાં બાંધકામ તોડતાં પહેલાં કોઈને નોટિસ આપવામાં આવી નહોતી. આશા છે કે સુપ્રિમ કોર્ટની દરમિયાનગીરીને પ્રતાપે હવે બુલડોઝરનો દુરુપયોગ કરવાની ભાજપ સરકારની કુટેવમાં સુધારો થશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે