તાજેતરમાં નવસારીની જિલ્લા ગ્રાહક અદાલતે એક નોંધપાત્ર ચુકાદામાં બિલ્ડરે ફલેટના અધૂરા રાખેલ બાંધકામ પૂર્ણ કરવા માટે બિલ્ડરને જવાબદાર ઠેરવી અદાલતના હુકમથી એક માસમાં અધૂરું બાંધકામ પૂર્ણ કરી આપવાનો અને જો બિલ્ડર તેમ કરવામાં નિષ્ફળ જાય તો ફરિયાદીને વેચાણ અવેજની રકમ રૂ. ૧૫,૬૬,OOO/- વેચાણ દસ્તાવેજ તારીખથી ૭% વ્યાજ સાથે પરત કરવાનો આદેશ આપતો હુકમ કર્યા છે.
1 સુરતના રહીશ શૈલેષભાઇ નાકરાણી (ફરિયાદી)એ એડવોકેટ શ્રેયસ દેસાઇ મારફતે ગોકુલ બિલ્ડકોન પ્રા. લિ. વગેરે (સામાવાળાઓ) વિરૂધ્ધ નવસારી જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં (અદાલતમાં) કરેલ ફરિયાદની હકીકત એવી હતી કે ગોકુલ બિલ્ડકોન પ્રા. લિ. (સામાવાળાઓ) દ્વારા જીલ્લા : નવસારી મોજ : નવસારીના દરગાહ રોડથી લુન્સીકુંઇ તરફ વિસ્તારમાં આવેલ સીટી સર્વેના નવા નોંધ નં.૩૬૨૭ થી નોંધાયેલ જમીન પર કિસ્ટલ ફલોરેન્સ નામના રહેઠાણના એપાર્ટમેન્ટનું આયોજન કરેલું. મજકુર એપાર્ટમેન્ટમાં ફલેટના ખરીદનારને ચોખા અને માર્કેટેબલ ટાઇટલવાળી મિલકતવાળા એપાર્ટમેન્ટનું બાંધકામ બનાવી ત્વરાએ પૂર્ણ કરી પાલિકામાંથી BUC મેળવી ફલેટનો કબજો નોંધાવનારને ત્વરાએ આપવામાં આવશે તેવો ભરોસો સામાવાળા તરફે ફરિયાદી તેમજ અન્ય ફ્લેટ નોંધનારને આપવામાં આવેલો. ફરિયાદીએ સામાવાળાઓના માંગ્યા મુજબ વેચાણ અવેજની પૂરેપૂરી રકમ રૂ. ૧૫.૬૬ લાખ સામાવાળાને ચુકવી આપેલા. સામાવાળાએ ફરિયાદી પાસેથી અવેજની રકમ મેળવ્યા બાદ ફરિયાદીને મજકુર ક્રિસ્ટલ ફ્લોરેન્સવાળા બિલ્ડીંગમાં ૭ માં માળે આવેલ ૯૦૫.૦૦ ચો.મી ક્ષેત્રફળવાળો ફલેટ નં. ૭/ઇ નો વેચાણ દસ્તાવેજ ફરિયાદીના નામનો એક્ઝીકયુટ કરીને ફેવરનો રજીસ્ટર્ડ કરેલ. પરંતુ વેચાણ દસ્તાવેજની તારીખે ક્રિસ્ટલ ફ્લોરેન્સમાં એપાર્ટમેન્ટનું તેમજ ફરિયાદીના ફલેટમાં ઘણું કામ બાકી હતું અને લેટ વસવાટ યોગ્ય ન હતો. મજકુર એપાર્ટમેન્ટમાં પાર્કીગ એરીયાના ફલોરીંગનું કામ, એપાર્ટમેન્ટના બિલ્ડીંગના ફીનીશીંગનું કામ, બિલ્ડીંગને કલર કરવાનું કામ, વગેરે કામો બાકી હતા તેમજ બિલ્ડીંગમાં લિફ્ટ પણ ઇન્સ્ટોલ કરી નહોતી. વધુમાં, ફરિયાદીના ફ્લેટમાં બારી દરવાજા આપેલા ન હતા. ફ્લેટની બાલકનીમાં સેફટી ગ્રીલ અને ફલેટના બાથરૂમમાં નળ, શાવર, ટોયલેટ-કમોડ, વગેરે એસેસરી/ ફીટીંગ્સ ના કામ પણ બાકી હતા. એટલે કે, ફલેટમાં જઇ શકાય, કે વસવાટ કરી શકાય તેમ ન હતું. વધુમાં સામાવાળાએ નવસારી નગર પાલિકામાંથી ફરિયાદવાળા એપાર્ટમેન્ટ ફલેટ માટે BUC પણ મેળવેલ ન હતું. બાકી અધુરાં કામો પુરા કરાવવા તેમજ BUC મેળવી આપવા ફરિયાદીઓને વારંવારની રજૂઆતોને સામાવાળાની કોઇ દાદ મળતી નહોતી. જેથી ફરિયાદીઓએ ગ્રાહક સુરક્ષા અદાલતના દ્વાર ખટખડાવવાની જરૂરત પડેલી.
ફરિયાદી તરફે એડવોકેટ શ્રેયસ દેસાઇએ દલીલો કરતા ફરિયાદવાળા ક્રિસ્ટલ ફ્લોરેન્સ એપાર્ટમેન્ટમાં ઘણા કામ તેમજ ફરિયાદીને વેચવામાં આવેલ ફ્લેટમાં પણ કામો બાકી હોવાથી તથા BUC ન હોવાથી અને ફલેટ વસવાટ યોગ્ય ન હોવાથી સામાવાળાના પક્ષે સેવામાં ક્ષતિ અને અનફેર ટ્રેડ પ્રેકટીસ થયેલ હોવાની રજુઆત થયેલી.
નવસારી જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનનાં પ્રમુખ ન્યાયાધીશશ્રી એમ. એચ. ચૌધરી અને સભ્યશ્રી વી.બી.વર્માએ આપેલ હુકમમાં, હુકમની તારીખથી ૧ માસમાં ફરિયાદવાળા એપાર્ટમેન્ટમાં તેમજ ફરિયાદીના ફલેટમાં બાકી કામ-અધુરું કામ પૂર્ણ કરી આપવાનો તેમજ જો તેમ કરવામાં સામાવાળા નિષ્ફળ જાય તો સામાવાળાએ ફરિયાદીઓ પાસે લીધેલ વેચાણ અવેજની રકમ રૂ. ૧૫,૬૫,OOO/- ફરિયાદીને વેચાણ દસ્તાવેજની તારીખ તા. ૧૫/૧૦/૨૦૧૬ થી ચૂકવણીની તારીખથી વાર્ષિક ૭% ના વ્યાજ સહીત તેમજ વળતર-ખર્ચના બીજા રૂ. પ000/- સહિત ફરિયાદીને ચૂકવી આપવાનો સામાવાળાઓને આદેશ આપતો હૂકમ કર્યો છે.