લુણાવાડા : મહીસાગર જિલ્લા મથક લુણાવાડા નગર અને તાલુકામાં વન વિભાગ પોતાની જમીન જાળવવામાં નિષ્ફળ નિવડી રહ્યો તેમ જણાઈ રહ્યું છે.જે જગ્યા પર વન વિભાગની કચેરી છે, તેની બાજુમાં જ બાંધકામ ચાલી રહ્યું છે અને બાંધકામ કરનારા બિલ્ડરે હદ દર્શાવતો થાંભલો હટાવી સરકારી જમીનમાં દબાણ શરૂ કર્યું છે. આમ છતાં બિલ્ડર સામે અધિકારીઓ મૌન સેવતાં આશ્ચર્ય જન્મ્યું છે. મહીસાગર જિલ્લો નવો બન્યા બાદ મુખ્યમથક લુણાવાડા અને નજીક આવેલા ગામોમાં જમીનોની કિંમતોમાં ભારે ઉછાળો આવતાં જમીન માફિયાઓ સક્રિય બન્યા અને જંગલની જમીન હડપવા ચોરપગે પગપેસારો કર્યો છે.
વન વિભાગે પોતાની જમીનના હદ સૂચકો જેને સ્થાનિક ભાષામાં બાણ કહે છે જે અગાઉ લોકોની નજરે પડતા હતા તે ગાયબ થઈ ગયા છે. નવાઈ વાત એ છે કે લુણાવાડા નગરમાં તો વનવિભાગની કચેરીની નજીક આવેલી વન વિભાગની જમીનમાંથી આવું હદસૂચક ગાયબ થયુ છે. જમીનની બહારના ભાગે સિમેન્ટના પાટિયા લગાવી અંદરના ભાગે હદ સૂચક બાણ બાંધકામકર્તઓ દ્વારા ઉખાડી નાખવામાં આવ્યું છે. જાગૃત નાગરિક અને પર્યાવરણ પ્રેમી પાસે રાજપૂત સમાજ ભવનની બાજુમાં આવેલા વન વિભાગના હદસૂચક બાણની તસ્વીર છે. જે બહારના ભાગે સિમેન્ટના પાટિયા લગાવી અંદરના ભાગે વન વિભાગના કાયદાને અવગણીને ગેરકાયદેસર કૃત્ય આચરીને બાણ હટાવી લેવામાં આવ્યું છે અને તોતિંગ કોમ્પ્લેક્ક્ષ બની રહ્યું છે. પરંતુ બાણ ઉખાડીને બાંધકામ કરનારા વિરુધ્ધ કાર્યવાહી બાબતે વન તંત્ર હજુ સુધી અનુત્તર રહ્યું છે ત્યારે જંગલની જમીન કોણ બચાવશે ? તે મોટો સવાલ થઈ રહ્યો છે.
તપાસ કાર્યવાહી પ્રગતિમાં છે : આર.એફ.ઓ.
આ અંગે ડીસીએફ સાહેબની સૂચનાથી તપાસ કાર્યવાહી શરુ કરવામાં આવી છે. જે હાલ પ્રગતિમાં છે. કાર્યવાહી પૂર્ણ થયા બાદ કશું કહી શકાય.’
–વૈભવ હારેજા, આર. એફ.ઓ., લુણાવાડા.
બાણ ઉખાડવાની સજા છ માસની છે : ડીસીએફ
ગેરકાયદેસર રીતે વન વિભાગનું બાણ ઉખાડવાની સજા છ માસની છે. આ અંગે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.’
– રાજ પટેલ, ડીસીએફ, મહીસાગર.
મને સર્વે નં.૪૩૦ના જુના નકશાની નકલ આપતા નથી : અરજદાર
આ જમીનના અગાઉના માલિકે આશરે નવ હજાર ફૂટનો પ્લોટ વેચ્યો હતો. જેમાં હાલમાં આ જમીનનું ક્ષેત્રફળ વધી ગયું છે. તે કેવી રીતે વધ્યું ? તેની તપાસ જરુરી છે. મારી પાસે વન વિભાગના જુના બાણના તમામ આધાર પુરાવા છે. વન વિભાગ પોતાની જમીન કેમ કોઇને ગેરકાયદેસર કબ્જો કરવા દે છે ? અને કોનાથી ડરે છે ? એ મને સમજાતું નથી. હાલમાં સરકારના લેન્ડ ગ્રેબિંગ જેવો કાયદો પણ છે. તે અનુસાર કાર્યવાહી પણ થઈ શકે છે. આ જમીન અંગે કાર્યવાહી માટે મેં ૧૭મી માર્ચના રોજ વન વિભાગના જિલ્લાના અધિકારી પાસે લુણાવાડા સર્વે નંબર ૪૩૦ની જૂના નકશાની સર્ટિફાઇડ શીટની માંગણી કરી હતી. બાદમાં ૧૦મી ઓગષ્ટે ફરી નકલ ની માંગણી કરી છે. પરંતુ મને નક્શો આપતા નથી.’
– કલ્પેશ પટેલ, અરજદાર.