ગાંધીનગર: ‘આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારત’ બનવાની દિશામાં રાજ્યને આગળ વધારવા માટેનું રાજ્યનું આ વર્ષ ૨૦૨૩-૨૪નું વિકાસલક્ષી બજેટ છે. સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસની વણથંભી યાત્રાને ચાલુ રાખવાનો પ્રયાસ કરાયો છે. તેમ વિધાનસભા ગૃહમાં બજેટચર્ચા દરમિયાન નાણામંત્રી કનુભાઈ દેસાઈ જણાવ્યુ હતું.
નાણાં મંત્રી દેસાઈ કહ્યું હતું કે, રાજ્યના વિકાસ અને પ્રજાના કાર્યો માટે આગામી વર્ષના અંદાજપત્રએ રૂ. ૩ લાખ કરોડનો આંકડો પાર કરી ગુજરાતના ઇતિહાસમાં નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે. આ અંદાજપત્ર ગયા વર્ષના બજેટ કરતા રૂ.૫૭ હજાર કરોડનો માતબર વધારો સૂચવે છે. રાજયની વિકાસ યાત્રાને વધુ વેગવંતી બનાવવા માટે આ અંદાજપત્રમાં વિવિધ ક્ષેત્રો માટે સપ્રમાણ રકમની ફાળવણી કરવામાં આવી છે, જે ગુજરાતને સર્વસમાવેષક વિકાસની નવી ઉંચાઇએ લઇ જવા કટિબદ્ધ છે.
તેમણે કહયું હતું કે રાજ્ય સરકારે વિકાસની પરિકલ્પનાના પંચ સ્તભ મારફતે આગામી પાંચ વર્ષમાં ગુજરાતનું સકલ ઘરેલું ઉત્પાદન રૂ.૪૨ લાખ કરોડ કરવાના લક્ષ્ય સાથે આગામી વર્ષનું બજેટ રજૂ કર્યું છે. સને ૨૦૨૩-૨૪નું અંદાજપત્ર રૂ.૯૧૬.૮૭ કરોડની એકંદર પુરાંત તેમજ રૂ.૯૦૩૮.૩૦ કરોડની મહેસૂલી પુરાંત દર્શાવે છે. ગુજરાતે મહેસૂલી પુરાંતવાળુ આ સતત બારમું અંદાજપત્ર રજૂ કરીને ઇતિહાસ રચ્યો છે. કેન્દ્ર સરકારે મૂડી ખર્ચમાં વધારો કરવાની બાબતને પ્રોત્સાહન આપ્યું છે, જેના માર્ગ પર આગળ વધતાં રાજ્ય સરકારે આ અંદાજપત્રમાં મૂડી ખર્ચ માટે ગત વર્ષ કરતા ૯૧ ટકા વધુ એટલે કે રૂ.૭૨,૫૦૯ કરોડની જોગવાઇ કરી છે. મૂડી ખર્ચમાં આ વધારાથી ગુજરાતની વિકાસયાત્રા વધુ વેગવંતી બનશે તેમજ યુવાનો માટે વિવિધ ધંધા-રોજગારીનું વિપુલ પ્રમાણમાં સર્જન થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
નાણાં મંત્રીએ કહયું હતું કે ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગ માટે પાયાની સુવિધાઓ સહિત સામાજિક સુરક્ષા માટે રાજ્ય સરકારે આગામી પાંચ વર્ષ માટે રૂ. ૨ લાખ કરોડનું આયોજન કર્યું છે. જેમાં સામાજિક ઉત્કર્ષ માટે વિવિધ યોજનાઓ તથા તમામ જાતિના વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે વિવિધ યોજનાઓ, વનબંઘુઓના સર્વાંગી વિકાસ માટે વનબંઘુ કલ્યાણ યોજના અંતર્ગત ખર્ચ કરાશે. આદિજાતિ વિસ્તારોમાં આવાસ, રસ્તાઓ, વિજળી, આર્થિક ઉપાર્જન, આરોગ્ય જેવી સુવિધાઓ પૂરા પાડવામાં આવશે. શ્રમિકોને રૂ. ૫ ના નજીવા દરે ભોજન ઉપલબ્ધ કરાવવા માટે શ્રમિક અન્નપુર્ણા યોજના હઠળ નવા ૧૫૦ કેન્દ્રો, શ્રમિકો માટે શ્રમિક બસેરા સ્થાપવા રૂ. ૬૦૦ કરોડની જોગવાઇ કરી છે. આ યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકોને કામના સ્થળની નજીક રહેઠાણની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. સામાજિક સુરક્ષાની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ જરૂરિયાતમંદ લાભાર્થી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા કુટુંબ ઓળખપત્ર આપવાની નવી યોજના પણ જાહેર કરવામાં આવી છે એમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
માનવ સંશાધનના વિકાસ માટે આગામી પાંચ વર્ષમાં અંદાજે રૂ. ૪ લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે. રાજ્ય સરકારે આગામી વર્ષથી મધ્યાહ્ન ભોજન અને આંગણવાડીમાં શ્રી અન્ન (મિલેટ)નો સમાવેશ કરવાનો નિર્ધાર કર્યો છે અને શ્રી અન્નનો ઉપયોગ વધારવા વાજબી ભાવની અનાજની દુકાનોમાં પણ તેનું વિતરણ કરાશે. રાજ્યના અંદાજે ૩૯ લાખ કુટુંબોનો કેન્દ્રની ઉજ્જવલા યોજના અંતર્ગત સમાવેશ કરી રાંધણગેસ સિલિન્ડરનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પરિવારોને દર વર્ષે બે રાંધણગેસ સિલિન્ડર વિના મૂલ્યે રિફિલિંગ કરી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રી જનઆરોગ્ય-મા યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા રાજ્યના ૮૫ લાખ જેટલા કુટુંબોને નિ:શુલ્ક સારવાર આપવા માટે કુટુંબદીઠ વીમાની વાર્ષિક મર્યાદા રૂ. ૫ લાખથી વધારીને રૂ.૧૦ લાખ કરવામાં આવી છે.
પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ ૬ થી ૧૨ સુધીનું શિક્ષણ વિનામૂલ્યે મળે તે માટે ઉચ્ચસ્તરીય સુવિધા ધરાવતી ૪૦૦ જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ શરૂ કરવા બજેટમાં જોગવાઈ કરાઈ છે. આગામી વર્ષથી રાજ્ય સરકારે વિશેષ પહેલ અંતર્ગત ધોરણ ૧ થી ૮માં RTE યોજના હેઠળ અભ્યાસ કરેલ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ ૮ પછી પણ ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે રૂ. ૨૦ હજારનાં શાળા વાઉચર માટે પણ બજેટમાં જોગવાઇ કરી છે. વડનગર, એકતાનગર, દ્વારકા, ચોટીલા અને પાટણ ખાતે આપણા સાંસ્કૃતિક વારસાની અનુભૂતિ કરાવતા સંગ્રહાલય અને અન્ય કામ માટે રૂ.૫૫ કરોડ ફાળવ્યાં છે.
રાજ્યમાં વિશ્વકક્ષાની આંતરમાળખાકીય સવલતો ઉભી કરવા માટેના તૃતીય સ્તંભ હેઠળ આગામી પાંચ વર્ષમાં રૂ.૫ લાખ કરોડનો ખર્ચ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે . શહેરોમાં વિશ્વકક્ષાની સવલતો ઉભી કરવા માટે શહેરી વિકાસ વિભાગના બજેટમાં ૩૭ ટકાનો માતબર વધારો કર્યો છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને વર્ષ ૨૦૨૪ સુધી લંબાવી આ બજેટમાં રૂ.૮૦૮૬ કરોડ ફાળવ્યા છે.
રાજ્યની ઊર્જાના વપરાશમાં વર્ષ ૨૦૩૦ સુધીમાં રિન્યુએબલ ઊર્જાનો હિસ્સો વધારીને ૪૨ ટકા સુધી લઇ જવા માટે રાજ્ય સરકારે નિર્ધાર કર્યો છે. ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજનાના અમલ માટે રૂ.૧૫૭૦ કરોડ ફાળવ્યા છે. સીમાવર્તી વિસ્તારને પણ રોડથી સંપૂર્ણપણે જોડવા માટે રૂ.૧૬૦૦ કરોડના ખર્ચે ‘પરિક્રમા પથ યોજના’નો અમલ કરાશે. અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનના ઇકવિટી ફાળા માટે રૂ.૨૦૦ કરોડની જોગવાઇ કરાઈ છે. રાજ્યમાં પર્યાવરણના જતનના હેતુસર બસ આધારિત ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા માટે આગામી વર્ષે વિક્રમજનક ૨૦૦૦ નવી બસો મૂકાશે તું.
ગુજરાતની જીવાદોરી એવી નર્મદા યોજના થકી રાજ્યના નાગરિકોને પીવા, સિંચાઇ તથા ઉધોગો માટે પૂરતું પાણી ઉપલબ્ધ બન્યું છે. ઉપરાંત સૌની યોજના થકી સૌરાષ્ટ્રમાં ઉદવહન પાઇપલાઇનો, ચેક ડેમ, બેરેજ, વિયર, રિચાર્જ યોજનાઓ વગેરે માટે ગત વર્ષની સરખામણીમાં ૮૨ ટકાનો વધારો કરી રૂ.૯૭૦૫ કરોડની માતબર રકમની જોગવાઇ કરી છે.
કૃષિ, ઉદ્યોગ અને સેવાક્ષેત્રની આર્થિક પ્રવૃતિઓના વિકાસ માટે આગામી પાંચ વર્ષમાં રૂ.૨ લાખ કરોડનો ખર્ચના આયોજન કરાયુ છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ છેલ્લા ચાર વર્ષમાં ૬૧ લાખથી વધુ ખેડૂતોને રૂ.૧૨૦૦૦ કરોડની સહાય ડી.બી.ટી.ના માધ્યમથી આપવામાં આવી છે.
છેલ્લા આઠ વર્ષમાં દેશમાં થયેલા અંદાજે ૩૨ લાખ કરોડના વિદેશી મૂડીરોકાણ પૈકી રૂ.૧૮ લાખ કરોડનું એટલે કે ૫૭ ટકા મૂડી રોકાણ ગુજરાતમાં થયું છે, જે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની સફળતા દર્શાવે છે. જેને આગળ વધારવા ‘આત્મનિર્ભર ગુજરાત યોજના’ અંતર્ગત “ધ સ્કીમ્સ ફોર આસિસ્ટન્સ ટુ ઇન્ડ્રસ્ટીઝ” નીતિ જાહેર કરાઈ છે. દેશનો સૌ પ્રથમ સેમીકોન-ડીસ્પ્લે ફેબ મેન્યુફેકચરીંગ પ્લાન્ટ ધોલેરા ખાતે સ્થાપાશે, જેમાં અંદાજે રૂ. ૧.૫૦ લાખ કરોડ કરતા વધારે મૂડી રોકાણ થવાની સંભાવના છે. સેમી કન્ડકટર પોલીસી હેઠળ જુદી-જુદી સુવિધા માટે રૂા.૫૨૪ કરોડની જોગવાઇ કરાઈ છે.
રાજ્યના પાંચ પ્રવાસન સ્થળો સ્ટેચ્યુ ઓફ યુનિટી, સફેદ રણ-ધોળાવીરા, અંબાજી-ધરોઇ ક્ષેત્ર, ગીર અભયારણ્ય-સોમનાથ અને દ્વારકા-શિવરાજપુર બીચને વિકસાવવા,રાજ્યમાં ધાર્મિક પ્રવાસન, હેરિટેજ, એડવેન્ચર અને ઇકો-ટુરિઝમને ઉત્તેજન આપવા તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રને વધુ પ્રોત્સાહન આપવા બજેટમાં ગત વર્ષની સરખામણીએ બજેટમાં માતબર વધારો કર્યો છે.
ગ્રીનગ્રોથ દ્વારા ટકાઉ વિકાસ અંગેના પંચમ સ્તંભ અંતર્ગત આગામી પાંચ વર્ષમાં અંદાજે રૂ. ૨ લાખ કરોડનો ખર્ચ કરાશે. ઊર્જાના કાર્યક્ષમ ઉપયોગ તેમજ ઊર્જા બચત માટે લોક સહકાર, પાણી વિતરણના સ્થળોનું વોટર ઓડિટ, ગીર ક્ષેત્રમાં વધુ બે લાયન સફારીનો વિકાસ, વન અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ લોકસમુદાયને તેમાં સક્રિય રીતે જોડવા માટે મિયાવાકી પદ્ધતિથી ૭૫ અર્બન ફોરેસ્ટ (વન કવચ)નું નિર્માણ કરવા ભાર મૂકવામાં આવશે. કેન્દ્ર સરકારના ‘મિષ્ટી કાર્યક્રમ’ અંતર્ગત દરિયાઇ સૃષ્ટિના સંવર્ધન અને દરિયાકાંઠાનું ધોવાણ અટકાવવા રૂ.૧૧ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
- રાજ્યનું વિકાસલક્ષી બજેટઃ કનુભાઈ દેસાઈ
- આગામી પાંચ વર્ષમાં ગુજરાતનું સકલ ઘરેલું ઉત્પાદન ૪૨ લાખ કરોડ કરવાના લક્ષ્ય સાથેનું બજેટ
- અંદાજપત્રમાં મૂડી ખર્ચ માટે ગત વર્ષ કરતા ૯૧ ટકા વધુ જોગવાઇ
- વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ જરૂરિયાતમંદ લાભાર્થી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા ‘કુટુંબ ઓળખપત્ર’ આપવાની નવી યોજના જાહેર કરાઈ
- મધ્યાહ્ન ભોજન અને આંગણવાડીમાં શ્રી અન્ન (મિલેટ)નો સમાવેશ કરવાનો નિર્ધાર
- ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને દર વર્ષે બે રાંધણગેસ સિલિન્ડર વિના મૂલ્યે રિફિલિંગ કરી આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય
- પ્રધાનમંત્રી જનઆરોગ્ય-મા યોજના અંતર્ગત કુટુંબદીઠ વીમાની વાર્ષિક મર્યાદા રૂ. ૫ લાખથી વધારીને રૂ.૧૦ લાખ કરાઈ
- કૃષિ ક્ષેત્રની માહિતી એક જ પોર્ટલ ઉપલબ્ધ થઇ શકે તે માટે પ્રથમવાર Indext-Aની સ્થાપના કરશે
- ગ્રીનગ્રોથ દ્વારા ટકાઉ વિકાસ માટે આગામી પાંચ વર્ષમાં રૂ. ૨ લાખ કરોડની જોગવાઈ