Comments

બજેટ 2026: ભારતીય અર્થતંત્ર માટેના સંકેતો અને વ્યૂહાત્મક સુધારા

નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીના રોજ તેમનું સતત 9મું રેકોર્ડબ્રેક બજેટ રજૂ કર્યું. તેમણે ભારતીય અર્થતંત્રમાં સુધારા લાવવા અને સામાન્ય જનતા માટે નાણાંના ખ્યાલને સરળ બનાવવા માટે અનેક પગલાંની જાહેરાત કરી હતી. ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી; રૂ. 12.75 લાખ સુધીની આવક કરમુક્ત રહે છે. કેન્સરની જીવનરક્ષક દવાઓ સસ્તી થવાથી, બાળકોના વિદેશી શિક્ષણ માટે મોકલવામાં આવતા ભંડોળ પરના ટેક્સમાં ઘટાડો અને આગામી પેઢી માટે ઉચ્ચ ગુણવત્તાવાળી રોજગારી સર્જનના ઉદ્દેશ્ય સાથે રૂ. 12.2 લાખ કરોડના જંગી મૂડી ખર્ચ દ્વારા નોંધપાત્ર રાહત મળી છે.

ભારતનું સંરક્ષણ બજેટ વધીને રૂ. 7.85 લાખ કરોડ થયું છે, જેમાં આધુનિકીકરણ માટે ભંડોળમાં 21.84%નો વધારો થયો છે. ‘ઓપરેશન સિંદૂર’ની ભાવના હેઠળ, મૂડી ખર્ચ રૂ. 2.19 લાખ કરોડ સુધી પહોંચ્યો છે, જેમાં એરક્રાફ્ટ અને એરોએન્જિનની ખરીદી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. વધેલી ફાળવણીનો અર્થ લશ્કરી સજ્જતા છે. કોઈ મોટી ધમાકેદાર જાહેરાતો કરવામાં આવી નથી. એકંદરે જોતાં, આ ક્ષેત્રવાર અને મુદ્દા-આધારિત પગલાં મધ્યમ ગાળામાં ભારતની વૃદ્ધિને વેગ આપવાનું લક્ષ્ય રાખે છે. ભૌગોલિક-આર્થિક અને ભૌગોલિક-રાજકીય અનિશ્ચિતતાઓને કારણે મોદી સરકારે સાવચેતીપૂર્વક આગળ વધવાનું પસંદ કર્યું છે.

બજેટ 2026માં ઉત્પાદન અને સેવા ક્ષેત્રો માટેની જાહેરાતો, તેમ જ ટેક્સટાઇલ અને ચામડા જેવા શ્રમ-સઘન ક્ષેત્રોને ટેકો આપવા માટે લક્ષિત જોગવાઈઓનો સમાવેશ થાય છે. ઉત્પાદનના સંદર્ભમાં, બજેટમાં સાત સુવ્યાખ્યાયિત ક્ષેત્રોમાં પગલાં સામેલ છે: બાયોફાર્મા, સેમિકન્ડક્ટર્સ, ઇલેક્ટ્રોનિક્સ, રેર અર્થ (દુર્લભ પૃથ્વી તત્ત્વો), રસાયણો, મૂડીગત વસ્તુઓ અને કાપડ. સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ એ એવા કેટલાક ક્ષેત્રો છે જેમને સરકારની વર્તમાન પ્રોડક્ટિવિટી લિંક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઈ) યોજનાઓથી ફાયદો થયો છે. આ એવા ક્ષેત્રો છે જ્યાં ભારતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનવાની જરૂર છે.

‘બાયોફાર્મા શક્તિ’ યોજનાનો ઉદ્દેશ્ય ભારતને આગામી પાંચ વર્ષમાં ₹10,000 કરોડની ફાળવણી સાથે એક વૈશ્વિક બાયોફાર્મા મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનો છે. ફાર્માસ્યુટિકલ્સ, જે ક્ષેત્રમાં ભારત પહેલેથી જ સારું પ્રદર્શન કરી રહ્યું છે, તેને યુએસના 50% ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે. વર્તમાન ટેરિફથી પ્રભાવિત ક્ષેત્રોને ટેકો આપવો પણ મહત્ત્વપૂર્ણ છે. ગયા બજેટમાં જાહેર કરાયેલ નેશનલ એક્સપોર્ટ પ્રમોશન મિશન નાણાકીય વર્ષના નવ મહિના વીતી ગયા બાદ, ડિસેમ્બર 2025 સુધીમાં જ અમલમાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે, ટેક્સટાઇલ ક્ષેત્ર માટે આ બજેટના સંકલિત કાર્યક્રમમાં સમાન વિલંબ ન થાય.

સાથે જ, ‘ચેમ્પિયન એમએસએમઈ’ બનાવવા માટેના વિવિધ પગલાં, તેમને ઇક્વિટી, તરલતા અને વ્યાવસાયિક ટેકો પૂરો પાડવા માટેના અમલીકરણમાં ઝડપ લાવવી આવશ્યક છે. એમએસએમઈ ભારતીય નિકાસમાં 48.6% હિસ્સો ધરાવે છે અને ઈયુ એફટીએ (યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર), ભલે તેને લાગુ કરી દેવામાં આવે તો પણ, યુએસ ટેરિફને કારણે થઈ રહેલા નુકસાનને સરભર કરવા માટે પૂરતી ઝડપથી અસરકારક સાબિત થશે નહીં. સેવા ક્ષેત્રને પણ બજેટ 2026થી ફાયદો થવાની અપેક્ષા છે. નાણામંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલી ઉચ્ચ-સ્તરીય ‘એજ્યુકેશન ટુ એમ્પ્લોયમેન્ટ એન્ડ એન્ટરપ્રાઇઝ’ સ્ટેન્ડિંગ કમિટી ટૂંક સમયમાં કાર્યરત થવી જોઈએ.

હેલ્થકેર અને મેડિકલ ટૂરિઝમ પર ધ્યાન કેન્દ્રિત કરવું, જ્યાં ભારત પહેલેથી જ શક્તિ વિકસાવી રહ્યું છે, તે એક સારી શરૂઆત છે. બજેટના બહુપક્ષીય અભિગમને અનુરૂપ, કેન્દ્રએ આ વર્ષે ચૂંટણીવાળા રાજ્યોને અનેક નાની જાહેરાતો દ્વારા ફાયદો પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે — જેમ કે ઓડિશા, કેરળ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુને લાભ આપવા માટે સમર્પિત ‘રેર અર્થ કોરિડોર’, કેરળ માટે નાળિયેર પ્રોત્સાહન યોજના, પશ્ચિમ બંગાળ માટે સંકલિત પૂર્વ કિનારા ઔદ્યોગિક કોરિડોર, અને ઓડિશામાં શરૂ થનારા નવા રાષ્ટ્રીય જળમાર્ગો પૈકીનો પ્રથમ જળમાર્ગ. કેન્દ્રની નાણાકીય સ્થિતિ વિશે વાત કરીએ તો બજેટ 2026 ખર્ચ પ્રત્યેનો ઉત્સાહ અને આવક પ્રત્યેના સંયમનું મિશ્રણ પ્રદાન કરે છે. ખાસ કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે મૂડી ખર્ચમાં વધારો ચાલુ રાખવામાં આવ્યો છે, કદાચ એવા અહેસાસને પ્રતિસાદ રૂપે કે વર્તમાન પરિસ્થિતિઓ ખાનગી રોકાણને પ્રોત્સાહિત કરતી નથી.

મહેસૂલના મોરચે, કેન્દ્રએ વ્યક્તિઓ અથવા કોર્પોરેશનો માટે કોઈ મોટા ટેક્સ કાપની જાહેરાત કરી નથી. ૨૦૧૯ અને ૨૦૨૫માં અનુક્રમે, કોર્પોરેશનો અને વ્યક્તિઓને નોંધપાત્ર ટેક્સ રાહત મળી હતી. વધુ જાહેરાતો કરવાથી કેન્દ્રીય નાણાં પર બિનજરૂરી દબાણ આવ્યું હોત એવા સમયે જ્યારે તેની ખર્ચની પ્રતિબદ્ધતાઓ—જાણીતી અને અપેક્ષિત—નોંધપાત્ર છે. જોકે, જ્યારે પ્રત્યક્ષ વેરામાં મોટા ભાગે પ્રક્રિયાગત સુધારાઓ કરવામાં આવ્યા છે, ત્યારે બજેટમાં મરીન (દરિયાઈ), ચામડા અને ટેક્સટાઇલ ઉત્પાદનોની નિકાસને પ્રોત્સાહન આપવા અને ભારતના ઊર્જા સંક્રમણને વેગ આપવા માટે પરોક્ષ વેરામાં શ્રેણીબદ્ધ રાહતો રજૂ કરવામાં આવી છે.

એકંદરે જોતાં, કેન્દ્રની રાજકોષીય ખાધ ૨૦૨૬-૨૭માં જીડીપીના ૪.૩% રહેવાનો અંદાજ છે, જે ૨૦૨૫-૨૬ માટે અંદાજિત ૪.૪% કરતાં ઓછી છે. કોવિડ-૧૯ મહામારી પછી કેન્દ્રનો રાજકોષીય એકત્રીકરણનો માર્ગ પ્રશંસનીય રહ્યો છે. સમગ્ર રીતે જોતાં, બજેટ ૨૦૨૬ એવા લોકોને નિરાશ કરી શકે છે જેઓ મોટા પાયે ટેક્સ રાહત અથવા સબસિડીની અપેક્ષા રાખતા હતા, પરંતુ આમ છતાં તે એક ભરોસેમંદ અને પ્રશંસનીય પ્રયાસ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top