સપ્તાહના પહેલાં દિવસે સોમવારે આજે વૈશ્વિક કમજોર સંકેતોના લીધે શેરબજાર લાલ નિશાન પર ખૂલ્યું હતું. 30 શેર્સ ધરાવતું સેન્સેક્સ દિવસની શરૂઆતમાં 181.51 તૂટીને 58856 અંક પર ખુલ્યું હતું. નાની મોટી તમામ સ્ક્રીપ્ટ લાલ નિશાન બતાવતી હતી. બપોરે 2.15 વાગ્યા સુધીમાં 1977.55 પોઈન્ટ તૂટીને 57,037.47 પોઈન્ટ પર કારોબાર કરી રહ્યું હતું. જે 3.33 ટકાનો ઘટાડો સૂચવે છે. BSEની પાછળ પાછળ નિફટી પણ નિફ્ટી 501 અંક ઘટી 17,115 પર કારોબાર કરી રહ્યો છે.
ભારતીય શેર બજારમાં આજે ભારે ઘટાડો નોંધાયો છે. જેના કારણે રોકાણકારોના 6 કરોડ ડૂબ્યા છે. IPO બાદ લિસ્ટેડ નવી કંપનીઓના શેરમાં ઘટાડો અટકવાનું નામ નથી લઈ રહ્યો. માત્ર Paytm જ નહીં પરંતુ Zomato, Nykaa અને PolicyBazaar જેવી કંપનીઓના શેરમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. શુક્રવારે માર્કેટ કેપ 270 લાખ કરોડ રૂપિયા હતી જે આજે ઘટીને 264 લાખ કરોડ રૂપિયા થઈ છે. ઝોમેટો 19 ટકા તૂટીને 92 રૂપિયા, PAYTM 6 ટકા તૂટી 903 અને નાયકા 12 ટકા તૂટી 1750 રૂપિયા પર ચાલી રહ્યો છે.
નાયકા, ઝોમેટો અને PAYTM જેવી કંપનીઓના શેર્સ ખૂબ મોટા પ્રમાણમાં ધોવાયા છે. આજે મોટા ભાગના શેર્સ ડાઉન થયા હતા. બજારમાં ભાગ્યે જ કોઈ સ્ક્રીપ્ટ ગ્રીન ઝોનમાં દેખાતી હતી. મારુતિ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેંક, ભારતી એરટેલ, ઈન્ડસઈન્ડ બેંક, સ્ટેટ બેંક, પાવરગ્રીડ, એનટીપીસી, સન ફાર્મા જેવા શેરો શરૂઆતના વેપારમાં સેન્સેક્સમાં લીલા નિશાન પર હતા, એશિયન પેઇન્ટ્સ, ટેક મહિન્દ્રા, વિપ્રો, ઈન્ફોસીસ, ડૉ. રેડ્ડી. , HCLTech લાલ નિશાન જોવા મળ્યા હતા
ઝોમેટોના શેર્સની કિંમત અડધી થઈ ગઈ
Zomatoના શેરના ભાવ છેલ્લા અઠવાડિયાથી સતત ઘટી રહ્યા છે. ગયા અઠવાડિયે તેની કિંમતમાં લગભગ 30 ટકાનો ઘટાડો થયો હતો. આજે 19 ટકાના ઘટાડા પછી, આ સ્ટોક પ્રથમ વખત 100 રૂપિયા સુધી નીચે આવ્યો હતો. શેરબજારમાં આ ખરાબ પ્રદર્શનને કારણે કંપનીના એમકેપને ઘણું નુકસાન થયું છે. ગયા અઠવાડિયે, કંપનીનો એમકેપ પ્રથમ વખત રૂ. 1 લાખ કરોડની નીચે આવ્યો હતો. આજના ઘટાડાએ એમકેપ રૂ. 80,000 કરોડની નીચે લાવી દીધો છે.
આ કંપનીના શેરમાં 45 ટકા સુધીનો ઘટાડો થયો
તાજેતરમાં જ ઓપન માર્કેટમાં પ્રવેશેલી અન્ય સ્ટાર્ટઅપ કંપની નાયકાના શેર સોમવારે 9 ટકા ઘટીને રૂ. 1,817ની આસપાસ રહ્યા હતા. Nykaa નો સ્ટોક નવેમ્બર 2021 થી લગભગ 30 ટકા ઘટ્યો છે.પોલિસી બજાર અને પૈસા બજારની મૂળ કંપની પીબી ફિનટેકની હાલત પણ ખરાબ છે. સોમવારે આ સ્ટોક લગભગ 5 ટકા તૂટ્યો હતો. આ રીતે પીબી ફિનટેકનો સ્ટોક તેની ઊંચાઈથી 45 ટકા તૂટ્યો છે.
આ સ્ટાર્ટઅપ કંપનીઓ પણ ખરાબ હાલતમાં
નવી લિસ્ટેડ કંપનીઓમાં સૌથી ખરાબ હાલત Paytmની છે. સોમવારના ટ્રેડિંગમાં, પેટીએમનો સ્ટોક પ્રથમ વખત રૂ. 910થી નીચે ગયો, લગભગ 5 ટકા નીચે. તાજેતરની સ્ટોક માર્કેટ કંપનીઓ રેટગેઈન ટ્રાવેલ ટેક્નોલોજીસ, લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સ, સોના કોમસ્ટાર MayMyIndia, Sapphire Foods India, Rolex Rings, GR Infraprojects, Metro Brands વગેરેના સ્ટોકમાં પણ 5 થી 9 ટકાનો ઘટાડો થયો છે.
શેરબજારમાં ઘટાડા પાછળ આ કારણોને જવાબદાર માનવામાં આવી રહ્યાં છે
- સેન્સેક્સમાં ઘટાડાનું સૌથી મોટું કારણ વિદેશી રોકાણકારો (FII) છે. વિદેશી રોકાણકારો સતત પોતાના શેર્સ વેચી બજારમાંથી બહાર નીકળી રહ્યાં છે. ગયા ગુરુવારે વિદેશી રોકાણકારોએ બજારમાં 4679.84 કરોડના શેર્સ વેચી દીધા હતા. વિદેશી રોકાણકારો આગામી બજેટ અંગે થોડા સતર્ક હોવાનું જોવા મળી રહ્યું છે.
- વિદેશી રોકાણકારો દ્વારા પૈસા ઉપાડી લેવાના લીધે રૂપિયો નબળો પડી રહ્યો છે. 15 દિવસમાં ભારતીય રૂપિયો 74ના સ્તરથી ઘટી 74.50 પ્રતિ ડોલરના સ્તરે આવી ગયો છે.
- એશિયન પેઈન્ટ્સ, સીઈટી જેવી કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા કોર્પોરેટ પરિણામો બજારની આશા અનુસાર આવ્યા નથી.
- વૈશ્વિક મુદ્રાસ્થિતિના લીધે રોકાણકારોની ચિંતા વધી છે. ક્રુડની વધતી કિંમતો નજીકના દિવસોમાં 100 ડોલર પહોંચે તેવો ડર છે. તેથી મોટા ભાગના દેશોમાં મોંઘવારી વધી શકે છે.
- યુક્રેનના મુદ્દે યુએસ અને રશિયા વચ્ચે વાગી રહેલાં યુદ્ધના ભણકારાને પણ એક કારણ માનવામાં આવી રહ્યું છે.
રોકાણકારોના રૂપિયા 10 લાખ કરોડ ડૂબી ગયા હોવાનો અંદાજ
છેલ્લાં 5 દિવસથી શેરબજાર સતત તૂટી રહ્યું છે. જેના લીધે રોકાણકારોએ 10 લાખ કરોડથી વધુ ગુમાવવાની નોબત આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આજે સોમવારે એક દિવસમાં જ રોકાણકારોના રૂપિયા 6 લાખ કરોડથી વધુ રકમ ડૂબી ગઈ હોવાની ચર્ચા છે.