સુરત (Surat) : અમરોલી (Amroli) આવાસમાં બે સગાભાઈની નિર્મમ હત્યા (Two Brothers Murder) કરી દેવાઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગરબા રમવા માટે વાહનો હટાવવા બાબતે ઝઘડો થતા બે સગા ભાઈઓને રહેંસી નાંખવામાં આવ્યા હોવાની વિગતો જાણવા મળી છે. હત્યાની જાણ થતા અમરોલી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરુ કરી છે. પોલીસે બે સગા ભાઈઓના મર્ડર કેસમાં ત્રણ આરોપીઓની અટકાયત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.
બે દીકરા ગુમાવનાર પિતા સુખલાલ પીપળેએ જણાવ્યું હતું કે, મહોલ્લામાં ગરબા રમાઈ રહ્યાં હતાં. રસ્તા પર બાઈક પડી હતી. એ હટાવવા માટે કહેવામાં આવતા બાજુના આવાસના ટપોરીઓએ ઝઘડો કર્યો હતો. જોકે, આખો મહોલ્લો ભેગો થઈ જતા સમાધાન થયું હતું અને ટપોરીઓ જતા રહ્યાં હતાં. ગરબા પુરા થયા બાદ રાત્રે 12 વાગ્યા આસપાસ ટપોરીઓ ગરબા પાછા આવ્યા હતા અને મારા નાના દીકરાને બોલાવી ચપ્પુના ઘા મારી દીધા હતાં. ભાઈને બચાવવા દોડેલા મોટા દીકરાને પણ પેટમાં ચપ્પુ મારી દેતા બંન્ને સ્થળ પર જ મોતને ભેટ્યા હતા.
વધુમાં કહ્યું હતું કે પહેલો હુમલો ઓટલા પર બેસેલા પ્રવીણ પર કરાયો હતો. જેને બચાવવા જતા મોટા દીકરા રાહુલ ને પણ ઘા મરાયા હતા. બન્નેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. રાહુલ મોટો દીકરો હતો અને પરિણીત હતો. બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. એક બાળકનો પિતા હતો અને મોચી કામ કરી પરિવાર ને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. જ્યારે પ્રવીણ નાનો હતો અને હીરામાં કામ કરતો હતો.
વધુમાં જણાવ્યું હતું કે તેઓ મહારાષ્ટ્ર ના વતની છે. મોચી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. હુમલાખોરો બાજુના જ આવાસમાં રહે છે અને ટપોરી છે. નશામાં જ ફરતા હોય છે. જાહેરમાં બન્ને દીકરાઓની હત્યા બાદ બિનદાસ્ત ચાલતા ચાલતા ભાગી ગયા હતા. આખા મહોલ્લામાં ભયનો માહોલ ઉભો કરતા ગયા છે. હાલ પોલીસે ત્રણેયને પકડી પાડ્યા છે. જેમાં બે ભાઈઓ હોવાનું જાણવા મળ્યું છે.