વ્યારા: વાલોડના (Valod) વેડછી (Vedchhi) ગામે નદી ફળીયામાંથી પસાર થતી વાલ્મિકી નદીના કિનારે સ્શાન ગૃહ પાસેથી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. આ મહિલાની લાશને લઈને ચોંકાવનારી બાબત સામે આવી છે. આ મહિલાની હત્યા (Murder) કરીને પુરાવા નાશ કરવા લાશને નદીમાં (River) ફેંકી દીધી હતી. એટલું જ નહીં, આ હત્યા બીજા કોઈ નહીં પરંતુ તેના સગા ભાઈએ જ કરી હોવાનું સામે આવ્યું છે. પિતાની મિલકત પર કબ્જો કરવાં સગા ભાઇએ જ બહેનની હત્યા કરી નાંખી હતી. ભાઈએ નાયલોનની દોરીથી ગળું દબાવી બહેન હત્યા કરી હતી. ગણતરીનાં કલાકોમાં જ પોલીસે હત્યારાને દબોચી સળિયા પાછળ ધકેલી દીધો છે. જમીનની અદાવતમાં પોતાની સગી બહેનની હત્યા કરી નદીનાં પાણીમાં ફેંકી દેવાની ચકચારી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર ફેલાઇ છે.
- ગળું દબાવી હત્યા કરી લાશ વાલ્મિકી નદીમાં ફેંકી દીધી હતી
- હત્યા કરી પુરાવા નાશ કર્યા
- પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાને ઝડપી પાડ્યો
વેડછી ગામે નદી ફળિયામાં રહેતી વિધવા મહિલા પાર્વતીબેન બલ્લુભાઇ રાઠોડ (ઉ.વ.૪૮) અને દિનેશ ભાણાભાઇ રાઠોડ (ઉ.વ.૪૧) બન્ને સગા ભાઇ- બહેન વચ્ચે તેઓના પિતાજીની જમીન તથા ઘરની વારસાઇ બાબતે વિવાદ ચાલતો હતો. જેની અદાવત રાખી તા.૨૫/૦૭/૨૦૨૨ના રોજ બપોરે ૧૨:૩૦ વાગ્યાનાં અરસામાં પાર્વતીબેન કપડા ધોવા વેડછી નદી ફળીયાના શ્મશાન પાસે હેડપંપ ઉપર ગયા હતાં, ત્યારે દિનેશ રાઠોડે પાછળથી આવી પોતાની બહેન પાર્વતીના ગળામાં નાયલોનની દોરી વડે ટુપો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આટલું ઓછું હોય તેમ અત્યંત ક્રુર રીતે હેડપંપથી સ્મશાન તથા નદીના કિનારા સુધી ઘસડી લઇ જઇ પાર્વતી બેનની હત્યાના પુરાવાને નાશ કરવા પોતાની બહેનની લાશને વાલ્મિકી નદીના પાણીમાં નાંખી દીધી હતી. આ હત્યા અંગેની વાલોડ તાલુકાના વેડછી ગામે નદી ફળિયાનાં જયેશભાઇ બલ્લુભાઇ રાઠોડ (ઉ.વ.૩૦)ને જાણ થતાં તેઓએ વાલોડ પોલીસ મથકે આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. જેનાં પગલે પોલીસે હત્યારા દિનેશ ભાણાભાઈ રાઠોડ વિરુદ્ધ હત્યા અંગેનો ગુન્હો નોંધી તેની ધરપકડ કરી વધુમાં કાર્યવાહી હાથ ધરી છે.
બારડોલીના ખેરરમાં જીવંત વીજ તાર અડીં જતાં બે મહિલાના મોત
બારડોલી : બારડોલીમાં ખેતરાડી વિસ્તારમાં સીતાડોરીના ફૂલ તોડવા અને આરમ શોધવા ગયેલી બે મહિલા ખેતરમાં પડેલા જીવંત વીજતારના સંપર્કમાં આવતા બંને મહિલાનું કરંટ લાગવાથી ઘટના સ્થળે જ મોત થયું હતું.
આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલીના માતા ફળિયામાં રહેતા મંજુબેન ભિખાભાઈ રાઠોડ (ઉ.વર્ષ 58) અને લલિતાબેન ચીમનભાઈ રાઠોડ (ઉ.વર્ષ 56) રવિવારે સવારે 11 વાગ્યે સીતાડોરીના ફૂલ તોડવા તેમજ આરમ (એક જાતનું મશરૂમ) તોડવા માટે ખેતરાડી વિસ્તારમાં ગયા હતા. મોડી રાત સુધી તેઓ ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. દરમ્યાન બંને મહિલાઓ RTO ભરવાડ વસાહતની પાછળ આવેલા ભૂતમામા મંદિર નજીક શેરડીના ખેતરના શેઢા પર મૃત હાલતમાં મળી આવી હતી. ખેતરમાં વીજપોલ તૂટીને નીચે પડ્યા હતા. જેના જીવંત વીજતારના સંપર્કમાં આવતા વીજકરંટથી બંનેના મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ બારડોલી ટાઉન પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે પોસ્ટમોર્ટમ બાદ બંને મહિલાના મૃતદેહો પરિવારજનોને સોંપ્યા હતા. એક ફળિયાની બે મહિલાના મોત થવાથી વિસ્તારમાં શોકની લહેર વ્યાપી ગઈ હતી.