Charchapatra

કમ્મરતોડ ભાવવધારો

દેશનાં પાંચ રાજ્યોની ગત ચૂંટણીના પરિણામ બાદ દેશમાં સતત દરરોજ પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો થઇ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ માત્ર લોકોના વાહન વ્યવહારમાં જ નથી વપરાતા પરંતુ દેશનો બહુધા વ્યાપાર પણ પેટ્રોલિયમ પેદાશો પર જ આધારિત છે. રોજબરોજની જીવનજરૂરી ચીજવસ્તુઓનું પરિવહન કરવામાં પણ પેટ્રોલિયમ પેદાશો જ કામ લાગે છે. એટલે પેટ્રોલ-ડીઝલના ભાવવધારાને કારણે શરૂ થતું દૂષણ સરવાળે તમામ ચીજવસ્તુઓના ભાવવધારા માટે કારણભૂત બને છે. ખેતીવાડીમાં રોજિંદી ડીઝલની જ જરૂર પડે છે. એવામાં ડીઝલમાં થતો ભાવવધારો ખેડૂતોની ખેતપેદાશોના ઉત્પાદનખર્ચમાં વધારા માટે કારણ બને છે. પેટ્રોલ ડીઝલના રોજેરોજ ભાવવધારાના સમાચાર અખબારના પહેલા જ પાને વાંચવા મળે છે. એવા તે કયા કારણ છે કે ઓઇલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલમાં દરરોજ ભાવવધારો કરવો જ પડે છે?

પેટ્રોલ ડીઝલના સતત ભાવવધારાને કારણે દૂધમાં પણ લીટરે રૂા. બે નો વધારો ઝીંકાયો. દૂધ બાદ રાંધણ ગેસના સિલિન્ડરમાં પણ 25-50 રૂપિયાનો વધારો ઝીંકાયો. છેલ્લા છ મહિનામાં પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસના ભાવ જે બેફામ રીતે વધી રહયા છે એનાથી પ્રજાની કમ્મર ભાંગી ગઇ છે. પરંતુ મોદી સરકાર એ તરફ સાવ બેધ્યાન છે. કોરોનાને કારણે છેલ્લા દોઢ વર્ષથી પ્રજા ભારે હાલાકી ભોગવી રહી છે. લોકોના વેપાર ધંધા બંધ હોવાને કારણે આર્થિક મુસીબતો પાર વિનાની છે તેવામાં આ ભાવવધારો પડતાને માથે પાટુ સમાન છે. મોદી સરકાર હવે પ્રજાને મુશ્કેલી હાલાકી સમજે અને તાત્કાલિક અસરથી પેટ્રોલિયમ પેદાશોનો ભાવવધારો પાછો ખેંચે તેમ જ રાંધણ ગેસ અને તાજેતરમાં જ થયેલા એલપીજી ગેસનો ભાવવધારો પણ પરત ખેંચી પ્રજાને રાહત આપે એવી અપેક્ષા સૌ રાખી રહ્યા છે. જો ભાવવધારો તાકીદે પરત ખેંચવામાં ન આવે તો પ્રજાનું જીવવું દોહ્યલું બની જશે.

તલિયારા – હિતેશ એસ. દેસાઇ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top