સુપ્રિમ કોર્ટના જજે એક વખત સીબીઆઈને કેન્દ્ર સરકારના પાળેલા પોપટની ઉપમા આપી હતી. પોપટ તો નિરુપદ્રવી હોય છે. તે માલિકની માત્ર બોલીને નકલ કરે છે. સીબીઆઈ, આઈટી અને ઇડી જેવી એજન્સીઓ હવે સરકારે પાળેલા શિકારી કૂતરાંની ભૂમિકા ભજવી રહી છે. સરકારના એક ઇશારા પર તેઓ ભાજપના રાજકીય વિરોધીઓ પર તૂટી પડે છે અને તેમને ખેદાનમેદાન કરી નાખે છે. કેન્દ્ર સરકાર હસ્તકની એજન્સીઓ દ્વારા જેટલા રાજનેતાઓ પર દરોડાઓ પાડવામાં આવે છે, તેમાંના કોઈ દૂધે ધોયેલા નથી હોતા.
ભ્રષ્ટાચાર તો દેશના દરેક રાજકારણીઓ કરતા હોય છે અને તેના પુરાવાઓ પણ છોડી જતા હોય છે. આઈબી જેવી કેન્દ્રીય સંસ્થા દેશના દરેક તાકાતવાન રાજકારણી પર નજર રાખે છે, જેમાં શાસક પક્ષના નેતાઓનો પણ સમાવેશ થઈ જતો હોય છે. આ રાજકારણીઓ દ્વારા આચરવામાં આવતાં ભ્રષ્ટાચારના અને વ્યભિચારના પુરાવાઓ જાસૂસી સંસ્થાઓ એકઠા કર્યા જ કરતી હોય છે. જ્યારે જરૂર પડે ત્યારે તેમના પર દરોડા પાડવામાં આવે છે અને તેમના ભ્રષ્ટાચારની મસાલેદાર વાતો મીડિયામાં વહેતી કરવામાં આવે છે.
સીબીઆઈ, આઈટી અને ઇડી દ્વારા ક્યારેય ભાજપના કે તેના સાથી પક્ષોના નેતાઓ પર દરોડાઓ પાડવામાં આવ્યા હોય, તેવું સાંભળ્યું નથી. મહારાષ્ટ્રના એકનાથ ખડસે જેવા ભાજપના નેતા જ્યારે મોવડીમંડળના આદેશથી વિરુદ્ધ વર્તન કરવા લાગ્યા ત્યારે તેમની પર દરોડા પાડવામાં આવ્યા હતા અને તેમની રાજકીય કારકિર્દી ખતમ કરવામાં આવી હતી. શિવસેનામાં જે રાજકીય તોફાન ચાલુ થયું છે, તેના મૂળમાં પણ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલો એજન્સીઓનો ખૂબીપૂર્વકનો ઉપયોગ છે. મહાવિકાસ અઘાડીના અનેક નેતાઓ પર ભ્રષ્ટાચારના કેસો કરવામાં આવ્યા હતા, પણ એકનાથ શિંદે જેવા કેટલાક નેતાઓને તેમાંથી ઇરાદાપૂર્વક બાકાત રાખવામાં આવ્યા હતા, કારણ કે તેઓ ભાજપના નેતાઓ સાથે ઉષ્માભર્યા સંબંધો ધરાવતા હતા.
મહાવિકાસ અઘાડીની સરકારમાં ભંગાણ પાડવા માટે ભાજપ દ્વારા બેપાંખિયા વ્યૂહરચના અંગીકાર કરવામાં આવી હતી. તેના નેતાઓ દ્વારા કેટલાક નેતાઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા તો કેટલાક નેતાઓને બચાવી લેવામાં આવ્યા હતા. જે નેતાઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા તેમના પર સેન્ટ્રલ એજન્સીઓ દ્વારા દરોડાઓ પાડીને તેમને ભયભીત કરવામાં આવ્યા હતા. તેને કારણે તેમણે ભાજપ સાથે ગઠબંધન કરવાની હિમાયત કરવા માંડી હતી. તેનું આદર્શ ઉદાહરણ શિવસેનાના કદાવર નેતા પ્રતાપ સરનાઈક છે. તેમની કંપની પર સિક્યુરિટી કૌભાંડના સંદર્ભમાં દરોડાઓ પાડવામાં આવ્યા હતા અને તેમની કેટલીક મિલકત પર ટાંચ પણ મારવામાં આવી હતી.
તરત તેમણે ઉદ્ધવ ઠાકરે સમક્ષ માગણી કરી હતી કે શિવસેનાએ ભાજપ સાથે યુતિ કરવી જોઈએ. બીજું ઉદાહરણ શહેરી વિકાસ ખાતાના પ્રધાન એકનાથ શિંદે છે. તેમના ખાતામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવા છતાં ભાજપે તેમની તરફ આંખ આડા કાન કર્યા હતા અને તેમના ભ્રષ્ટાચારમાં મૂક સંમતિ પણ આપી હતી. તેને કારણે તેમને ભાજપ માટે કૂણી લાગણી પેદા થઈ હતી. શિવસેનાના જેટલા પણ વિધાનસભ્યો પર ભ્રષ્ટાચારના કેસ થવાની સંભાવના હતી, તેઓ ભયભીત હતા. તેઓને એકનાથ શિંદે દ્વારા સંદેશો મોકલવામાં આવ્યો હતો કે જો તેઓ શિવસેના સાથે રહેશે તો તેમના પર દરોડાઓ પડ્યા વિના રહેશે નહીં. આ ભયભીત થયેલા વિધાનસભ્યો સમક્ષ એકનાથ શિંદેનો સાથ આપવા સિવાય કોઈ વિકલ્પ જ બચ્યો નહોતો.
શિવસેનામાં બગાવત કરવા માટે એકનાથ શિંદે હિન્દુત્વનું કારણ આપે છે. તેમનું કહેવું છે કે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ જેવા મુસ્લિમતરફી પક્ષો સાથે ગઠબંધન કરીને ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાની હિન્દુ મતબેન્ક ગુમાવી છે. જો તેણે આ મતબેન્ક સાચવી રાખવી હોય તો તેણે ભાજપ સાથે ગઠબંધન કરવું જોઈએ. આ વાતમાં આંશિક સત્ય જ છે. જો એકનાથ શિંદેને હિન્દુત્વ એટલું બધું વહાલું હતું તો તેમણે અઢી વર્ષ પહેલાં જ મહાવિકાસ અઘાડીની સરકાર બની ત્યારે બળવો કરવો જોઈતો હતો. તેને બદલે અત્યારે બળવો કરવાનું કારણ એ છે કે તેમને પણ એજન્સીઓનો ડર છે. તેમણે શિવસેનાના અસંતુષ્ટ વિધાનસભ્યોને ડર બતાડ્યો હતો કે જો તેઓ મહાવિકાસ અઘાડીની સરકારને ટેકો આપવાનું ચાલુ રાખશે તો તેમના પર પણ દરોડા પાડવામાં આવશે. જો તેઓ ભાજપને સમર્થન આપશે તો તેમને અભયવચન આપવામાં આવશે. દરરોજ નાનો મોટો ભ્રષ્ટાચાર આચરનારા વિધાનસભ્યો ભયભીત થઈ ગયા હતા અને શિંદેની છાવણીમાં જોડાઈ
ગયા હતા.
૧૯૬૬ માં સ્થપાયેલા શિવસેના પક્ષમાં વારંવાર બળવાઓ થવાનું સૌથી મોટું કારણ એ છે કે પક્ષમાં આંતરિક લોકશાહીનો અભાવ છે. શિવસેનાનું સંચાલન ઠાકરે પરિવારની જાગીર તરીકે કરવામાં આવે છે. ઠાકરે પરિવારના પડછાયામાં કોઈ નેતાનો વિકાસ થઈ શકતો નથી. તેણે આખી જિંદગી ઠાકરે પરિવારના પડછાયા તરીકે જ કામ કરવું પડે છે. શિવસેનામાં પહેલું મોટું ભંગાણ ૧૯૯૧ માં પડ્યું હતું, જ્યારે બાળ ઠાકરેના અત્યંત વિશ્વાસુ મનાતા છગન ભુજબળે રાજીનામું આપ્યું હતું. બાળ ઠાકરેએ તેમને મુંબઈના મેયર પણ બનાવ્યા હતા. છગન ભુજબળ ઓબીસી નેતા હતા ત્યારે દેશભરમાં મંડલ પંચની ચર્ચા ચાલી રહી હતી. છગન ભુજબળને લાગ્યું કે તેઓ પછાત જાતિના હોવાથી પક્ષમાં તેમની ઉપેક્ષા થઈ રહી છે ત્યારે તેમણે રાજીનામું આપ્યું હતું. શિવસૈનિકો તેમનો બળવો સહન કરી શક્યા નહોતા. તેમણે છગન ભુજબળના બંગલામાં તોડફોડ કરી હતી.
છગન ભુજબળના કિસ્સા પછી શિવસેનામાં બીજું ભંગાણ ૨૦૦૫ માં પડ્યું હતું, જ્યારે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નારાયણ રાણેએ રાજીનામું આપ્યું હતું. નારાયણ રાણેની પણ ફરિયાદ હતી કે પક્ષમાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં તેમને સામેલ કરવામાં આવતા નથી. નારાયણ રાણેએ શિવસેનામાંથી રાજીનામું આપ્યું તેના થોડા જ મહિનાઓ પછી બાળ ઠાકરેના ભત્રીજા અને તેમના રાજકીય વારસ મનાતા રાજ ઠાકરેએ પણ રાજીનામું આપ્યું હતું. તેમને ખ્યાલ આવ્યો કે બાળ ઠાકરે તેમના રાજકીય વારસ તરીકે ઉદ્ધવ ઠાકરેને તૈયાર કરી રહ્યા છે, ત્યારે તેમને પોતાનું રાજકીય ભવિષ્ય ધૂંધળું જણાતાં તેમણે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની રચના કરી હતી. રાજ ઠાકરે ફાયરબ્રાન્ડ નેતા હોવા છતાં શિવસેનામાંથી રાજીનામું આપ્યા પછી ખાસ કાંઈ ઉકાળી શક્યા નહોતા.
શિવસેનામાં અત્યારે જે ઉથલપાથલ ચાલી રહી છે, તેના મૂળમાં બે પેઢીઓ વચ્ચેનો સંઘર્ષ છે. શિવસેનાના જૂના નેતાઓ મધ્યમ વર્ગ અને શ્રમિક વર્ગમાંથી આવતા હતા, જેમણે જિંદગીમાં સંઘર્ષો કર્યા હતા અને સખત મહેનત કરીને પક્ષનો વિકાસ કર્યો હતો. હવે પક્ષનું નેતૃત્વ તેવા ગ્રાસરૂટના નેતાઓના હાથમાંથી ઝૂંટવાઈ ગયું છે અને યુવા બ્રિગેડના હાથમાં આવી ગયું છે, જેના નેતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે છે. આ નેતાઓએ ક્યારેય જિંદગીમાં સંઘર્ષ કર્યો નથી. તેઓ લક્ઝરી કારમાંથી ક્યારેય પગ બહાર મૂકતા નથી. તેઓ સરકારના દરેક કામમાં દખલ દઈ રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેના તેમના પર ચાર હાથ હોવાથી તેમની કોઈ ટીકા પણ કરી શકતું નથી. વર્તમાન બળવા પછી શિવસેનાનું રાજકીય અસ્તિત્વ જ ખતમ થઈ જવાનો ભય પેદા થયો છે.
-આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.