Entertainment

બોક્સ ઓફિસનો ચેસ ચેમ્પિયન : આમિર ખાન

હાલમાં જ આનંદ એલ રાયની ફિલ્મ જે ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ ઉપર બની રહી છે તેમાં ફાયનલ કાસ્ટિંગ થઇ ગયું છે અને આમિર ખાન વિશ્વનાથન આનંદની ભૂમિકા ભજવશે. આ ફિલ્મને મહાવીર જૈન પ્રોડ્યુસ કરવાના છે. આમિર ખાને તેમના ફેન્સને લાંબી રાહ જોવડાવ્યા બાદ હવે બોક્સ ઓફિસની ચેસ રમવા માટે ફરી મેદાનમાં આવી ગયો છે. લોકડાઉનમાં જ્યાં કલાકારો દર્શકો વચ્ચે વિઝિબલ રહેવા માટે જાતજાતના અખતરા કરતા હતા ત્યાં આમિર ખાને કોરોના કાળમાં જ સોશ્યલ મીડિયા હેન્ડલ જેવા કે ટ્વિટર સહીત અન્ય પ્લેટફોર્મને ટાટા બાય બાય કહી દીધું હતું કારણકે આમિર ખાન જાણે છે કે દર્શકો સોશ્યલ મીડિયા પ્લેટફોર્મને કારણે નહીં પણ સારી ફિલ્મથી સંકળાય છે.

આમિર ખાન ભલે શતરંજના ખેલાડી ફિલ્મી પરદે બની રહ્યા છે પણ બોક્સ ઓફિસના પણ તેઓ અસલી ખેલાડી રહ્યા છે કારણકે વર્ષમાં એક ડઝન ફિલ્મો આપવાને બદલે 3 વર્ષે એક સારી ફિલ્મ લઈને આમિર ખાન આવે છે અને નફો બનાવી લે છે. સબ્જેક્ટમાં પણ વેરાયટી હોય છે. થ્રિ ઈડિયટ્સ હોય કે પી.કે હોય આમિર ખાન દરેક નવી ફિલ્મમાં તમને સરપ્રાઈઝ આપે છે. આશુતોષ ગોવારિકરની ફિલ્મ ‘’લગાન’’ ની પટકથા પહેલીવાર તો આમિર ખાને રિજેક્ટ કરી હતી, ત્યાર બાદ આ ફિલ્મમાં તેણે કામ કર્યું અને ફિલ્મમાં આમિર ખાન સિવાય કોઈ મોટા સુપરસ્ટાર નહોતા, ગ્રેસી સિંહ પણ નવોદિત અભિનેત્રી હતી અને ટેલિવિઝનનો જાણીતો ચહેરો હતી ગ્રેસી ફિલ્મોનો પોપ્યુલર ફેસ નહોતી.

‘’લગાન’’ ને કારણે તે વધુ પોપ્યુલર થઇ ગઈ હતી. 20 વર્ષ પહેલા કચ્છના રણમાં ‘’લગાન’’ ના શૂટિંગ દરમ્યાન આખી ટીમને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે કારણકે ધરતીકંપ બાદ કચ્છની કાયાપલટ થઇ છે તે પહેલા કચ્છના અંતરિયાળ વિસ્તારમાં વીજળી કે પાણી કે ટેલિકોમ્યુનિકેશનની વ્યવસ્થા નહોતી, આખા યુનિટ સાથે ભેંકાર સ્થળે અફાટ રણમાં અંગારા વરસાવતી ગરમીમાં શૂટિંગ કરવું આખા પ્રોડક્શન યુનિટ અને આર્ટિસ્ટને પ્રોડ્યુસર ને ડિરેક્ટર માટે કપરા પડકાર હોય છે, છતાં આમિર ખાને પડકાર ઝીલી લઈ ‘’લગાન’’ જેવી ફિલ્મ આપી જે નાના બાળકો અબાલ વૃદ્ધ સહીત સૌને મનોરંજન આપતી હતી. આમિર ખાનની ફિલ્મ ‘’દંગલ’’ જ જોઈ લો.

એમાં પણ તેમણે અદભુત એક્સપેરિમેન્ટ કર્યા હતા, વજન વધારી દીધું અને ત્યાર બાદ ઘટાડી પણ નાખ્યું હતું. આમિર ખાનની ફિલ્મોમાં સ્પોર્ટ્સ હોય છે જેમકે ‘’જો જીતા વહી સિકંન્દર’’, ‘’લગાન’’, નિતેશ તિવારીની  ‘’દંગલ’’ જોઈ લો. સ્ટુડન્ટ અને વાલીઓ ને એજ્યુકેશન સિસ્ટમ ઉપર મનોરંજક શૈલીમાં પ્રહાર કરતી ફિલ્મ ‘’થ્રિ ઈડિયટ્સ’’ હતી. આમિર ખાનની બીજી એક ખાસ બાબત કે આજ કાલ ઘણા સુપરસ્ટાર કે પ્રોડ્યુસર સાઉથની ફિલ્મોના રાઇટ્સ લઈ ઈમિજિયેટ પ્રોફિટ મેળવવા માંગે છે પણ હિન્દી વર્ઝન પણ એટલા નબળા સ્તરનું હોય છે કે ફિલ્મો શરૂઆતના ત્રણ દિવસમાં  પણ વકરો બનાવી શકતી નથી. આમિર ખાને અત્યાર સુધી પ્રોડ્યુસર તરીકે એકપણ સાઉથની ફિલ્મોના રાઇટ્સ લીધા નથી કે સાઉથની ફિલ્મોના હિન્દી વર્ઝન બનાવી ફટાફટ નફો બનાવી લેવાની લાલચ રાખી નથી. આમિર ખાન નવા સબ્જેક્ટ ઉપર ફિલ્મ બનાવવા માંગે છે તે સાઉથના રીમેક વાળા સબ્જેક્ટ દર્શકોને પીરસવા માંગતો નથી.

આમિર ખાન પટકથામાં દખલગીરી કરતો રહે છે કારણકે તે ઓડિયન્સના પોઇન્ટ ઓફ વ્યૂહથી વિચારે છે અને જ્યાં સુધી તેને આત્મસંતોષ ના મળે ત્યાં સુધી તે પટકથા કે ફિલ્મના સિક્વન્સ કે સીન માટે પણ જલ્દી કન્વિન્સ થતો નથી, ક્વોલિટી વર્કમાં તે વિશ્વાસ રાખે છે. સારા એક્ટર અને રાઇટરની નિશાની છે કે પરફેક્શન તેમને પહેલા જોઈએ છે. બહુ ઓછાને ખબર છે કે આમિર ખાનની ફિલ્મ ‘’કયામત સે કયામત તક’’ અને ‘’ જો જીતા વહી સિકન્દર’’ માં તેણૅ કો રાઇટર તરીકે કામ કર્યું હતું અને સંવાદ પણ લખ્યા હતા. આમિર મૂળે રાઇટર છે અને જે રાઇટર હોય તે જલ્દી કન્વિન્સ થાય નહિ કારણકે ફિલ્મ બનાવવી એ ચણા મમરા બાબત નથી, ક્રિએટિવ ઇનપુટ, પ્રોડક્શન ક્વોલિટી, સિનેમેટ્રોગ્રાફી, બજેટ, સારા ટેક્નિશ્યન અને સારા આર્ટિસ્ટનું સંયોજન છે.

Most Popular

To Top