નડિયાદ : ગળતેશ્વર તાલુકાના સેવાલિયાના મુખ્ય માર્ગો પર સર્જાતી ટ્રાફિકજામની સમસ્યાના નિવારણ તેમજ શહેરના વિકાસ માટે આજરોજ તંત્ર દ્વારા મુખ્ય માર્ગોની બંને સાઈડે ઉભા કરાયેલા ૨૫૦ કરતાં વધુ દબાણો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.
ગળતેશ્વર તાલુકાના સેવાલિયાના મુખ્ય માર્ગો પર છેલ્લાં ઘણાં સમયથી ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની હતી. ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે મુખ્ય રસ્તાની બંને બાજુએ માર્ગ અને મકાન વિભાગની જગ્યા ઉપર ઉભી કરાયેલી ૨૫૦ કરતાં વધુ દુકાનો દુર કરી રસ્તો પહોળો કરવાનો એકમાત્ર વિકલ્પ હતો.
જેને લઈ માર્ગ અને મકાન વિભાગે ત્રણેક વર્ષ અગાઉ દબાણ હટાવવાના વિકલ્પ પર મંજુરીની મહોર મારી વેપારીઓને દુકાનો ખાલી કરવા નોટીસ પાઠવી હતી. જો કે રસ્તાની બંને સાઈડેથી દબાણ દુર કરવાથી ગામના અનેક વેપારીઓ બેરોજગાર બને તેમ હોઈ સ્થાનિક રાજકારણીઓએ આ દબાણ દુર ન કરવા માટે ઉચ્ચકક્ષાએ રજુઆતો કરી હતી.
જેને લઈ છેલ્લાં ત્રણેક વર્ષથી દબાણ દુર કરવાની કામગીરી ખોરંભે પડી હતી. જો કે આ મુદ્દે સ્થાનિક રાજકારણીઓ, વેપારીઓ અને તંત્ર વચ્ચે સમયાંતરે વાતાઘાટો ચાલતી હતી. દરમિયાન દબાણ દુર કરી રસ્તા પહોળા કરવા માટેનો આખરી નિર્ણય લેવામાં આવ્યો હતો. અને આજરોજ તંત્ર દ્વારા સેવાલિયા-ગોધરા અને સેવાલિયા-બાલાસિનોર રોડ પર ૨૫૦ કરતાં વધુ દબાણરૂપી દુકાનો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.
ડિમોલેશનની આ કામગીરી જોવા માટે ગ્રામજનોના ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં. જો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરાયેલી ડિમોલેશનની આ કામગીરી દરમિયાન કોઈ અણબનાવ બન્યો ન હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.