ઝારખંડના (jharkhand) ધનબાદ (Dhanbad) ડિવિઝનમાં રેલ્વે ટ્રેકનો એક ભાગ શનિવારની વહેલી સવારે વિસ્ફોટને કારણે ક્ષતિગ્રસ્ત થયો હતો. રેલ્વે ટ્રેક (Railway) પર બોમ્બ વિસ્ફોટને (Bomb Blast) કારણે ડીઝલ એન્જિન પાટા પરથી ઉતરી ગયું હતું. એક નિવેદનમાં રેલ્વેએ કહ્યું હતું કે, ધનબાદ વિભાગના ગરવા રોડ અને બરકાના સેક્શન વચ્ચે રેલ્વે ટ્રેક પર એક ‘બોમ્બ વિસ્ફોટ’ થયો હતો. આ બોમ્બ વિસ્ફોટ માઓવાદીઓ દ્વારા કરવામાં આવ્યો છે.
રેલ્વેએ સત્તાવાર નિવેદન આપી જણાવ્યું હતું કે, ધનબાદ ડિવિઝનના રેલ્વે ટ્રેક પર બોમ બ્લાસ્ટની ઘટના બની છે. રાતે 12:55 વાગ્યે લાતેહાર બ્લોક વિભાગમાં ડીઝલ એન્જિન જઇ રહ્યું હતું, ત્યારે કેટલાક બદમાશો દ્વારા ટ્રેક લાઇન પર બોમ્બ વિસ્ફોટ કરાયો હતો જેને કારણે એન્જિન પાટા પરથી ઉતરી ગયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આજરોજ માઓવાદી નક્સલવાદી નેતા પ્રશાંત બોઝ અને તેમની પત્ની શીલા મરાંડીના ધરપકડના વિરોધમાં CPI એ ભારત બંધનું આહ્વાન કર્યું છે. આ દરમિયાન નક્સલવાદીઓએ ઝારખંડના ઘણા જિલ્લાઓમાં ટ્રેનોને નિશાન બનાવવાની શંકા સેવવામાં આવી રહી છે. છેલ્લા 12 કલાકની અંદર નક્સલીઓએ બે મોટી ઘટનાઓને અંજામ આપ્યો છે. ઝારખંડના ધનબાદમાં રેલવે ટ્રેક પર બોમ્બ વિસ્ફોટ થવાથી ટ્રેક પર ચાલી રહેલું ડીઝલ એન્જિન પાટા પરથી ઉતરી ગયું હતું. જ્યારે બીજી તરફ તે જ સમયે, લાતેહારમાં પણ માઓવાદીઓએ રેલ્વે ટ્રેકને બોમ્બબ્લાસ્ટથી ઉડાવી દીધો હતો.
આ ઘટના બાદ રાહત કામગીરી અને ટ્રેક રિપેરિંગ માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટનાથી અન્ય કેટલીક ટ્રેનોના શેડ્યુલ પર પણ અસર પડી છે. જેનાથી કેટલીક ખાસ ટ્રેનોના ટાઈમટેબલમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત યાત્રીઓ અને મુસાફરોની સુરક્ષા માટે પણ રેલ્વે તંત્ર અને રેલ્વે પોલીસ દ્વારા ખાસ તપાસ પ્રારંભ કરવામાં આવી છે.