નવી દિલ્લી: બોલિવૂડના ડિસ્કો ડાન્સર મિથુન ચક્રવર્તીના (Mithun Chakraborty) સ્વાસ્થ્યને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ અભિનેતાને (Actor) હાલમાં જ બેંગ્લોરની (Banglore) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમાચાર સામે આવતા જ મિથુનના ચાહકો પરેશાન થઈ ગયા છે. હોસ્પિટલના (Hospital) બેડ પર પડેલા અભિનેતાની એક તસવીર પણ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહી છે. આ વાયરલ તસવીર જોઈને અભિનેતાની તબિયતને લઈને વિવિધ અફવાઓ ઉડવા લાગી છે.
અભિનેતાના પુત્ર મિમોહ ચક્રવર્તીએ વાયરલ થઈ રહેલી તસવીરનું સત્ય જણાવ્યું છે. મિમોહે જણાવ્યું કે મિથુન કિડનીમાં પથરીની બીમારીથી પીડિત હતા. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે વધુમાં કહ્યુ કે આ વાયરલ તસવીર હોસ્પિટલની જ છે, જેમાં તેઓ બેભાન અવસ્થામાં બેડ પર પડેલા છે. તેમના પુત્રએ જણાવ્યું કે હવે મિથુનની તબિયત સારી છે અને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેઓ ઘરે આરામ કરી રહ્યા છે.
મિથુન ચક્રવર્તીનું હેલ્થ અપડેટ સામે આવ્યા બાદ તેમના લાખો ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે. દરેક લોકો અભિનેતાને ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા પાઠવી રહ્યા છે. બીજેપીના રાષ્ટ્રીય સચિવ ડો. અનુપમ હઝરાએ પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બોલિવૂડ ડિસ્કો ડાન્સરની તસવીર શેર કરી છે અને તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. મિથુન ચક્રવર્તી તાજેતરમાં કલર્સના શો હુનરબાઝમાં જોવા મળ્યા હતા. મિથુન ચક્રવર્તી આ શોના જજ હતા. એટલું જ નહિ મિથુન આ વર્ષની ઐતિહાસિક ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સમાં પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
આ પહેલાં ધર્મેન્દ્રને રવિવારે જ હોસ્પિટલથી ડિસ્ચાર્જ મળ્યું
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને (Dharmendra) પીઠના સ્નાયુઓમાં ખેંચાણના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 86 વર્ષીય ધર્મેન્દ્ર હવે ઠીક છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રવિવારે ઘરે પરત ફરતાની સાથે જ તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો દ્વારા પોતાની તબિયતની અપડેટ આપી હતી. આ વીડિયોમાં ધર્મેન્દ્રે કમરના દુખાવાનું કારણ જણાવ્યું છે.
ધર્મેન્દ્ર પોતાની ફિટનેસને લઈને ખૂબ જ ગંભીર છે. તેઓ લાંબા સમયથી કસરત કરી રહ્યા છે. તેમની ફિટનેસને કારણે તેમને બોલિવૂડના હિમેન પણ કહેવામાં આવે છે. પોતાને ફિટ રાખવા માટે ધર્મેન્દ્ર નિયમિત વર્કઆઉટ્સ અને સ્વિમિંગ જેવી શારીરિક પ્રવૃત્તિઓ કરે છે. જો કે આમાં થોડી બેદરકારીએ તેમને હોસ્પિટલનો રસ્તો જોવો પડ્યો હતો.