રાજકોટ: જામનગરમાં હોમગાર્ડના જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા થઇ હતી જેમાં કોંગ્રેસ સહિતના અન્ય પાર્ટીના ઉમેદવારો અને સમર્થકો દ્વારા ફેસિલિટી સેન્ટર ન હોવા છતાં પણ મતદાન પ્રક્રિયા થતાં વિરોધ કરાયો હતો. જેને પગલે સમગ્ર ઘટનાને લઇને હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ સમગ્ર મામલો કલેકટર કચેરીએ પહોંચ્યો હતો અને અંતે કલેકટરે આ સમગ્ર પ્રક્રિયામાં તમામ બેલેટ પેપરથી થયેલા મતદાન રદ કર્યા છે.
જામનગરમાં હોમગાર્ડના જવાનો ધ્વારા કરાયેલા પોસ્ટલ બેલેટ વહીવટીતંત્ર દ્વારા તાબડતોબ કબજે કરી લેવામાં આવ્યા હતા અને હોમગાર્ડ ઓફિસર સહિતના ખુલાસાઓ માંગવામાં આવ્યા છે. કલેકટર અને મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીએ આ સમગ્ર મુદ્દે તપાસના આદેશો પણ આપ્યા છે.
સાથે ચોખવટ પણ કરાઈ છે કે, ફકત બેલેટ વિતરણ કરવાના હતા પરંતુ સીધુ મતદાન પણ કરાવી દેવાયું હતું. કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે પણ ભાજપ સામે નિશાન તાકતા જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ સાથે અધિકારીઓની મિલીભગતથી આ પ્રકારની બેલેટ પેપરથી ચૂંટણીમાં ભાજપને ફાયદો કરાવવા કારસો રચાયો છે અને આ અંગે જવાબદારો સામે પગલા લેવા તેમજ એફઆઇઆર કરવા પણ માગણી કરી છે.–