રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) પર આવતા પ્રવાસીઓ માટે આગામી સમયમાં હાઉસ બોટ (House Boat) શરૂ થવા જઈ રહી છે. એ.સી. સહિત અન્ય અદ્યતન સુવિધાઓથી સજ્જ હાઉસ બોટનું ટૂંક સમયમાં જ ઉદઘાટન થશે એ બાદ પ્રવાસીઓ એનો લાભ લઈ શકશે. પરંતુ નર્મદા ડેમના (Narmada Dam) તળાવ નં.3માં મગરોનો ભય હોવાનું બોર્ડ ખુદ વન વિભાગ દ્વારા જ લગાવાયું છે, ત્યારે પ્રવાસીઓની સુરક્ષાનું શું એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે.
- સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ માટે આગામી સમયમાં એ.સી. સહિત અન્ય અદ્યતન સુવિધાઓથી સજ્જ હાઉસ બોટ શરૂ થશે
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓ માટે નવા નજરાણાના રૂપમાં સરદાર સરોવર નર્મદા ડેમના તળાવ નં.3 ખાતે હાઉસ બોટ ટૂંક જ સમયમાં શરૂ થવા જઈ રહી છે. કેરલા અને જમ્મુ કાશ્મીરમાં જેવી હાઉસ બોટ હોય છે એવી જ હાઉસ બોટ બનાવાઈ છે. હાઉસ બોટ એરકન્ડિશન સુવિધા સાથે અંદર રહેવા જમવાથી લઇને તમામ પ્રકારની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. હાલમાં હાઉસ બોટ બનીને તૈયાર છે, હાઉસ બોટ ચલાવવા માટે ખાનગી કંપનીને ઇજારો પણ આપી દેવામાં આવ્યો છે. ત્યારે પ્રવાસીઓએ હવે હાઉસ બોટનો આનંદ માણવા જમ્મુ-કાશ્મીર સુધી જવું નહીં પડે.
હાલમાં હાઉસ બોટ બનીને સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગઈ છે માત્ર તેનું ઓફિશિયલ ઉદઘાટન કરવાનું બાકી છે. પરંતુ નર્મદા ડેમના તળાવ નં.3માં મગરોની ઉપસ્થિતિ હોવા અંગેનું એક બોર્ડ સ્થાનિક વન વિભાગ દ્વારા જ મારવામાં આવ્યું છે. આગામી સમયમાં ત્યાં મગરોના ભય વચ્ચે હાઉસ બોટ શરૂ થશે તો ખરી, પરંતુ પ્રવાસીઓની સુરક્ષાની જવાબદારી એ ખાનગી કંપની કે સ્થાનિક તંત્ર લેશે ખરું, એ પ્રશ્નો હાલ ઊઠી રહ્યા છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટી તંત્ર એ મુદ્દે ગંભીર વિચાર કરી પછી હાઉસ બોટની મંજૂરી આપે એ જ હિતાવહ છે.
તમામ મગરોને હટાવી લીધાં છે
આ બાબતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પીઆરઓ રાહુલ પટેલે જણાવ્યું હતું કે, તળાવ નં.3માંથી તમામ મગરોને હટાવી લીધાં છે. આવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય. પ્રવાસીઓ સુરક્ષિત રહેશે.