નવી દિલ્હી: એલોન મસ્ક જ્યારથી ટ્વિટરના માલિક બન્યા છે ત્યારથી ટ્વિટરમાં (Twitter) વધુ એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ વખતે એલોન મસ્કે (Elon Musk) ખુદ ટ્વિટરનો લોગો (Twitter Logo) બદલ્યો છે. એટલે કે હવે ટ્વિટર પરથી બ્લુ બર્ડ (Blue bird) ગાયબ થઈ ગયું છે. આ ફેરફાર બાદ યુઝર્સ ખૂબ જ આશ્ચર્યમાં છે. કારણ કે, ટ્વિટરે ‘ડોગી’ને (Doggy) પોતાનો નવો લોગો બનાવ્યો છે. ટ્વિટરના માલિક ઈલોન મસ્કે પણ આ અંગે એક ટ્વિટ કર્યું છે, જેના પછી માનવામાં આવે છે કે ડોગી ટ્વિટરનો નવો લોગો હશે.
હકીકતમાં સોમવાર રાતથી યુઝર્સને તેમના ટ્વિટર એકાઉન્ટ પર બ્લુ બર્ડની જગ્યાએ ડોગી જોવાનું શરૂ થયું હતું. આ લોગો જોઈને યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેઓએ એકબીજાને પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું કે શું દરેકને ટ્વિટર લોગો પર ડોગી દેખાય છે. થોડી જ વારમાં, #DOGE ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું. ત્યાર બાદ યુઝર્સને લાગ્યું કે કોઈએ ટ્વિટર હેક કર્યું છે. પરંતુ આના થોડા સમય બાદ ઈલોન મસ્કે એક ટ્વીટ કર્યું, અને જેમાં સ્પષ્ટ થઈ ગયું કે ટ્વિટરે તેનો લોગો બદલી નાખ્યો છે.
મસ્કે ડોગી ડ્રાઇવિંગની તસવીર ટ્વીટ કરી
એલોન મસ્કે મંગળવારે રાત્રે લગભગ 12:20 વાગ્યે એક ફોટો ટ્વિટ કર્યો હતો. જેમાં કારની ડ્રાઇવિંગ સીટ પર એક ડોગી બેઠો છે અને તે ટ્રાફિક પોલીસને તેનું લાઇસન્સ બતાવી રહ્યો છે. આ લાયસન્સમાં બ્લુ બર્ડનો ફોટો છે (જૂનો Twitter લોગો). જે બાદ ડોગી ટ્રાફિક પોલીસને કહી રહ્યો છે કે, “આ જુનો ફોટો છે”. મસ્કના આ ટ્વિટ બાદ ટ્વિટર પર લગાવવામાં આવી રહેલી વિવિધ અટકળોનો અંત આવ્યો અને એ સ્પષ્ટ થઈ ગયું કે ઈલોન મસ્કે લોગો બદલ્યો છે.
મસ્કે અગાઉ પણ ‘ડોગી’ વિશે સંકેતો આપ્યા હતા
તમને જણાવી દઈએ કે ઈલોન મસ્ક અગાઉ પણ ડોગી વિશે સંકેતો આપી ચૂક્યા છે. તેણે આ વર્ષે ફેબ્રુઆરીમાં એક ફોટો ટ્વીટ કર્યો હતો. તેના કેપ્શનમાં મસ્કે લખ્યું, “ટ્વિટરના નવા સીઈઓ શાનદાર છે.” ફોટામાં ટ્વિટરના સીઈઓની ખુરશી પર એક કૂતરો બેઠો હતો. તેની સામેના ટેબલ પર એક કાગળ રાખવામાં આવ્યો હતો, જેમાં આ કૂતરાનું નામ Floki અને તેની પોસ્ટ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નીચે લખેલું હતું. આ પેપર પર ટ્વિટરનો લોગો એટલે કે બ્લુ બર્ડ હતો. જો કે, ત્યારે કોઈએ વિચાર્યું ન હતું કે મસ્ક ટ્વિટરનો વર્ષો જૂનો લોગો બદલવા જઈ રહ્યો છે.
એલોન મસ્કે પોતાનું પ્રોમિશ પૂરૂં કર્યું?
ઈલોન મસ્કે ટ્વિટરનો લોગો બદલ્યા બાદ વધુ એક ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે લખ્યું હતું કે, ‘જેમ પ્રોમિશ આપ્યું હતું. હકીકતમાં, આ ટ્વીટમાં, મસ્કએ એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જે 26 માર્ચની જૂની ચેટનો છે. આ સ્ક્રીન શૉટમાં કરવામાં આવેલી પોસ્ટમાં મસ્કે પૂછ્યું છે કે, શું કોઈ નવા પ્લેટફોર્મની જરૂર છે. તેના પર ચેરમેન નામના યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું કે ટ્વિટર ખરીદો અને તેનો બ્લુ બર્ડ લોગો ડોગીથી બદલી નાખો.
બ્લુ બર્ડ ટ્વિટરનો લોગો કેવી રીતે બન્યો?
ટ્વિટર જુલાઈ 2006માં શરૂ થયું હતું. તેની સ્થાપના જેક ડોર્સી, નોહ ગ્લાસ, ઇવાન વિલિયમ્સ અને બિઝ સ્ટોન દ્વારા કરવામાં આવી હતી. ટ્વિટરના સ્થાપકોએ કહ્યું કે તે એક લાઉડ સ્પેસ પ્લેટફોર્મ છે અને પક્ષીને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે તેનો લોગો આવો રાખવામાં આવ્યો હતો. આબ્લુ બર્ડનું નામ લેરી ટી બર્ડ છે. જેનું નામ પ્રખ્યાત બાસ્કેટબોલ પ્લેયર લેરી બર્ડના નામ પરથી રાખવામાં આવ્યું હતું. ટ્વીટરનો અસલ લોગો સિમોન ઓક્સલી દ્વારા બનાવવામાં આવ્યો હતો. જેને તેણે iStock વેબસાઇટ પર વેચવાની ઓફર કરી હતી. આ લોગો ટ્વિટર દ્વારા $15માં ખરીદ્યો હતો.
એલોન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદ્યું હતું
એલોન મસ્કે ગયા વર્ષે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર ખરીદી હતી. આ માટે તેણે 44 અબજ ડોલરની ડીલ કરી હતી. તેણે શેર દીઠ $54.2ના દરે $44 બિલિયનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખરીદવાની ઓફર કરી હતી. પરંતુ પછી સ્પામ અને નકલી એકાઉન્ટ્સને કારણે, તેઓએ તે સોદો અટકાવ્યો. જો કે મસ્ક ડીલમાંથી પીછેહઠ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ મામલો કોર્ટમાં પહોંચ્યા બાદ તેણે સમયસર ડીલ પૂર્ણ કરી હતી.
ડીલ બાદ સીઈઓ પરાગ અગ્રવાલનું CEO પદ લઈ લેવામાં આવ્યું
જ્યારથી ટ્વિટર ડીલ થઈ છે ત્યારથી ટ્વિટરમાં સતત બદલાવ આવી રહ્યા છે. ટ્વિટર ડીલ કરતાની સાથે જ તેણે સીઈઓ પરાગ અગ્રવાલ સહિત ઘણા મોટા અધિકારીઓને કંપનીમાંથી કાઢી મૂક્યા હતા. આ પછી તેણે મોટી સંખ્યામાં કર્મચારીઓને કાઢી મૂક્યા અને બાકીના કર્મચારીઓને વધુ કામ કરવા કહ્યું. કંપનીના મેનેજમેન્ટમાં ફેરફારની અસર ટ્વિટર ઈન્ડિયા પર પણ પડી. પ્રથમ, મસ્કે ભારતમાં કામ કરતા લગભગ 90 ટકા ટ્વિટર કર્મચારીઓને બરતરફ કર્યા હતા. ત્યાર બાદ તેણે દિલ્હી અને મુંબઈમાં પોતાની ઓફિસ પણ બંધ કરી દીધી. ટ્વિટરની ઓફિસ બેંગ્લોરમાં જ ચલાવવાનો નિર્ણય લેવાયો હતો.
પરાગ અગ્રવાલને કેમ કાઢી મૂકવામાં આવ્યા?
મસ્કે ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ અને સીએફઓ નેડ સેગલ પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નકલી એકાઉન્ટ્સની સંખ્યા વિશે તેમને અને ટ્વિટરના રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. ઈલોન મસ્કની ટ્વિટર સાથે ડીલ ફાઈનલ થઈ ત્યારે અગ્રવાલ અને સેગલ ઓફિસમાં હાજર હતા. આ પછી તેને ઓફિસની બહાર ફેંકી દેવામાં આવ્યો હતો. જોકે, ટ્વિટર, એલોન મસ્ક કે કોઈ અધિકારી તરફથી આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી.
મસ્કે બ્લુ ટિક માટે પેઇડ સર્વિસ શરૂ કરી
ટ્વિટરના માલિક બન્યા બાદ એલોન મસ્કએ સૌથી મોટો ફેરફાર કર્યો અને બ્લુ ટિક માટે ટ્વિટર બ્લુ નામની પેઇડ સર્વિસ શરૂ કરી. જે પછી હવે યુઝર્સ 8 ડોલરના માસિક ખર્ચે બ્લુ ટિક વેરિફિકેશન ખરીદી શકશે. એવું કહેવામાં આવ્યું હતું કે ટ્વિટર સાન ફ્રાન્સિસ્કો અને લંડન સ્થિત ઓફિસનું ભાડું પણ ચૂકવી શકતું નથી. જેના કારણે અનેક કોન્ટ્રાક્ટરોએ કંપની સામે કેસ પણ કર્યો હતો. કંપની લાંબા સમયથી ખોટમાં કામ કરી રહી છે. આ તમામ ખર્ચને ધ્યાનમાં રાખીને, મસ્કે પેઇડ સર્વિસ શરૂ કરી. કર્મચારીઓની છટણી પણ કરી. ટ્વિટર પર અલગ-અલગ રંગીન ટીક્સ આપવામાં આવી છે. કંપની માટે ગોલ્ડ ચેકમાર્ક આપવામાં આવ્યો છે, જ્યારે સરકાર માટે ગ્રે ચેકમાર્ક આપવામાં આવ્યો છે. તે જ સમયે, વ્યક્તિગત માટે હજી પણ બ્લુ ટિક આપવામાં આવી રહી છે.