સુરત(Surat): 48 કલાકના હાઈ વોલ્ટેજ પોલિટિકલ ડ્રામા (Political Drama) બાદ સુરત લોકસભા બેઠક (Surat Loksabha Seat) પર ભાજપના (BJP) ઉમેદવાર મુકેશ દલાલ (Mukesh Dalal) બિનહરિફ જીત્યા છે. આ બેઠક પર ઉમેદવારી નોંધાવનાર મુકેશ દલાલ સિવાયના તમામ ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચી લીધું છે.
બહુજન પાર્ટીના (Bahujan Party) ઉમેદવારના ફોર્મ પરત ખેંચવા અંગે સસ્પેન્સ ચાલી રહ્યું હતું, તેનો પણ આજે સોમવારે બપોરે 2 વાગ્યે અંત આવ્યો છે. બહુજન પાર્ટીના ઉમેદવારે પણ ફોર્મ પરત ખેંચી લીધું છે. હવે આ બેઠક પર ઈલેક્શન નહીં થાય. મુકેશ દલાલ બિનહરિફ વિજેતા ઘોષિત થવાનો રસ્તો સાફ થયો છે.
આ અગાઉ બહુજન પાર્ટીના ઉમેદવારે પોલીસ રક્ષણ માંગ્યું હતું. ઉમેદવાર પ્યારેલાલ અને પાર્ટીના પ્રમુખે રવિવારે પોલીસ પ્રોટેક્શનની માંગ કરતો પત્ર સુરત કલેક્ટર અને સુરત પોલીસ કમિશનરને મોકલ્યો હતો. દરમિયાન આજે નાટકીય ઢબે પ્યારેલાલે ઉમેદવારી પાછી ખેંચી લીધી છે.
આ સમગ્ર પોલિટિકલ હાઈ વોલ્ટેજ ડ્રામાની શરૂઆત શનિવારે બપોરથી થઈ હતી, જ્યારે સુરત લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ પોતે કુંભાણીના પત્ર પર સહી નહીં કરી હોવાની એફિડેવિટ કરી હતી. આ એફિડેવિટ બાદ નિલેશ કુંભાણીની ઉમેદવાર રદ થશે તેવી ચર્ચા ઉઠી હત. 24 કલાકના ડ્રામા બાદ કુંભાણીની ઉમેદવારી ચૂંટણી તંત્ર દ્વારા રદ કરાઈ હતી. કુંભાણીની ઉમેદવારી કેન્સલ થયા બાદ અન્ય ઉમેદવારો પણ ફોર્મ પરત ખેંચી લેશે તેવી ચર્ચા ઉઠી હતી. ચર્ચા સાચી પડી છે.
નોંધનીય છે કે, સુરતની બેઠક પરથી કુલ 15 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. બાદમાં ફોર્મ ચકાસણી વખતે 6 ઉમેદવારના ફોર્મ રદ થયા હતાં. હવે ચૂંટણી જંગમાં 9 ઉમેદવારોમાંથી ભાજપના ઉમેદવારને બાદ કરતા 8 ઉમેદવારો મેદાનમાં હતા. આ 8માંથી બાકીના 7 ઉમેદવારોએ તેમના નામ અગાઉ જ પાછા ખેંચી લીધા હતા.
સુરત કલેક્ટરે મુકેશ દલાલને જીતનું સર્ટિફિકેટ આપ્યું
કોંગ્રેસ અને અપક્ષો સહિતના અન્ય 8 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પાછું ખેંચી લેતા સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ વિજેતા જાહેર થયા છે. સુરત જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી સૌરભ પારઘીએ વિધિવત જીતનું પ્રમાણપત્ર મુકેશ દલાલને આપ્યું હતું. પ્રમાણપત્ર લીધા બાદ મુકેશ દલાલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલના આર્શીવાદ લેવા પહોંચ્યા હતા.
આ ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચ્યું
બહુજન સમાજ પાર્ટીના પ્યારેલાલ ભારતી, સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના અબ્દુલ હમીદ ખાન, ગ્લોબલ રિપબ્લીકન પાર્ટીના જ્યેશભાઈ મેવાડા, લોગ પાર્ટીના સોહેલ શેખ, અપક્ષ ઉમેદવારો અજીતસિંહ ભુપતસિંહ ઉમટ, કિશોરભાઈ ડાયાણી, રમેશભાઈ બારૈયા અને ભરતભાઈ પ્રજાપતિએ ફોર્મ પાછું ખેંચી લીધું છે. આમ, સુરત લોકસભા બેઠક પર એક જ ઉમેદવાર ભાજપના મુકેશ દલાલ બચ્યા હોઈ તેઓ બિનહરિફ વિજેતા ઘોષિત થયા છે. આ સાથે મુકેશ દલાલ સાંસદ બન્યા છે.