AHEMDABAD : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ભાજપ (BHAJAP) દ્વારા તેજ કરવામાં આવી છે. શુક્રવારે અમદાવાદના ખાનપુર કાર્યાલય ખાતે જિલ્લા સંકલન સમિતીની બેઠક મળી હતી. જેમાં નિરીક્ષકો દ્વારા તૈયાર કરાયેલી નામાવલીની ચર્ચા કરાઇ હતી. ઉમેદવારોની પસંદગીમાં ભાજપ યુવાઓને પ્રોત્સાહન આપશે તેવા સંકેતો મળી રહ્યા છે.
પ્રદેશ ભાજપના જિલ્લા સંકલન સમિતિના હોદ્દેદારોની શુક્રવારે અમદાવાદના ખાનપુર કાર્યાલય ખાતે બેઠક મળી હતી. આ બેઠકમાં નિરીક્ષકો દ્વારા જે ઉમેદવારોના નામની યાદી તૈયાર કરાઈ છે. તેને લઈને ચર્ચા વિચારણા કરાઇ હતી, અને તેનું સંકલન કરી પેનલ તૈયાર કરવામાં આવી રહી છે. આવતીકાલે સંકલન સમિતિની બેઠકમાં તેની વિસ્તૃત ચર્ચા થશે, અને ત્રણ ઉમેદવારોની પેનલ તૈયાર કર્યા બાદ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ તેને રજૂ કરાશે.
ભાજપ દ્વારા આ વખતે ટિકિટને લઈને કેટલાક માપદંડો તૈયાર કરાયા છે. આ માપદંડોને કારણે ટિકિટ વાંચ્છુઓનોમાં ક્યાંક ખુશી તો ક્યાંક નારાજગી જોવા મળી રહી છે.
ટિકિટોના માપદંડમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ (C R PATIL) દ્વારા પહેલા જ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે પૂર્વ ધારાસભ્યો અને ૫૫ વર્ષથી ઉપરની વ્યક્તિઓએ ટિકિટની માગણી કરવી નહીં. આ જોતા આ વખતની ચૂંટણીમાં ભાજપ યુવાનોને પ્રાધાન્ય આપે તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત ગત ચૂંટણીમાં તક ન મળી હોય તેવા ઉમેદવારોને પણ ધ્યાનમાં લેવામાં આવશે. ભાજપમાં એક પરિવારમાં જેને ટિકિટ મળી છે. તે પરિવારમાં અન્ય કોઈ સભ્યને ટિકિટ નહીં અપાય, આમ ભાજપમાં પરિવારવાદને પ્રોત્સાહન નહીં મળે તેવા સ્પષ્ટ સંકેતો આપવામાં આવ્યા છે. તેમ છતાં રાજ્યભરમાં ભાજપના અનેક ધારાસભ્યો, હોદ્દેદારો, કોર્પોરેટરોએ પોતાના પરિવારના સભ્યો માટે ટિકિટની દાવેદારી કરી છે.
સુરતમાં એક કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કાર્યકર્તાઓને હસતા હસતા સંદેશો આપ્યો હતો કે, 55 વર્ષથી વધુના કાર્યકરો ટિકિટ ન માંગતા. 23મીએ ચૂંટણી જાહેર થવાનાં ભણકારા વાગે છે. 24મીથી તો નિરીક્ષકો સુરત આવવાના છે. આપણે ત્યાં પાર્ટીમાં સ્વૈચ્છિક નિવૃત્તિ કોઈ લેતા નથી, ફરજિયાત જ કરવું પડે છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં સેવાની ઈચ્છા એટલી હોય છે કે નિવૃત્તિ લેતા નથી.ત્યારે હવે યુવા નેતાઓ રાજકારણમાં આવીને પ્રજાની સેવા કરે એ પણ હવે જરૂરી છે.