National

ભાજપના સસ્પેન્ડેડ ધારાસભ્ય ટી રાજા સિંહની ફરી ધરપકડ, આ મામલે સંડોવણીનો આરોપ

હૈદરાબાદઃ ભાજપના (BJP) સસ્પેન્ડેડ ધારાસભ્ય ટી રાજા સિંહની (T Raja Singh) હૈદરાબાદમાં ફરી ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા પયગંબર મુહમ્મદ (Prophet Muhammad) પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ તેઓની ધરપકડ (Arrest) કરવામાં આવી હતી. ટી રાજાએ તાજેતરમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારૂકી અને ધર્મ વિશેષની ટીકા કરતો એક વિડિયો રિલીઝ કર્યો હતો. વીડિયોમાં સિંહે કથિત રીતે ધર્મ (Religion) વિરુદ્ધ કેટલીક ટિપ્પણીઓ કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારપછી તેઓની ધરપકડને લઈને તેલંગાણામાં ઘણી જગ્યાએ દેખાવો થઈ રહ્યા છે. પોલીસે તેમની ધરપકડ કરી હતી પરંતુ કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. તેઓની ધરપકડ માટે રાજ્યમાં ફરી એકવાર દેખાવો થઈ રહ્યા છે. જેને લઈને ફરી તેઓની ધરપકડ કરી જેલ મોકલી આપવામાં આવ્યા છે.

આ મામલાને લઈને હૈદરાબાદ પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું છે કે ભાજપના સસ્પેન્ડેડ નેતા ટી રાજા સિંહની પીડી એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તેઓની સામે નોંધાયેલા 101 ફોજદારી કેસોમાંથી તે 18 સાંપ્રદાયિક ગુનાઓમાં સામેલ હતા. મંગલહાટ પોલીસે પીડીના આદેશનો અમલ કર્યો. તેઓને સેન્ટ્રલ જેલ ચેરિયાપલ્લીમાં રાખવામાં આવ્યા છે.

વિવાદાસ્પદ સાંપ્રદાયિક ટિપ્પણી કરવી એ પણ રાજા સિંહ માટે નવી વાત નથી. 2015 માં જ તેમણે હૈદરાબાદની ઓસ્માનિયા યુનિવર્સિટીમાં બીફ ફેસ્ટિવલના જવાબમાં દાદરી જેવી ઘટનાની ધમકી આપી હતી. 2018ના ચૂંટણી એફિડેવિટ મુજબ રાજા સિંહે તેમની સામે દ્વેષપૂર્ણ ભાષણ, રમખાણો, પૂજા સ્થળની અપવિત્રતા અને હત્યાના પ્રયાસ સહિત વિવિધ ગુનાઓ માટે 43 કેસોની જાહેરાત કરી હતી.

આ રીતે વિવાદ શરૂ થયો
રાજાએ કોમેડિયન મુનવ્વર ફારૂકીના શોને બંધ કરવાની ધમકી આપી ત્યારે પ્રોફેટની ટિપ્પણીને લગતો વિવાદ શરૂ થયો. મુનવ્વર ફારૂકીનો શો હૈદરાબાદમાં 21 ઓગસ્ટે યોજાવાનો હતો. ટી રાજા સિંહે ધમકી આપી હતી કે જો શો કેન્સલ નહીં થાય તો સ્થળને આગ લગાડી દેવામાં આવશે. દેખીતી રીતે તેમણે આ વીડિયો પણ સર્ક્યુલેટ કર્યો હતો જેના કારણે 20 ઓગસ્ટે તેમની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ટીઆરએસ સરકારે ફારૂકીને શેડ્યૂલ મુજબ શહેરમાં પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી. ત્યારપછી આ વીડિયો સ્થાનિક ટીવી ચેનલ પર પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

હૈદરાબાદમાં વધારાનો પોલીસ દળ તૈનાત
પયગંબર મોહમ્મદ વિશે રાજા સિંહની કથિત વાંધાજનક ટીપ્પણી સામે રાતોરાત વિરોધ પ્રદર્શનને પગલે શહેરના કેટલાક ભાગોમાં વધારાના પોલીસ દળોને તૈનાત કરવામાં આવ્યા હતા. કોઈ અનિચ્છનીય ઘટનાના ડરથી કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ રહી હતી. તેલંગાણાના ગૃહ પ્રધાન મહમૂદ અલીએ જણાવ્યું હતું કે સરકાર કાયદો અને વ્યવસ્થાના મુદ્દાઓ પર સમાધાન કરશે નહીં અને અન્ય ધર્મોની લાગણીઓને ઠેસ પહોંચાડનારા લોકોને સહન કરશે નહીં. કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top