હજુ લખમીપુર ખીરીમાં ખેડૂતો પર કાર ચઢાવવાની ઘટનાના પડઘાં શાંત પડ્યા નથી ત્યાં તો અંબાલામાંથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીં ભાજપના એક સાંસદે ખેડૂતો પર કાર ચઢાવી દીધા હોવાની વાત સામે આવી છે. હરિયાણાના અંબાલા ખાતે નારાયણગઢમાં ખેડૂતો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યાં હતાં ત્યારે ખેડૂતો પર કાર ચઢાવી દેવામાં આવી હોવાના આક્ષેપો થયા છે. આ ઘટનામાં કેટલાંક ખેડૂતો ઘાયલ થયા હોવાની વિગતો સાંપડી છે. કોંગ્રેસે આરોપ મુક્યો છે કે કુરુક્ષેત્રના ભાજપના સાંસદ નાયબ સૈનીના કાફલાએ અંબાલા નારાયણગઢમાં વિરોધ પ્રદર્શન કરી રહેલાં ખેડૂતો પર ગાડી ચઢાવી દીધી છે. હાલમાં ખેડૂતોની હાલત ગંભીર છે. તેઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
- વિરોધ પ્રદર્શન દરમિયાન એક ખેડૂત ઘાયલ થઈ ગયો હતો. ખેડૂતોએ આરોપ મુક્યો કે તેની ઉપર ગાડી ચઢાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
- યૂથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ વીડિયો ટ્વીટ કરતા લખ્યું કે, શું ભાજપા પાગલ થઈ ગયું છે?
અંબાલાના નારાયણગઢની આ ઘટના છે, જેને લઈ કોંગ્રેસે ભાજપ પર નિશાનો સાધ્યો છે. યૂથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ વીડિયો ટ્વીટ કરતા લખ્યું કે, શું ભાજપા પાગલ થઈ ગયું છે? કુરુક્ષેત્ર વિસ્તારના ભાજપના સાંસદ નાયબ સૈનીના કાફલાએ અંબાલામાં નારાયણગઢમાં વિરોધ કરતા ખેડૂતો પર ગાડી ચઢાવી દીધી.
શું છે સમગ્ર મામલો?
આજે નારાયણગઢમાં એક સન્માન સમારોહમાં રમતમંત્રી સંદીપ સિંહ અને કુરુક્ષેત્રના સાંસદ નાયબ સૈની જઈ રહ્યાં હતાં. ખેડૂતોને જ્યારે ખબર પડી કે ભાજપના સાંસદ આવી રહ્યાં છે ત્યારે તેઓ કાર્યક્રમનો વિરોધ કરવા પહોંચી ગયા હતા. ખેડૂતો સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યાં હતાં. વિરોધ પ્રદર્શન દરમિયાન એક ખેડૂત ઘાયલ થઈ ગયો હતો. ખેડૂતોએ આરોપ મુક્યો કે તેની ઉપર ગાડી ચઢાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
આ અગાઉ રવિવારે યુપીના લખમીપુર ખીરીમાં પ્રદર્શનકર્તા ખેડૂતોને કારથી કચડી મારવાનો મામલો સામે આવ્યો હતો, જેના કેટલાંક વીડિયો પણ વાયરલ થયા હતા. આ કેસમાં ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રાના દીકરા આશિષ મિશ્રાનું નામ સામે આવ્યું છે. આશિષનું નામ પણ ફરિયાદમાં દાખલ કરાયું છે. આ ઘટનામાં 4 ખેડૂતોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત પણ 4 લોકોના મૃત્યુ થયા છે. જેમાં બે ભાજપના કાર્યકર્તા, એક ડ્રાઈવર અને એક પત્રકાર સામેલ છે.