Gujarat

પૂર્વ ડેપ્યુટી CM નીતિન પટેલે મહેસાણા લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર તરીકે દાવો પાછો લીધો

ગાંધીનગરઃ (Gandhinagar) ગુજરાતના મહેસાણામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા નીતિન પટેલે (Nitin Patel) મહેસાણા લોકસભા બેઠક પરથી પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી છે. તમને જણાવી દઈએ કે તેમણે પાર્ટી હાઈકમાન્ડ સમક્ષ આ બેઠક પર દાવેદારીની પોતાની રૂચિ વ્યક્ત કરી હતી પરંતુ શનિવારે પાર્ટીએ રાજ્યની 15 સીટો માટે નામ જાહેર કર્યા બાદ તેમણે રવિવારે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. નિતીન પટેલ દ્વારા દાવેદારી પાછી ખેંચી લેવાયા બાદ ફેસબુક પર લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા છે. લોકોએ દુખ વ્યક્ત કરતા કહ્યું હતું કે અમને આશા હતી કે તમે મહેસાણા લોકસભાનું પ્રતિનિધિત્વ કરશો.

ગઇકાલે ભાજપે 15 લોકસભા સીટના ઉમેદવારો જાહેર કર્યા હતા. જોકે તેમાં મહેસાણા સીટ પર હજી સુધી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી. આ પહેલા નીતિન પટેલે પોતાના ફેસબુક પેજ પર જાહેરાત કરી છે કે ભાજપના ઉમેદવાર તરીકેની મારી દાવેદારી પરત ખેંચું છું. નીતિન પટેલે જણાવ્યું હતું કે મેં કેટલાક કારણોસર મહેસાણા લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. રાજ્યની 15 લોકસભા બેઠકો માટેના ઉમેદવારોની ગઈકાલે જાહેરાત કરવામાં આવી છે અને મહેસાણા લોકસભાના ઉમેદવારની પસંદગી પ્રક્રિયા હજુ ચાલી રહી છે. તે પહેલા હું ભાજપના ઉમેદવાર તરીકેની મારી ઉમેદવારી પાછી ખેંચી લઉં છું. નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની સમગ્ર દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધુ વધારે અને ભારતમાતા પરમ વૈભવ પ્રાપ્ત કરે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. સર્વે કાર્યકરો, સર્વે શુભેચ્છકો અને સર્વ સાથીદારોનો હું ખૂબ ખૂબ આભાર માંનું છું.

Most Popular

To Top