ગાંધીનગર : 150 બેઠકો પર વિજય મેળવવાના લક્ષ્યાંકને પાર પાડવા માટે પ્રદેશ ભાજપની (BJP) નેતાગીરીએ પહેલા કોંગ્રેસ (Congress) તથા આપના (AAP) નેતાઓ માટે ભરતી મેળો શરૂ કર્યા બાદ હવે ખુદ ભાજપને છોડીને ચાલ્યા ગયેલા નેતાઓ માટે ભરતી મેળો શરૂ કર્યો છે. અમદાવાદ (Ahmedabad) જિલ્લામાં સાણંદના ભાજપના પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ તેમના મોટી સંખ્યામાં ટેકેદારો સાથે આજે ભાજપમાં જોડાઈ ગયા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા પ્રેદશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે આજે કમલમ ખાતે યોજાયેલા સમારંભમાં કમાભાઈ રાઠોડને કેસરિયો ખેસ પહેરવાની તેમને ભાજપમાં પ્રવેશ આપ્યો હતો.
ભાજપની નેતાગીરીએ 2017ની ચૂંટણીમાં કમાભાઈ રાઠોડને ટિકીટ નહીં આપતા તેઓ પાર્ટી છોડીને ચાલ્યા ગયા હતા એટલું જ નહીં અપક્ષ ઉમેદવર તરીકે ચૂંટણી લડ્યા હતા. કમાભાઈ રાઠોડે સાણંદથી કમલમ સુધીનો રોડ શો કર્યો હતો. કમા રાઠોડની સાથે સાણંદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભીખાભાઈ પટેલ, બોપલ – ધુમાના પાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મહેશ પટેલ તથા મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા હતા. કમાભાઈ રાઠોડ પોતાની સાથે 1 હજાર કિલો ચણા લઈને આવ્યા હતા. જે ભાજપના કુપોષણ સામેના અભિયાનમાં ઉપયોગમાં લેવાશે. કમા રાઠોડે કહ્યું હતું કે હું ભાજપનો હતો. અને મારા ઘરે જ પાછો આવ્યો છુ. હું કોઈ અપેક્ષાથી ભાજપમાં જોડાયો નથી. પાર્ટી મને જે જવાબદારી સોંપશે તે નિભાવીશ. ભાજપને તમામ 182 બેઠકો જીતાડવા માટે હું મહેનત કરીશ.