National

ભોજપુરી અભિનેતા પવન સિંહને ભાજપે પાર્ટીમાંથી હાંકી કાઢ્યો, આ છે કારણ!

નવી દિલ્હીઃ ભોજપુરી સ્ટાર પવન સિંહ (Bhojpuri star Pawan Singh) વિરુદ્ધ બીજેપીએ (BJP) મોટી કાર્યવાહી કરી હતી. પવન સિંહ એનડીએના સત્તાવાર ઉમેદવાર સામે સ્વતંત્ર ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી (Loksabha Elections) લડી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ભોજપુરી પાવર સ્ટાર પવન સિંહની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી હતી.

ભોજપુરી પાવરસ્ટાર પવન સિંહની ભાજપે પાર્ટીમાંથી હકાલપટ્ટિ કરતા પાર્ટી દ્વારા બુધવારે (22 મે)ના રોજ કાર્યવાહીનો પત્ર જાહેર કરવામાં આવ્યો હતા. રાજ્ય મુખ્યાલયના પ્રભારી અરવિંદ શર્મા દ્વારા જાહેર કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, તમે લોકસભા ચૂંટણીમાં NDAના અધિકૃત ઉમેદવાર સામે ચૂંટણી લડી રહ્યા છો. તમારું આ કામ પક્ષ વિરોધી છે.

જારી કરાયેલા પત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે પવન સિંહ ચૂંટણી લડી રહ્યા છે જેના કારણે પાર્ટીની છબી ખરાબ થઈ છે. તેમને કહેવામાં આવ્યું છે કે ચૂંટણી લડીને તમે (પવન સિંહ) પાર્ટી અનુશાસન વિરુદ્ધ આ કાર્ય કર્યું છે. તેથી આ પક્ષ વિરોધી કૃત્ય બદલ માનનીય પ્રદેશ પ્રમુખના આદેશ મુજબ આપને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવે છે.

પવન સિંહ કરકટથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.
વાસ્તવમાં પવન સિંહ બિહારની કરકટ લોકસભા સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. તેઓ પીએમ મોદી વિરુદ્ધ પણ ઘણી વખત નિવેદન આપી ચૂક્યા છે. થોડા દિવસ પહેલા જ બીજેપી નેતા પ્રેમ કુમારે ચેતવણી આપી હતી કે પાર્ટી પવન સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. તેમજ પ્રેમ કુમારની ચેતવણી બાદ હવે ભાજપે પવન સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

કરકટ લોકસભા સીટ માટે સાતમા તબક્કામાં 1 જૂને મતદાન થવાનું છે. અહીં ઉપેન્દ્ર કુશવાહા એનડીએ તરફથી ઉમેદવાર છે. આ બેઠક પર ત્રિકોણીય મુકાબલો છે. જ્યારે રાજા રામ કુશવાહાને મહાગઠબંધનમાંથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, ત્યારે પવન સિંહે અપક્ષ તરીકે પ્રવેશ કરીને એનડીએની ખેંચતાણ વધારી હતી.

પીએમ મોદીના આગમન પહેલા કરવામાં આવી કાર્યવાહી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 મેના રોજ કરકટમાં ચૂંટણી પ્રચાર માટે સભા કરવાના છે. અહીં વડાપ્રધાન જનતાને ઉપેન્દ્ર કુશવાહાની તરફેણમાં મતદાન કરવા અપીલ કરશે. ત્યારે પીએમ મોદીના આગમન પહેલા જ પાર્ટી દ્વારા ભોજપુરી પાવરસ્ટાર પવન સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

Most Popular

To Top