Vadodara

વડોદરા વોર્ડ 13ની દ્વારકેશ કુંજ સોસાયટીમાં બે મહિનાથી ગંદુ પાણી આવે છે

વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નં.13માં આવેલી દ્વારકેશકુંજ સોસાયટીમાં છેલ્લા બે માસથી ગંદા પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત છતા પાલિકા કોઈ ધ્યાન આપતી નથી. કાઉન્સિલર બાળુ સૂર્વેની અનેક રજૂઆતો છતાં પાલિકાતંત્ર દ્વારા સમસ્યા અંગે આંખ આડા કાન કરી રહી છે.


એક તરફ છેલ્લા 27 વર્ષોથી એકહથ્થુ શાસનમાં વિકાસની મોટી મોટી વાતો કરી જનતાને ઉંધા ચશ્માં પહેરાવવામાં આવી રહ્યાં છે. જ્યારે બીજી તરફ હકીકત એ છે કે શહેરની વેરો ભરતી જનતાને પીવાના શુધ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી, ડ્રેનેજની, સારા અને રખડતાં પશુ મુક્ત રોડરસ્તાઓ, સ્વચ્છતા અને વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. ખુદ મુખ્યમંત્રી અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે પણ વડોદરાના નેતાઓ તથા તંત્ર પર ટકોર કરવી પડી હતી કે અમદાવાદ અને સુરતના વિકાસની તુલનાએ વડોદરા પાછળ છે. છતાં જાડી ચામડીના પાલિકાના સતાધીશોને લાજશરમ જેવું કંઇ જણાતું નથી. શહેરના ઇલેક્શન વોર્ડ નં.13 માં આવેલ ડોંગરેજી મહારાજ સ્કૂલબાજુમાં આવેલ દ્વારકેશકુંજ સોસાયટીમાં છેલ્લા બે માસથી પીવાનું કાળું અને ગંદુ પાણી આવે છે સાથે જ ડ્રેનેજના દુર્ગંધયુક્ત પાણી થી અહીં લોકો ત્રાહિમામ છે સોસાયટીમાં લોકો બિમારીનો ભોગ બની રહ્યાં છે આ સમસ્યાનો અંગે સ્થાનિક સતાધારી પક્ષના ચૂંટાયેલા કાઉન્સિલરો તથા વોર્ડ કચેરી તેમજ પાલિકા કચેરી ખાતે રજૂઆતો કરવા છતાં આજદિન સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. એક તરફ પાલિકાના મેયર, દંડક, સ્થાઇ સમિતિના ચેરમેન, ધારાસભ્યો રોજબરોજ વિવિધ કામોના નિરિક્ષણ કરવા નિકળી ફોટો પડાવી વાહવાહી લૂંટી રહ્યાં છે પરંતુ વેરો ભરતી જનતાની સમસ્યા સાથે જાણે તેઓને કંઇ લાગતું વળગતું ન હોય તેમ પાલિકા કચેરી નજીકના વોર્ડ ની સમસ્યા નું નિરાકરણ લાવ્યા નથી ત્યારે કોંગ્રેસના સ્થાનિક મ્યુનિ. કાઉન્સિલર બાળુભાઇ સૂર્વે અત્રે દોડી આવ્યા હતા અને અહીં વહેલી તકે સમસ્યાઓ નું નિવારણ કરવા રજૂઆત કરી હતી સાથે તેમણે આક્ષેપો કર્યા હતા કે, આ સમસ્યા મુદ્દે તેમણે વારંવાર સભામાં પણ રજૂઆત કરી છતાં સતાધારી પક્ષના તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી નથી જેના કારણે ઘેર ઘેર લોકો બિમાર થયા છે જેથી વહેલી તકે અહીં કામગીરી કરવામાં આવે તેવી માગ કરી હતી.

Most Popular

To Top