અમદાવાદ: તલાટીની ફીક્સ પગારની ૩૪૦૦ જગ્યા માટે ૧૭ લાખ અરજી એ ભાજપના (BJP) રોજગાર આપવાના દાવાનો ફુગ્ગો ફોડી નાંખ્યો છે. રાજ્યમાં સરકારી ચોપડે ત્રણ લાખ કરતા વધુ શિક્ષિત બેરોજગાર (Educated unemployed) નોંધાયા છે, ૩૦ થી ૩૫ લાખ શિક્ષિત બેરોજગારો ન નોંધાયેલા છે, ત્યારે મોંઘુ શિક્ષણની ભેટ (Gift) આપનાર ભાજપની ભ્રષ્ટ સરકારમાં ગુજરાતના યુવાનો બેરોજગારીની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. સરકારી નોકરી મેળવવાની ઈચ્છા સાથે લાંબા સમયથી લાખો યુવાન મહેનત કરે છે પરંતુ ભાજપ સરકાર તેમના ભવિષ્ય સાથે રમત રમી રહી છે.
ભાજપ સરકાર ચૂંટણી સમયે સરકારી ભરતીની જાહેરાત કરીને દર પાંચ વર્ષે ગુજરાતના લાખો શિક્ષિત બેરોજગાર યુવાનો સાથે રમત રમી રહી હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૮માં તલાટી કમ મંત્રીની ભરતી પ્રક્રિયામાં ૨૯૩૭ જગ્યા માટે ૩૫ લાખ યુવાનોએ અરજી કરી હતી. જેમની પાસેથી પરીક્ષા ફી પેટે ૨૦ કરોડ જેટલા અધધ રૂપિયા વસુલ કરવામાં આવ્યા જે ભરતી રદ કરતા પરત કરવામાં ભાજપ સરકારે ઠાગાઠૈયા કર્યા હતા. ડીજીટલ ગુજરાતની વાતો કરતી ભાજપ સરકારે ૧૧૦ રૂપિયાની ફી પાછી મેળવવા માટે ૭૦૦ રૂપિયા ખર્ચીને યુવાનોને રાજ્યની જુદી જુદી જિલ્લા પંચાયત ધક્કા ખાવા મજબુર કર્યા હતા. ગુજરાતમાં વિવિધ સરકારી ભરતી પ્રક્રિયામાં યેનકેન પ્રકારે વિલંબ થઇ રહ્યો છે. ચાર-ચાર વર્ષ સુધી જાહેરાત પછી પરીક્ષાઓ યોજાતી નથી.
આઉટ સોર્સિંગ – કોન્ટ્રાકટ એજન્સીઓની સરકારના મંત્રી- સંત્રી સાથેની ગોઠવણના લીધે આઉટ સોર્સિંગ- કોન્ટ્રાકટ નામે ગુજરાતના ૯.૫ લાખ જેટલા યુવાન – યુવતીઓનું મોટા પાયે આર્થિક શોષણ થઇ રહ્યું છે. ત્યારે ભાજપ સરકાર ગુજરાતના લાખો યુવાનોની કારકિર્દી અને જિંદગી સાથે રમત રમવાનું બંધ કરે.