સુરત: (Surat) કોરોનાના કહેર વચ્ચે છેલ્લા ચાર-પાંચ દિવસથી સુરત જિલ્લામાં કાગડા અને મરઘા મરવાની ઘટનાઓ બાદ આજે મઢીમાં (Madhi) 6 તારીખે મોતને ભેટેલા 6 પૈકી 2 કાગડાઓનો બર્ડફ્લુ (Bird Flu) રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર પણ ફફડી ઉઠ્યું છે. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ તેના નિયંત્રણની કામગીરીમાં લાગી ગઈ છે.
દેશ માટે વર્ષ 2020 નું વર્ષ કોરોનામાં નીકળ્યા બાદ 2021 ની શરૂઆતની સાથે જ બર્ડફ્લૂના સમાચાર સાંભળવા મળ્યા હતા. દેશના અન્ય રાજ્યોની સાથે ગુજરાતમાં તથા સુરત જિલ્લામાં પણ કાગડા અને મરઘા મરવાની ઘટનાઓ છેલ્લા અઠવાડિયાથી સામે આવી રહી છે. આરોગ્ય વિભાગની ટીમ એલર્ટ મોડમાં આવી ગઈ છે. મઢી રેલવે સ્ટેશન સામે બુધવારે ચાર કાગડાના ભેદી મોત થયાનું સામે આવ્યા બાદ વનવિભાગ અને પશુપાલન વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. પશુ રોગ સંશોધન અધિકારી ડોક્ટર ઉસ્માની ટીમ સાથે ઘટનાસ્થળે ધસી જઇ કાગડાઓના મૃત્યુનું કારણ જાણવા માટે મૃતદેહ ભોપાલ મોકલાયા હતા. આ કાગડાઓ પૈકી 2 કાગડાનો બર્ડફ્લૂ રિપોર્ટ આજરોજ પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમમાં ખળભળાટ વ્યાપી ગયો છે.
કાગડાઓના બર્ડફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જિલ્લા કલેક્ટરે તાત્કાલિક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. જાહેરનામા મુજબ મઢીમાં જ્યાં કાગડા મૃત મળ્યા ત્યાંથી 1 કિલોમીટર સુધી પોલ્ટ્રીને લગતા પરિવહન માટે પ્રતિબંધ ફરમાવ્યું છે. એટલા વિસ્તારમાં કોઈ ચિકન મટનની દુકાન પણ ચાલું રાખી શકાશે નહીં. અને 10 કિલોમીટરમાં આવેલા તમામ પોલ્ટ્રી અને ફાર્મ પર સર્વેલન્સની ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે.
જિલ્લામાં 16 ટીમ સર્વેલન્સના કામે લાગી
મઢીમાં મોતને ભેટેલા 2 કાગડાનો બર્જફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ કામે લાગી છે. હાલ મઢી માટે 3 ટીમ બનાવવામાં આવી છે. દરેક ટીમમાં એક વેટનરી ઓફિસર અને 2 એડિશનલ ડાયરેક્ટર કામ કરી રહ્યા છે. આ સિવાય સમગ્ર જિલ્લામાં આરોગ્ય વિભાગની 16 ટીમ સર્વેલન્સની કામગીરીમાં જોતરાઈ ગઈ છે.
પોલ્ટ્રી ફાર્મમાં ફેલાયો તો દક્ષિણ ગુજરાતમાં મોટુ નુકશાન
હાલમાં દેશના પાંચ રાજ્યો હિમાચલ પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને કેરલામાં બર્ડફલુના કેસ સામે આવ્યા છે. સુરતમાં બર્ડફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા હવે ગુજરાતમાં પણ તેની એન્ટ્રી થઈ ગઈ છે. પરંતુ હવે તે પોલ્ટ્રી ફાર્મમાં ન ફેલાય તે માટે તંત્ર કામે લાગી ગયું છે.
પક્ષીમાંથી માણસમાં ફેલાવાની ભીંતિ
પક્ષીઓમાંથી માણસમાં આ રોગ ફેલાઈ શકે છે. ત્યારે સતર્ક બનેલી કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને તમામ સાવધાની રાખવા આપેલી સૂચનાઓથી ગાઈડ લાઈન મુજબ જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.