National

બિપોરજોયના લીધે રાજસ્થાનના માઉન્ટ આબુમાં રેકોર્ડ વરસાદ પડ્યો, 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો

નવી દિલ્હી: ગુજરાત (Gujarat) બાદ હવે રાજસ્થાનમાં (Rajashthan) બિપોરજોયની (BiporjoyCyclone) અસર જોવા મળી રહી છે. અહીં બાડમેર, માઉન્ટ આબુ, સિરોહી, ઉદયપુર, જાલોર, જોધપુર અને નાગૌરમાં શનિવારે સવારથી વરસાદ પડી રહ્યો છે. 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. 

છેલ્લા 24 કલાક દરમિયાન તેની સૌથી વધુ અસર જાલોર, સિરોહી અને બાડમેરના રણ જિલ્લાઓમાં જોવા મળી હતી. બાડમેરમાં પૂરની સ્થિતિ પ્રવર્તી રહી છે જ્યારે માઉન્ટ આબુમાં રેકોર્ડ 8.4 ઈંચ પાણી વરસ્યું છે. હવામાન વિભાગે જયપુરે સિરોહી અને જાલોરમાં પૂરની સ્થિતિની સંભાવના વ્યક્ત કરી છે.

હવામાન વિભાગે બાડમેર, જાલોર, સિરોહી અને પાલી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. રેલ્વેએ બાડમેરથી પસાર થતી 14 ટ્રેનો રદ કરી છે. તેવી જ રીતે ઉદયપુરથી દિલ્હી અને મુંબઈની બે ફ્લાઈટ પણ રદ કરવામાં આવી છે.પાકિસ્તાન સરહદને અડીને આવેલા બાડમેરના 5 ગામો (બખાસર, સેડવા ચૌહાતાન, રામસર, ધોરીમ્ના)ના પાંચ હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

રાજસ્થાનના 80% વિસ્તારમાં વાદળછાયું, બાડમેરમાં 5 ઈંચ વરસાદ
બિપોરજોયની અસરને કારણે રાજસ્થાનના 80% વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે. આ સિસ્ટમને કારણે ગઈકાલે રાત્રે ચુરુના બિડાસરમાં 76 મીમી (3 ઈંચ) વરસાદ થયો હતો. સિરોહીના ઘણા વિસ્તારોમાં 62 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.

છેલ્લા 24 કલાકમાં બાડમેરના સેડવા અને સિરોહીના માઉન્ટ આબુમાં મહત્તમ 5-5 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય સિરોહીમાં ગત રાતથી 27 મીમી એટલે કે એક ઇંચથી વધુ પાણી પડી ગયું છે. તે જ સમયે, જોધપુર, જાલોર, ઉદયપુર, બાંસવાડા, અજમેર, ભીલવાડા, બિકાનેર, જેસલમેર, ટોંક, રાજસમંદ સહિતના અન્ય જિલ્લાઓમાં 1 થી 30 મીમી સુધીનો વરસાદ નોંધાયો હતો.

બિપોરજોય વાવાઝોડું શુક્રવારે રાત્રે રાજસ્થાન પહોંચ્યું હતું. તેની અસર રાજ્યમાં રવિવાર સુધી રહેશે. વાવાઝોડાની અસરને કારણે એમપી, યુપી અને દિલ્હીના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે.

ટ્રેન અને ફ્લાઈટ્સ કેન્સલ કરાઈ
શનિવારે ઉદયપુરના મહારાણા પ્રતાપ એરપોર્ટ પરથી ઉડાન ભરેલી એર ઈન્ડિયાની બે ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ઉદયપુરથી દિલ્હીની બપોરે 1 વાગેની અને સાંજે 4.30 કલાકની મુંબઈની ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. બીજી તરફ ઉત્તર-પશ્ચિમ રેલવેએ જોધપુર-બાડમેર, બાડમેર-મુનાબાવ, જોધપુર-ભીલડી, જોધપુર-પાલનપુર અને અમૃતસર-ગાંધીધામ વચ્ચે ચાલતી 14 ટ્રેનો રદ કરી છે.

Most Popular

To Top