આણંદ : પેટલાદ એપીએમસી ખાતે ગુજરાત સ્ટેટ કો – ઓપરેટીવ ટોબેકો ગ્રોઅર્સ ફેડરેશન લી.ની 38મી સાધારણ સભા અને પેટલાદ – સોજીત્રા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની 72મી સાધારણ સભા યોજાઇ હતી. જેમાં કૃષી કચરામાંથી બાયોગેસ અને તેને કોમ્પ્રેસ કરી સીએનજી બનાવવાનું આયોજન હાથ ધરાયું હોવાનું તેજસભાઈ પટેલે જણાવ્યું હતું.પેટલાદ ખાતે યોજાયેલી સભામાં તેજસભાઈ પટેલનું ગુજકોમાસોલ, અમદાવાદમાં સતત 5મી વખત બિનહરીફ વિજય થવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેજસભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજના સમયે સહકાર અને સહકારી સંસ્થાઓના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓ ગામડામાં રહેતા લોકો સુધી પહોંચાડી આ યોજનાઓ થકી ખેડૂતોને ખૂબ જ સારી મદદ થઈ શકે તેમ છે.
આવનારા ટુંક સમયમાં જ આસપાસના ગામડાંઓનું ક્લસ્ટર બનાવી તેમાંથી કૃષી કચરો, ઢોરના મળ મુત્ર, તમામ પ્રકારના કચરાં એકઠાં કરી કચરામાંથી બાયોગેસ ઉત્પન્ન કરી તેને કોમ્પ્રેસ કરી તેને સીએનજી બનાવવાનું આયોજન કર્યું છે. આ કચરામાંથી ઉત્પન્ન કરેલા દરેક પ્રોડક્ટને ગુજરાત ઓર્ગેનિક ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેસનના સેન્દ્રીય ખાતર બનાવવા માટે આયોજન કર્યું છે. તે સેન્દ્રીય ખાતર દ્વારા ઓર્ગેનીક ખેતી કરી અને તેનાથી ઉત્પન્ન થયેલો ઓર્ગેનીક ખેતી કરી અને તેનાથી ઉત્પન્ન થયેલા ઓર્ગેનીક ખેત પેદાશનું મુલ્ય વર્ધન કરી તેને વિવિધ ખાનગી કંપની સાથે જોડાણ કરી વિશ્વભરમાં નિકાસ કરવાનું આયોજન કર્યું છે. જેનાથી સ્વચ્છ ભારત અભિયાનમાં મદદરૂપ થઇ શકાય અને તેનાથી ગામડાંમાં રોજગારીનું પ્રમાણ વધશે.
આ સભામાં પેટલાદ – સોજિત્રા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ના ચેરમેન તરીકે તેજસભાઈ બીપીનભાઈ પટેલ, ગુજરાત સ્ટેટ કો – ઓપરેટીવ ટોબેકો ગ્રોઅર્સ ફેડરેશન લી. આણંદના ચેરમેન સંદીપભાઈ બીપીનભાઈ પટેલ, માજી રાજ્યસભાના સાંસદ લાલસિંહભાઈ વડોદિયા, માજી મંત્રી છત્રસિંહ મોરી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યાં હતાં.