બીલીમોરા: (Bilimora) બીલીમોરા નજીકના મોરલી નદી (River) કિનારે ઓડ સમાજ દ્વારા હાથથી રેતી કાઢવાનો વ્યવસાય કરે છે. જેમાં અંદરોઅંદર માથાકૂટ થતા એક જૂથ દ્વારા બીજા જૂથના યુવકને માર મરાતા યુવક ગંભીર ઇજાને પગલે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં (Hospital) દાખલ કરાયો છે. ફરિયાદ પછી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
- બીલીમોરાના મોરલી ગામમાં રેતી કાઢવાના પ્રકરણમાં બે જૂથ વચ્ચે હિંસક મારામારી
- રેતી કાઢવા માટે એક જુથે બહારના યુવકોને બોલાવતા સામાવાળા ગ્રુપે વિરોધ કરતા સાત શખ્સોએ હુમલો કર્યો
બીલીમોરા પોલીસ સૂત્રો પાસેથી માહિતી મળતી મુજબ બીલીમોરા નજીકના મોરલી ગામે નદી કિનારે ઓડ સામાજ નદીમાંથી હાથથી રેતી કાઢવાનો વ્યવસાય કરે છે. જેમાં અંદરોઅંદર ચાલતાં બે જૂથોમાં એક જુથે બહારના યુવકોને રેતી કાઢવા માટે બોલાવતા સામાવાળા ગ્રુપે તેનો વિરોધ કર્યો હતો. દરમિયાન ગૌરવ ચોંટાલિયા નામના યુવકને સામાવાળા સાત જેટલા શખ્સોએ હુમલો કરતા તેને ગંભીર ઇજાઓ પહોંચતા બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હુમલો કરનાર પૈકી બે શખ્સો ધર્મેન્દ્ર યાદવ અને નિલેશ ઓડની અટક કરી કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ પી.આઈ. ટી.એ.ગઢવી કરી રહ્યાં છે.
રેતીના વ્યવસાયમાં વર્ચસ્વની લડાઇ
રેતીના મલાઈદાર વ્યવસાયમાં બીલીમોરામાં લાંબા સમયથી નાની મોટી મારામારી થયા જ કરે છે. ચોતરફ વિકાસ અને બાંધકામનો રાફડો ફાટ્યો છે. તેને કારણે રેતીની ખૂબ ઉંચી માંગ છે. એટલે આ વ્યવસાયમાં દરેક પોતાનું વર્ચસ્વ બનાવવા મરણીયા બન્યા હોય એવું લાગે છે.