બીલીમોરા: (Bilimora)) બીલીમોરામાં વરસાદની (Rain) શરૂઆતમાં જ એક દુખદ ઘટના સામે આવી છે. વખારિયા બંદર રોડ પર આ ઘટના બની છે. આ રોડ પર રહેતી પાંચ વર્ષની સાહીન શેખ વરસાદી પાણીના ભરાવા વચ્ચે ખુલ્લી ગટરમાં પડતા લાપતા બની છે. પાલિકા ફાયર, સાથે પોલીસ સતત શાહીનની શોધખોળ કરવા છતાં તેનો કોઈ પત્તો લાગ્યો નથી. પ્રથમ વરસાદમાં જ પાલિકાની ગંભીર બેદરકારીને કારણે પાંચ વર્ષની માસુમ બાળકી ભોગ બની છે.
ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા વચ્ચે ક્યારેક ગંભીર ઘટના બની જતી હોય છે. તેવો જ એક ચોંકાવનારી ઘટનાનો વીડિયો બીલીમોરાથી સામે આવ્યો છે. વખારીયા બંદર રોડ, જીવન જ્યોત એપાર્ટમેન્ટ ની પાછળ રહેતી 5 વર્ષની શાહીન મોહમ્મદ અજીત શેખ શુક્રવારે બપોરે આ વિસ્તારમાંથી જઈ રહી હતી. દરમિયાન તે રસ્તાની બાજુમાં આવેલી વરસાદી પાણીના નિકાલની ખુલ્લી ગટરમાં પડી જતા લાપતા બની છે. આ વરસાદી પાણીની ગટર ખુલ્લી છોડી દેવાઈ હતી. આ ગટરમાંથી વરસાદી પાણી પસાર થાય છે જે નજીકની અંબિકા નદીમાં ભળી જાય છે.
શુક્રવાર બપોરે ગટરના પાણીમાં અચાનક 5 વર્ષની શાહીન અકસ્માતે પડી જતા હાહાકાર મચી જવા પામ્યો છે. આ ગટર નું પાણી સીધું અંબિકા નદીમાં ભળે છે. જે સંભવત નદીના પાણીમાં ડૂબી ગઈ હોય તેવી આશંકા જતાવવામાં આવી રહી છે. તેની સતત શોધખોળ થઈ રહી છે. સ્થાનિકોએ આ ખુલ્લી ગટરમાં પાઇપ નાખવાની અનેકવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં પાલિકાએ કોઈજ પગલાં નહિં ભરતા આ કરુણ બનાવ બનવા પામ્યો છે. પિતા મો. અજિત શેખ અને માતા રૂખસાર શેખ ગુમ થયેલ પુત્રીની શોધખોળ કરી રહયા હતા ત્યારે ગટર સામેના સીસી ટીવી મા કેદ આ ઘટના પ્રકાશ મા આવી હતી.