બીલીમોરા: (Bilimora) બીલીમોરા નજીક છાપર ગામનો ભૌતિક ઉર્ફે ભાવુ પટેલ ૧૦ મહિના અગાઉ ગુમ (Missing) થયો હતો. જે અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતાં તેનું મર્ડર થયાનું સામે આવ્યું હતું. પોલીસે અમલસાડ રેલવે ટ્રેક નજીકની અવાવરુ સરકારી જગ્યામાંથી દફન કરાયેલો મૃતદેહ શોધી કાઢી ૬ આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસને સતત હાથતાળી આપતા મુખ્ય સૂત્રધાર કલ્પેશ છગનભાઇ પટેલ (આંતલીયા)ની ૨૮મી જાન્યુઆરીનાં રોજ દમણથી બાતમીના આધારે ધરપકડ કરી હતી. જેને કોર્ટમાં રજૂ કરી દસ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. કોટે ૭/૨/૨૦૨૪ એટલે કે ૯ દિવસનાં રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા. તેના રિમાન્ડ દરમિયાન પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે, જેને કોર્ટ સમક્ષ રજુ કરી જેલમાં ધકેલાયો છે.
- મુખ્ય સૂત્રધાર કલ્પેશ પટેલના રિમાન્ડ દરમિયાન પોલીસ સમક્ષ અનેક તાણાવાણાંના ભેદ ઉકેલાયા
- કલ્પેશની કબૂલાતને આધારે તુષાર ઉર્ફે તુલસીને પોલીસે દબોચી લીધો, કોર્ટમાં રજુ કરી જેલભેગો કરાયો
- ભાઈનાં મોતનો બદલો લેવા ભૌતિક ઉર્ફે ભાવુને રહેંસી નાંખી લાશ દફનાવી દીધી હતી
ગણદેવી તાલુકાનાં છાપર ગામે રહેતો ભૌતિક ઉર્ફે ભાવુ ગણપતભાઈ પટેલ (૨૯) મારામારીનાં કેસોને પગલે જિલ્લામાંથી તડીપાર હતો. દરમિયાન સાત મહિના અગાઉ ગત ૬/૪/૨૦૨૩ના રોજ સવારે પોતાની માતાને મળવા પહોંચ્યો હતો. જેના બીજા દિવસથી તેનો ફોન બંધ આવવા સાથે એકાએક રહસ્યમય ગુમ થયો હતો. જેની શોધખોળ બાદ માતા સીતાબેન પટેલે બીલીમોરા પોલીસ મથકે પુત્રના ગુમ થયાની ફરિયાદ આપી હતી. મૃતક ભૌતિકનો મિત્ર હર્ષ ઉર્ફે સિકંદર લક્ષમણ ટંડેલ શંકાનાં દાયરામાં આવ્યો હતો.
જેની ઉલટ તપાસ કરતા આંતલીયાનાં કલ્પેશ છગન પટેલે ભૌતિકને મારી નાંખવા પાંચ કરોડની સોપારી આપી હોવાની વાત સામે આવી હતી. જે બાદ ગત ૬/૪/૨૦૨૩એ હર્ષ સિકંદરે ભાવુને ગણદેવી ચાર રસ્તા નજીક દેવકૃપા એપાર્ટમેન્ટમાં મનીષ ઉર્ફે ગુડુ પાઠકનાં ભાડાના ફ્લેટમાં બોલાવ્યો હતો. બીજા દિવસે ૭/૪/૨૦૨૩નાં રોજ વહેલી સવારે હર્ષ ઉર્ફે સિકંદર ટંડેલ અને આદર્શ ચંદ્રકાન્ત પટેલે તલવાર અને ચપ્પુથી ઊંઘી રહેલા ભાવુને રહેંસી નાંખ્યો હતો. અમલસાડ રેલવે ટ્રેકની બાજુમાં ભૂતબાપા સામે પડતર જગ્યામાં ખાડો ખોદી હત્યાની બીજી રાત્રે લાશ લઈ જઈ દફનાવી દીધી હતી.
આ કબૂલાતને આધારે પોલીસે ઉપરોક્ત સ્થળે ખોદકામ કરાવતા હાડકાં, ખોપરી, જીન્સ પેન્ટ, બેલ્ટ, શર્ટ, જમણા હાથે બાંધેલો કાળો, લાલ દોરો અને બે હાડકા ઉપર પ્લેટ મળી આવી હતી. મૃતક ભાવુની માતાએ ઓળખ કરી હતી. પોલીસે હત્યાને અંજામ આપનારા આરોપી હર્ષ ઉર્ફે સિકંદર લક્ષ્મણભાઇ ટંડેલ, મનિષ ઉર્ફે ગુડ્ડ રંગનાથ પાઠક, સતિષ વિનોદભાઇ પટેલ, ગીરીશ રંગનાથ પાઠક, મીગ્નેશ કિશોરભાઇ પટેલ, વિશાલ અશોકભાઇ હળપતિ (તમામ રહે. અમલસાડ)ને જેલભેગા કર્યા હતા.
પોલીસ પકડથી બચવા સતત હાથતાળી આપતા સોપારીબાજ કલ્પેશ છગનભાઇ પટેલની ૨૮’મી જાન્યુઆરીનાં રોજ દમણથી ધરપકડ કરાઈ હતી અને ગણદેવી કોર્ટમાં રજૂ કરાતા ૭/૨/૨૦૨૪ સુધીનાં ૯ દિવસનાં રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા. રીમાન્ડ દરમિયાન વધુ એક સાગરીત તુષાર ઉર્ફે તુલસી કેશવભાઈ પારગી (રહે.આંતલીયા પંચાયત સામે)નું નામ સામે આવ્યું હતું. પોલીસે તેની સોમવારે ધરપકડ કરી હતી અને મંગળવારે કોર્ટમાં રજૂ કરતા સબજેલમાં ધકેલાયો છે.
અન્ય એક આરોપી ભારત છોડી નાસી છૂટ્યો હોવાની શક્યતા
જો કે હજી આ મર્ડર કેસમાં અન્ય આરોપી આદર્શ ચંદ્રકાંત પટેલ (રહે.માછીયાવાસણ) હજુ સુધી પોલીસ પકડથી દૂર છે અને કહેવાય છે કે તે ભારત બહાર નાસી છૂટ્યો છે, જેની ચીખલી પીઆઇ ભાગ્યેશ ચૌધરી તપાસ કરી રહ્યાં છે.